કાર્તિક મહેતા
મેરઠમાં હમણાં લોકોએ ફૂટપાથ ઉપર લાઈનો લગાવી , ટ્રાફિક જામ કરી નાખ્યો. આ બધા લોકો ટાલ ઉપર વાળ ઉગાડવા માંગતા હતા. થયું એવું કે સમીર ઇમરાન અને સલમાન નામના ત્રણ જણ માત્ર વિસ રૂપિયામાં એક તેલ માલિશ કરીને ટાલ પર વાળ ઉગાડવાનો દાવો કરતા હતા. ત્રણસો રૂપિયાની એક એવી એક તેલની બોટલ પણ વેંચતા હતા. આ રીતે માત્ર વીસ થી ત્રણસો રૂપિયામાં ટાલ ઉપર વાળ ઉગી જતા હોય તો એના જેવું રૂડું શું? એવું વિચારીને લોકોએ આ તેલવાળાઓને ત્યાં લાઈનો લગાડી. તેલ લગાડયા બાદ ઘણા લોકોને રિએક્શન થયા અને એમણે ફરિયાદ કરી આથી પુલીસે આ ત્રણેય ફૂટપાથ-ઉદ્યોગપતિઓની ધરપકડ કરી.
- Advertisement -
ટાલ ઉપર વાળ ઉગાડવા એક મોટો અને માલદાર ઉદ્યોગ છે. કોઈ ટાલ પસંદ કરતુ નથી. આથી લોકો અનેક ઉપાયો વડે આવતી ટાલને રોકવા અથવા થઇ ગયેલી ટાલને ફરી હરિયાળી કરવા સતત પ્રયાસશીલ રહે છે. ભારતમાં અનેક તેલની બ્રાન્ડ્સ વર્ષોથી છે અને તમામની ભક્તિ ધમધોકાર ચાલે છે. અમુક તેલ નિર્માતાઓ તો માત્ર તેલ વેચીને કરોડોપતિ બની ગયા છે. તો વળી અમુક અબજોપતિઓ પણ વર્ષોથી હર ઓઇલ વેચીને સારી એવી કમાણી કરે છે. અમુક કંપનીઓ ખુબ વધારે મિનરલ ઓઇલ નાખીને હેર ઓઇલ બનાવે છે અને નામ કોઈ પ્રાકૃતિક ઉત્પાદનું આપીને તેલ વેચે છે.. આ મિનરલ ઓઇલ કેટલું સારું એ સંશોધનનો વિષય છે પણ એ સસ્તું જરૂર હોય છે.
અમુક શેમ્પુ (જે હિન્દી શબ્દ ચંપી પરથી ઉતારી આવેલ અંગ્રેજી શબ્દ છે)માં પણ એવા ભારે રસાયણો વપરાય છે કે જેનાથી વાળના મૂળને નુકસાન થાય છે.પરંતુ જાહેરાતોના મારાથી સતત જેમનું મગજ ઘવાતું રહે છે એવા યુવાનો અને અન્ય લોકો સતત માથું ધોઈ ધોઈ કરીને હેર સ્કાલ્પને ભયાનક નુકસાન કરી બેસે છે. અમુક લોકોને ટાલ આનુવંશિક હોય છે. પરંતુ જો નાનપણથી માવજત કરવામાં આવે તો આનુવંશિક રીતે પડતી ટાલને ઘણા અંશે અટકાવી શકાય છે. આ માટે પોષક ખોરાક, વ્યાયામ, નિયમિત જીવન, પૂરતી ઊંઘ, માપસરનો સ્ટ્રેસ અને નિયમિત માલિશ જેવા ઉપાયો પ્રયોજવા જરૂરી હોય છે.
વિજ્ઞાનીઓ જ્યારે ચન્દ્ર અને મંગળ પર આરોહણ કરવામાં સફળ થયા હોય ત્યારે આપણા માથાના ચાંદનો ઉપાય હજી મળવાના કોઈ એંધાણ નથી. ચન્દ્ર ઉપર વસ્તી અને હરિયાળી થઇ જશે પણ ટાલ ઉપર હરિયાળી કરવાનું સપનું સપનું જ રહેશે એમ જણાય છે. કેમકે હેર ટ્રાન્સપ્લાન્ટ એટલી સફળ પ્રક્રિયા નથી.હેર ટ્રાન્સપ્લાન્ટમાં ટાલના વિસ્તારમાં સામાન્ય રીતે પગ પરથી લઈને વાળ રોપવામાં આવે છે. પરંતુ આ ટ્રાન્સપ્લાન્ટ થયેલા વાળ કેટલાક વર્ષો પછી ખરવા લાગે છે એવા લોકોના અનુભવ જાણવા મળે છે.
