ખાસ ખબરનો વિશેષ અહેવાલ (ભાગ-20)
ખનિજ માફિયાઓના બદલે સ્થાનિક તંત્ર ભૂગર્ભમાં હોય તેવું દ્રશ્ય
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત કોલસાના ગેરકાયદેસર ખનન નો કારોબાર શરૂ થયો છે. જેમાં થાનગઢ, મૂળી અને સાયલા પંથકના અનેક ગામોમાં કોલસાની ગેરકાયદેસર ખનન પ્રક્રિયા જોવા મળે છે. અગાઉ સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનિજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી તરીકે નીરવ બારોટની કામગીરી કેટલાક અંશે ખનિજ માફિયાઓને ડરમાં રાખતી હતી પરંતુ નીરવ બારોટના કહેવાતા અંગત કારણોસર રાજીનામા બાદ હવે ખનિજ માફિયાઓને જાણે મોકલું મેદાન મળી ગયું હોય તેવું લાગી રહ્યું છે. સુરેન્દ્રનગર ખનિજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી નીરવ બારોટના રાજીનામા બાદ મોરબીના ભૂસ્તરશાસ્ત્રી ને સુરેન્દ્રનગરનો ચાર્જ સોંપાયો હતો પરંતુ અહી મોરબી જિલ્લાના હળવદ પંથકમાં જ રેતી ચોરીનું મોટું રેકેટ ચાલતું હોય તેને અટકાવી શક્યા નહિ હોય અને તેવા અધિકારીને સુરેન્દ્રનગર જિલ્લાનો ચાર્જ સોંપતા જાણે ’સૂકી રોટલીમાંથી હવે બત્રીસ જાતનાં ભોજન પીરસાય” તેવો ઘાટ સર્જાતા માસ્ટર મારેય નહિ અને ભણાવેય નહિ તેવી સ્થિતિ સુરેન્દ્રનગર જિલ્લાની ઊભી થઈ છે. અધિકારી ઇન્ચાર્જ હોવાથી ખનિજ વિભાગના એકેય કર્મચારીઓને કડક આદેશ મળતા નહિ અને એમાંય અહીંના કર્મચારીઓ ખનિજ રોકવા કરતા વધુ ખનિજ માફીયાઓ સાથે મિત્રતા કેળવવામાં વધુ મહેર હોવાથી થાનગઢના આશરે 12, મૂળી પંથકના આશરે 14 અને સાયલાના આશરે 4 ગામોમાં કોલસાનું ગેરકાયદેસર ખનન ધમધોકાર ચાલી રહ્યુ છે.
ત્યારે જિલ્લા ખાણ ખનીજ વિભાગ તો નિષ્ક્રિય છે જેના લીધે સ્થાનિક મામલતદાર અને પ્રાંત અધિકારી પણ રેવન્યુના કામકાજમાં વ્યસ્ત રહે છે જેથી સુરેન્દ્રનગરની પવિત્ર ધરતીની લાજ ખનિજ માફીયાઓ લૂંટી રહ્યા છે. જિલ્લાના થાન, મૂળી અને સાયલા પંથકના આશરે 30 ગામોમાં લગભગ બે હજારથી વધુ કોલસાની ગેરકાયદેસર ખાણો આજેપણ ધમધમી રહી છે છતાં તંત્રને આ બે હજાર ગેરકાયદેસર ખાણોમાંથી એકેય ખાણ નજરે પડતી નથી. આ તમામ ખાણોમાંથી દરરોજ લાખો ટન કોલસો ચોરી કરી કરોડો રૂપિયાનું રેકેટ ચલાવવામાં આવે છે જેમાં ક્યાંકને ક્યાંક રાજકીય નેતાઓ અને સ્થાનિક પ્રશાસન પણ પડદા પાછળના કલાકાર હોવાનું જાણવા મળે છે પરંતુ લાંબા ગાળે નુકશાનની કલ્પના કર્યા વગર ખનીજનો ધંધો ચાલવા અને ચલાવવા દેવામાં સૌ કોઈને રસ છે. ત્યારે ખાણ ખનિજ વિભાગ પણ વધુ ઉહાપોહ થાય એટલે કોલસાના એકાદ બે ખાડા પર દરોડો કરી ખનિજ માફીયાઓ ભાગી છૂટે તે પ્રકારે કામગીરી દર્શાવે છે પરંતુ સચોટ કામગીરી કરી કોલસાના ખનન ને જળમૂળથી ઉખેડી નાખવાની કામગીરીની આશા પણ હવે નહિવત રહી ગઈ છે.