પરિપ્રેક્ષ્ય: સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
“હવે કોણ બજાવશે મારી ફરજ ?”
આથમતા સુર્યે પૂછ્યું આમ;
માટીનો દીવડો કહે ,” હું માંલિક!
જેવું આવડે એવું કરીશ એ કામ.”
– રવીન્દ્રનાથ ઠાકુર
- Advertisement -
દિવાળીના તહેવાર આડે હવે ગણતરીનાં જ દિવસો બાકી રહ્યા ત્યારે ફટાકડા ફોડવા કે નહી; દિવાળી જેવું હવે રહ્યું નથી; પહેલાની દિવાળી જોરદાર હતી – એવી ફાલતુ ચર્ચા કરીને બોર કરવાને બદલે વાત કરીએ દિવાળીના અભિન્ન અંગ એવા દીવાની. દિવાળી અથવા દીપાવલી એટલે દીવાની હાર અથવા કતાર. અત્યારે LED, CFL કે ટયુબલાઈટના જમાનામાં જેનું સ્થાન પૂજાપાઠ અને સજાવટ સુધી જ સીમિત રહી ગયું છે એ દીવો આપણા પૂર્વજો માટે રાતના સમયે પ્રકાશનો મુખ્ય સ્રોત હતો એટલે જ સાવ સામાન્ય દેખતા આ યંત્રએ માનવજાતના વિકાસમાં અતિમહત્વનો ભાગ ભજવ્યો છે. દીવાના કદ, આકાર, બળતણ કે તેની વાટ વિષે જાણવાની સફર ’અલાદ્દીન અને જાદુઈ ચિરાગ’ વાર્તા જેટલી જ મજેદાર અને માહિતીપ્રદ બની રહેવાની છે.
હવે ઘડિયાળના કાંટાને રીવર્સમાં ફેરવીને ભૂતકાળમાં જતા રહીએ. આદિમાનવે અગ્નિની શોધ કરી તો હતી પણ તે આગની જ્વાળા ’પોર્ટેબલ’ નતી. આદિમાનવને તે આગની જ્વાળાની આસપાસ જ બેસવું પડતું. તે આગને મોબિલિટી આપવાના પ્રયત્નમાંથી જ મશાલનો જન્મ થયો હશે. બાદમાં મશાલના નાના સ્વરૂપ તરીકે દીવાનો જન્મ થયો હશે. ઈ.સ. પૂર્વે સાતમી સદીમાં ગ્રીકોએ મશાલની બદલે દીવાના ઉપયોગને પ્રચલિત કર્યો એટલે જ મશાલ માટેના ગ્રીક શબ્દ ’કફળાીત’ માંથી ’કફળા’ શબ્દ ઉદ્ભવ્યો. જોકે, આ તો ખાલી ગ્રીકોની વાત થઈ બાકી દીવાનો ઇતિહાસ તો બહુ પુરાણો છે. ઈ.સ. પૂર્વે 70,000માં દીવાનો આવિષ્કાર થયો હોવાનું માનવામાં આવે છે. અહીં એ વાત નવાઈ પમાડે એવી છે કે શરૂઆતના દીવાઓમાં વાટ તરીકે શેવાળનો ઉપયોગ થતો. પથ્થરોને કોતરીને તેમાં પોલાણ કરીંને શેવાળ તથા પ્રાણીજન્ય ચરબી તે પોલાણમાં ભરીને દીવા બનાવવામાં આવતા એવું સંશોધન દ્વારા જાણવા મળ્યું છે. ભૂમધ્ય સમુદ્ર પાસેના વિસ્તારીમાં કે મિડલ ઇસ્ટમાં દીવાનો આકાર છીપ જેવો રાખવામાં આવતો જેની પાછળનું મુખ્ય કારણ એ હતું કે મૂળે દરિયાની છીપના કવચનો ઉપયોગ જ દીવા બનાવવામાં થતો હતો.ધીમેધીમે, માટી, જીપ્સમ અને વિવિધ ધાતુઓનો ઉપયોન પણ દીપકનિર્માણમાં થવા લાગ્યો. પ્રાચીન ઈજિપ્ત અને ચીનમાં માટી કે કાંસ્યધાતુમાંથી બનેલા રકાબી જેવા આકારના દીવાઓનું ચલણ હતું કે જેમાં વચોવચ વાટને આધાર આપવા માટે ઉપસેલો ભાગ રાખવવામાં આવતો. બીજા એક પ્રકારના દીવામાં એક નળી જેવો લાંબો ભાગ રહેતો કે જેના છેડે વાટ લટકતી રહે. આ પ્રકારના દીવાને અલાદ્દીનના પેલા જિન્ને આખી દુનિયામાં પ્રખ્યાત કરી દીધો. દીવા અને માનવોની ઉત્ક્રાંતિને એકબીજા સાથે સરખાવીએ તો જેને દીપકવંશનો ’હોમો સેપિયન્સ’ ગણી શકાય એવા ફાનસનો ઉદ્ભવ અઢારમી સદીમાં થયો. આ જ રાહે આગળ ચાલીને સ્ટ્રીટ લાઈટ, બલ્બ, ટયુબલાઈટ પછી આજના જમાનાની કઊઉ, ઈઋક અને ફ્લડલાઈટ્સ અસ્તિત્વમાં આવી. (એક આડવાત: ઘણા વિદ્વાનોના મતે લાઈટ બલ્બનો આવિષ્કાર કરનાર અમેરિકાનો થોમસ આલ્વા એડિસન નહી પણ બ્રિટનનો જોસેફ સ્વાન હતો.)