- Advertisement -
વાળની વિગનો ધન્ધો પહેલા ખુબ ચાલતો પણ હવે પેચની ફેશન ચાલી છે. પેચ એક રીતે વિગ જ છે જેને ટાલગ્રસ્ત વિસ્તાર પર એકદમ ચુસ્ત માપ લઈને એક ખાસ પ્રકારના ગુંદરવાળી પટ્ટીઓ વડે ચીપકાવામાં આવે છે. વિગ કરતા પેચ વધુ જાનદાર લાગે છે , શાનદાર પણ લાગે છે. સારી ગુણવતા વાળા પેચને લોકો રિયલ વાળ સમજી બેસે છે. આપણા દેશના મોટા ભાગના અભિનેતાઓ (બચ્ચન , હ્રિતિક , સલમાન , મહેશ બાબુ, રણબીર વગેરે અનેક) પેચ ધારણ કરીને જ જનતા સમક્ષ આવે છે.અર્થાત ટાલની સમસ્યા શરીરની માવજત કરવામાં કરોડો ખર્ચી નાખતા અભિનિતાઓને પણ નડે છે.
ચરક સંહિતા અનુસાર વાળ ખરવાનું કે ટાલ પાડવાનું કારણ પિત્તપ્રકોપ છે. આયુર્વેદ નિયમિત અમુક ચોક્કસ તત્વો સાથેના તેલની માલિશ સૂચવે છે. જેમકે ભૃંગરાજ અથવા ભાંગરો અથવા માકો. આ એક એવી સરળ રીતે પ્રાપ્ય અને અકસીર વનસ્પતિ છે જેનું તેલ (એટલે કે એના પાંદડાને તેલમાં ઉકાળીને બનાવાયેલું તેલ, જે ચોક્કસ પદ્ધતિથી બનવું જોઈએ.) ટાલ રોકવા સક્ષમ છે ખરું. આ વાત વૈજ્ઞાનિક પરીક્ષણોમાં પણ પ્રમાણિત થઇ છે.
બંગાળમાં વર્ષોથી બનતું તેલ છે. આ તેલનું મુખ્ય તત્વ કેંથરેડિન ચોક્કસ પ્રકારના જીવડાંઓથી મેળવવવામાં આવે છે. કહેવાય છે કે આ તેલને કારણે વાળ ખરતા નથી , પરંતુ આ દાવો કેટલો સાચો એ તો વપરાશકર્તાને પૂછવું પડે.(આ તેલનો ખાસ ચાહક વર્ગ છે) .
માથામાં વાળ ધીમે ધીમે ખરીને ટાલ પડે છે. માથાના વાળ પાંચ કે ચારના સમૂહોમાં હોય છે જેમ ઘાસ ઉગેલું હોય એ રીતે. આ ચાર કે પાંચ વાળનો ગુચ્છો હોય એમાં બધા વાળ એક સરખી જાડાઈ ધરાવતા હોય છે પણ ટાલ પાડવાની શરૂઆત થાય એટલે એક પછી એક વાળ પાતળો થઇ થઇ ને ખરવા લાગે છે. છેવટે ત્યાં ટાલ બની જાય છે.
લગભગ 1950-60 આસપાસ એક પ્રખ્યાત વિજ્ઞાન સામયિકમાં વાળ સંબંધી એક રિસર્ચ પેપર છપાયેલો.જેમાં દર્શાવામાં આવેલું કે જો વાળ ધરાવતી ત્વચા ઉપર અમુક ચોક્કસ રીતે તો એ વિસ્તારમાં નવા હેર ફોલિકલ (એટલે કે વાળને જન્મ આપતી ગ્રંથિ) જન્મ લે છે. આ પ્રયોગો પાંચ આફ્રિકન વંશી લોકોના ગાલ ઉપર કરવામાં આવેલા. ત્યારબાદ અનેકે વર્ષો પછી આ પ્રયોગને ઉંદરો ઉપર રિપીટ કરવામાં આવ્યા. એમાં પણ સમાન પરિણામ જોવા મળ્યું કે જો વાળની ત્વચાને એક “ચોક્કસ” રીતે હળવો , માઇક્રોસ્કોપિક જખ્મ દેવામાં આવે તો તે સ્થળે નવા હેર ફોલિકલ જન્મ લઇ શકે છે. હવે આ પ્રયોગ માણસના માથામાં પણ કરવામાં આવ્યા તો ઉત્સાહજનક પરિણામો મળેલા. અહીંયા જખમ દેવાની રીત ચાવીરૂપ છે એટલે ઘરે અખતરા કરવા નહિ. પરંતુ વિજ્ઞાનની દુનિયામાં સામાન્ય લોકો કદી પડતા નથી (લોકો “રોટલા-રમખાણમાં જ રચ્યા પચ્યા રહે છે) એટલે ઘણું બધું જાણવા જેવું હોવા છતાં ક્યારેય પ્રકાશમાં નથી આવતું. અને આ અજ્ઞાન પણ ઉદ્યોગોને જન્મ આપે છે. ટાલ ઉદ્યોગ પણ કદાચ આવો જ એક ઉદ્યોગ હોઈ શકે? કોને ખબર ?