પરમાત્માના ચરણોમાં ડો શરદ ઠાકરના વંદન. છેલ્લા પંદર દિવસમાં છ જેટલા લગ્ન પ્રસંગોમાં જવાનું બન્યું. બધાજ પ્રસંગોની ઉજવણી એક સરખી જોવા મળી. મહેંદીની વિધિ, હલ્દીની રસમ, સંગીત સંધ્યા, લગ્નવિધિ અને રિસેપ્શન. મનેતો બધું એકસરખું લાગ્યું. ક્યાંય અંગત રીતે જાતને જોડી શકાય તેવું નહી. બધું આડંબરી અને બાહ્ય ભપકા વાળું. લાખો રૂપિયાનો ધુમાડો. દર પાંચ મિનિટે નાચવાના નામે ભાંગડાના ઠેકડા. આવા પ્રસંગે આપણું ગુજરાતીપણું ક્યાંય જોવા ન મળ્યું. ફિલ્મોની અસર આપણાં સમાજ ઉપર અને આપણાં રિવાજો અને ઉજવણીઓ ઉપર કેટલી હદે છવાઈ ગઈ છે! શાંતિથી કોઈને પૂછ્યું તો જાણવા મળ્યું કે ઓછામાં ઓછો ખર્ચ વીસેક લાખ રૂપિયા અને વધુમાં વધુ સવા કરોડ રૂપિયા જેટલો કરવામાં આવ્યો છે. આમાંથી કોઈ અબજોપતિ ન હતું. માત્ર સામાજિક પ્રતિષ્ઠા જાળવી રાખવા માટે આટલો ધુમાડો કરવામાં આવ્યો. મને લાગે છે કે હવે આપણે આપણાં મૂળિયાં તરફ પાછા ફરવાનો સમય થઈ ગયો છે. કોઈએ પહેલ કરવી પડશે. આપણાં જૂના પરંપરાગત રિવાજો પ્રમાણે લગ્ન કરવાની હિંમત દાખવવી પડશે. લગ્નની ભાવના જળવાય, વિધિ માટે પૂરતો સમય ફાળવી શકાય અને નાચવા કૂદવા ઉપર કાપ મૂકી શકાય તો આપણી સાંસ્કૃતિક પરંપરા જળવાઈ રહેશે. સૌથી વધારે ખર્ચ વર ક્ધયા અને તેના નિકટના સગાઓના વસ્ત્રો ઉપર જોવા મળ્યો. એક એક લાખ રૂપિયા સુધીના પાનેતર અને અન્ય વસ્ત્રો જે માત્ર એક જ દિવસ પહેરીને પછી વોર્ડરોબમાં મૂકી રાખવાના હોય. આ બાબત ઉપર વિચારણા કરવા જેવી છે. ડેકોરેશન પણ ખુબજ ખર્ચાળ થઈ ગયું છે અને જમણવારનું તો પૂછવું જ શું?
ખાઈ તો ન જ શકાય પણ જોઈ ન શકાય એટલી વાનગીઓ. આમંત્રિત મહેમાનો નાનકડી ડિશમાં વાનગીઓના ડુંગર ખડકીને ઊભા ઊભા કોળિયા ભરતા હોય અને થોડું ઘણું ખાઈ લીધા પછી મોંઘીદાટ વાનગીઓ એંઠવાડમાં જતી હોય એ જોઈને હૈયું કકળી ઉઠે. ત્રણ ત્રણ હજાર રૂપિયાની એક પ્લેટ કઈ રીતે પોસાતી હશે? દર વર્ષે આવા લગ્નોમાં મહાલીને પછી હું જોઉં છું કે વરરાજા વેપાર ધંધામાં સેટલ થવા માટે બેંકલોન માટે આંટાફેરા કરતા હોય છે. તો આવા લખલૂંટ ખર્ચા કરવાના બંધ કરી ને એટલું દ્રવ્ય અંગત કારકિર્દીના વિકાસ માટે ન વાપરી શકાય? એક પણ લગ્નમાં મને શુદ્ધ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે વિધિ કરાવતા પંડિતો જોવા ન મળ્યા. એ લોકો પણ હવે સમજી ગયા લાગે છે. આખી આખી રાત ચાલતી લગ્ન વિધિ હવે એકાદ કલાકમાં આટોપી લે છે. આ બધું ક્યાં જઈને અટકશે? દેશના સૌથી વધુ ધનાઢ્ય પરિવારમાં મહિનાઓ સુધી ચાલતી સગાઈ અને લગ્નની વિધિનો આ પ્રભાવ હશે? વિચારણા માંગી લેતો પ્રશ્ન છે.