વહીવટી પ્રક્રિયામાં વિલંબથી રસ્તાના કામ ટલ્લે ચઢ્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
કેશોદના પ્રાંસલી ગામથી વાડી વિસ્તારમાંથી પસાર થતાં સાંગરસોલા તરફ જતાં 3 કીમી કાચા રસ્તાને ડામરથી મઢવા વર્ષોથી માંગ કરવામાં આવી રહી છે. આ રાજમાર્ગ તરીકે ઓળખાતાં રસ્તાં પર આસપાસના ખેડૂતો દ્વારા દબાણ કરવામાં આવ્યું હોય રસ્તો સાંકળો બન્યો છે. આસપાસના ગ્રામજનોની માંગને ધ્યાને લઈ આ રાજમાર્ગની જી. પં. આરએન્ડબી કેશોદ દ્વારા દરખાસ્ત કરાતાં નામંજૂર કરવામાં આવી હતી. જો કેશોદ આરએન્ડબી આ રસ્તો બનાવવા ફરી દરખાસ્ત કરી મંજૂરી મેળવે તો તેમના મારફત આ રસ્તાનું નવિનીકરણ શક્ય બને.
જો તેમ થાય તો આસપાસ ગામના લોકોને લાંબું અંતર કાપી ફરીને જવું પડતું હોય તે અંતર ઘટતાં અરસપરસ અવરજવર સહેલી બને અને આ રસ્તો પહોળો થતાં મોટા વાહનો પસાર થઈ શકે આ માટે રસ્તાનું ઝડપથી નવિનીકરણ કરવામાં આવે તેવી આસપાસના ગામડાઓનો માંગ ઉઠવા પામી છે.
- Advertisement -
અત્રે નોંધનિય છે કે કેશોદ સહિતના ગ્રામ્ય પંથકના રસ્તાઓ વર્ષોથી બદતર હાલત જોવા મળી રહ્યાં છે તેની પાછળ દબાણ થતાં રસ્તાઓ સાંકડા બન્યા હોય તે મુખ્ય કારણ છે આ રસ્તાઓ નવા બને તે પહેલા તેની ડીઆઇએલઆર મારફત માપણી ખૂબ જરૂરી છે પરંતુ હાલ આવી કચેરીઓમાં સ્ટાફ ઓછો હોવાના કારણે જમીન માપણી વિભાગ સરકારી જાહેર કામોમાં માપણી કરવા પૂરતું ધ્યાન આપતો ન હોય માપણી પ્રક્રિયા અટકી પડી છે



