40 વર્ષ જૂનાં કેસમાં ભુજ સેશન્સ કોર્ટનો ચુકાદો
ખાસ-ખબર ન્યૂઝ ભૂજ
- Advertisement -
કોંગ્રેસના નેતા અબ્દુલ હાજી ઈબ્રાહિમ ઉર્ફ ઈભલા શેઠને માર મારવાના કેસમાં કોર્ટે 41 વર્ષ પછી પૂર્વ ડીજીપી કુલદીપ શર્માને દોષિત જાહેર કર્યા છે. આ કેસમાં ભુજ સેશન્સ કોર્ટે કુલદીપ શર્મા અને અન્ય તેમના એક સાથી અધિકારીને પણ ત્રણ મહિનાની જેલની સજા ફટકારી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર છઠ્ઠી મે, 1984ના રોજ નલિયાના એક કેસમાં કોંગ્રેસના નેતા અબ્દુલ્લા હાજી ઇબ્રાહિમ તત્કાલીન આઈપીએસ અધિકારી કુલદીપ શર્માને મળવા ગયા હતા. આ દરમિયાન તેઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા કુલદીપ શર્મા ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે હાજી ઈબ્રાહિમને અપમાનિત કરીને માર માર્યો હતો. આ ઘટનામાં કુલદીપ શર્માના સાથી અધિકારી ગિરીશ વસાવડા સહિત અન્ય લોકો પણ સામેલ હતા. સરકારી કચેરીમાં રજૂઆત કરવા ગયેલા લોકોને અપમાનિત કરીને માર મારવાના કૃત્યને કોર્ટે ગંભીર અને અયોગ્ય ગણાવ્યું હતું. આ કેસના ફરિયાદી ઈકબાલ મધરાએ આ ચુકાદાને આવકાર્યો હતો, જે અબ્દુલ હાજી ઈબ્રાહિમના પુત્ર છે.
આ કેસની વિગત એવી છે કે, અબડાસાના રહેવાસી અબ્દુલ હાજી ઇબ્રાહિમ નલિયામાં નોંધાયેલા એક અંગે એસપી કચેરીમાં મળવા ગયા હતા. આ દરમિયાન તેમની સાથે પૂર્વ ધારાસભ્ય ખરાશંકર જોષી, માંડવીના ધારાસભ્ય જયકુમાર સંઘવી સહિતના આગેવાનો પણ હતા. એ વખતે તત્કાલીન સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કુલદીપ શર્માએ એ તમામનું અપમાન કર્યું હતું. બાદમાં કચેરીના અન્ય પોલીસ અધિકારીઓને બોલાવીને ઝોર માર મરાયો હતો. આ મારામારીમાં અબ્દુલ હાજી ઈબ્રાહિમને ઈજા પહોંચી હતી. આ ઘટના પછી તેમની સાથે આવેલા શંકર ગોવિંદજી જોષી નામના અગ્રણીએ ભુજની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં એસ.પી. કુલદીપ શર્મા સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.
આરોપી કુલદીપ શર્મા તથા અન્ય આરોપીઓ માટે જે વખતે સરકારી વકીલ બચાવ કરતા એડવોકેટ એમ.બી.સરદારે એવી દલીલ કરી હતી કે સરકારી વકીલનો કામ ફરિયાદ પક્ષનો કેશ પુરવાર કરવાનો છે નહીં કે આરોપીનો બચાવ કરવાનો. પછી આરોપી ભલેને જિલ્લાના પોલીસ વડા હોય જ્યારે તે આરોપી તરીકે આવે છે, ત્યારે તે એક આરોપી જ છે અને દરેક આરોપીની જેમ તેણે પોતાનો બચાવ જાતે અથવા પોતાના એડવોકેટ મારફતે કરવો જોઈએ. જેમાં કોર્ટ સહમત થયેલી અને કુલદીપ શર્મા સહિત અન્ય આરોપીઓ એ પ્રાઈવેટ વકીલ રાખી પોતાનો બચાવ કર્યો હતો.