સંકલન બેઠકમાં રજૂ થયેલા પ્રશ્ર્નોનુ નિરાકરણ લાવવા કલેકટરએ આપ્યા માર્ગદર્શક સૂચનો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જિલ્લા કલેકટર ધાનાણીની અધ્યક્ષતામાં કલેકટરની કચેરી સભાખંડ પોરબંદર ખાતે સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતીની બેઠક યોજાઇ હતી.પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદર શહેર અને તાલુકામાં રાવળા હક્ક વાળા મકાનો જમીનો નિયમિત કરવા, બોખીરા આવાસ યોજના પાસે સાધુ સમાજ માટે જમીન નીમ કરવાં,પોરબંદરથી મીયાણી નેશનલ હાઈવે પર કુછડી ગામે 1 કિ.મી.સર્વિસ રોડના બન્ને બાજુ, કાટેલા ગામે સર્વિસ રોડ, રાતડી, પાલખડા ગામે અન્ડર પાસ,વીસાવડા, ટુકડા, ભાવપરા ગામે સર્વિસ રોડ,બગવદર ખંભાળીયા રોડ અને છઘઇ પોરબંદર બાયપાસ પાસે ડાબી બાજુ સર્વિસ રોડ બનાવવા, કોલીખડા બોખીરા અને પોરબંદર બગવદર રોડ છઘઇ ખાતે ડ્રેનેજ બનાવવા, પોરબંદરમાં સમરસ હોસ્ટેલ માટે જમીન ફાળવવા,ખેતીની જમીનની માપણી સહિતનાં પ્રશ્નો રજૂ કર્યા હતા તેમજ અગાઉ રજૂ કરેલાં પ્રશ્નો બાબતે થયેલી કામગીરીની વિગતો મેળવી હતી. કલેક્ટરએ વિવિધ વિભાગોના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી પડતર પ્રશ્નો તાકીદે પૂર્ણ કરવા તેમજ રજૂ થયેલા વિવિધ પ્રશ્નોનુ વહેલી તકે નિરાકરણ લાવવા અધિકારીઓ તથા કર્મચારીઓને સૂચનો આપ્યા હતા. આ સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં પીવાનાં પાણીને લગતા કામો પૂર્ણ કરવા, ગટરને લગતાં પ્રશ્નો,નેશનલ હાઇવે ઓથોરિટીને લગતા પ્રશ્નો, સરકારી લેણાંની વસૂલાત, પેન્શન કેસો, જન પ્રતિનિધીઓના રેફ્રન્સ પત્રો નિકાલ સહિતનાં પ્રશ્નો રજુ કરવામાં આવ્યાં હતાં. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર,જિલ્લા વિકાસ અધિકારી કે. બી. ઠક્કર, ડીસીએફ લોકેશ ભારદ્વાજ,જિલ્લા પોલીસ વડા
ભગીરથસિંહ જાડેજા,પોરબંદર પ્રાંત અધિકારી સંદીપસિંહ જાદવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.