દીવામાં વપરાતા ઇંધણ તરીકે પ્રાણીજન્ય ચરબી, મધપૂડાનું મીણ, કોલસો, માછલી તથા વ્હેલનું તેલ પહેલા ઉપયોગમાં લેવાતા હતા જયારે કેરોસીન, પેટ્રોલ, વિવિધ પ્રકારના તેલ કે કુદરતી વાયુ અત્યારે પણ પ્રચલિત છે.
- Advertisement -
દીવા પરનાં ગીતોમાંથી મોટાભાગના શાસ્ત્રીય તર્જ પર આધારિત
વિરામ:
આત્મદીપો ભવ: ( તું જ સ્વયંનો દિપક બન.)
– ગૌતમ બુદ્ધ
વારાણસી ઘાટ પર રાતના સમયે ગંગામાં તરતા અસંખ્ય દીવાઓનું દૃશ્ય અવિસ્મરણીય હોય છે. જગતની તમામ પ્રાચીન સંસ્કૃતિઓમાં દીપકનું અનેરું મહત્વ જોવા મળે છે. ગ્રીક પુરાણોના એક અપોલો નામના દેવ કે જેમને તબીબી ક્ષેત્રમાં સારવારના પ્રતીક માનવામાં આવે છે તેમને પ્રકાશ તથા દીપકોના દેવ પણ ગણવામાં આવે છે. તેના સિવાય હાઈપીરિયન નામના એક ટાઈટનને પણ સ્વર્ગીય પ્રકાશના પિતા તરીકે પૂજવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રકાશના દેવ તરીકે સૂર્યનું સ્થાન અનન્ય છે. લોકકથા અને કહાનીઓમાં પણ દીવાના રેફરન્સ ઠેરઠેર જોવા મળે છે. સ્વર્ગમાંથી માનવજાતના કલ્યાણ માટે અગ્નિની ચોરી કરનાર પરગજુ પ્રોમોથીઅસને સૌ કોઈ જાણે છે. આપણા મહાભારતમાં એવી જડીબુટીનો ઉલ્લેખ છે કે જેનો ઉપયોગ પાંડવોએ વનવાસ દરમિયાન પ્રકાશ માટે કર્યો હતો. પાછળથી તો તે જડીબુટી પાંડવબુટી તરીકે જાણીતી બની. અલાદ્દીન અને તેના જિન્ને પેલા જાદુઈ ચિરાગને લોકમાનસમાં અમર બનાવી દીધો તો ’બીરબલની ખીચડી’ વાર્તામાં પેલો ગરીબ મજૂર કથિતપણે મહેલના દીવાની ઉષ્મા મેળવીને આખી રાત ઠંડાગાર જળાશયમાં ઉભો રહ્યો હતો ને. દીપકની જ વાત થતી હોય ત્યારે આપણી અમૂલ્ય ધરોહર એવા શાસ્ત્રીય સંગીતના દિપક રાગને કેવી રીતે અવગણી શકાય? તે રાગને ગાઈને જ તાનસેનના અંતરમાં અગનજ્વાળા ઉપાડી કે જે કોઈના કીધે શમી નહિ અને આખરે આપણા ગુજરાતના વડનગરની બે બહેનો તાના અને રીરીએ મલ્હાર રાગ ગાઈને સંગીતના તે ઉસ્તાદને શાતા પમાડી. પછી તો એ બહેનોના માનમાં વડનગરમાં સમાધિ બનાવવામાં આવી અને હવે તો ગુજરાતમાં તેમની યાદમાં સંગીતનો પ્રતિષ્ઠિત’તાનારીરી મહોત્સવ’ ઉજવવમાં આવે છે. આપણની ગરવી ગુર્જરી ભાષામાં તો ઘણા રુઢિપ્રયોગો તથા કહેવતો દીવા પર આધારિત છે: દીવા જેવું સ્પષ્ટ, દેવાળું ફૂંકવું, દીવો લઈને ગોતવા જવું, દીવા નીચે અંધારું. આમાંથી મોટાભાગના રુઢિપ્રયોગો અને કહેવતો પાછળ કોઈ ચોક્કસ ઘટના હોય છે. જેમ કે, નુકસાન પર ડબલ નુકસાન થાય એ પરિસ્થતિ દર્શાવવા જેનો ઉપયોગ થાય એ કહેવત ’ખાતર પર દિવેલ’ ની પાછળની પૂર્વભૂમિકા એવી છે કે ઘરમાં કોઈ ચોરી કરે એટલે કે ખાતર પાડે તેના પછી તેને શોધવામાં રાતના અંધારામાં ફાનસ લઈને નીકળવું પડે. ચોર તો મળે નહી પણ ફાનસનું દિવેલ બળે એ નફામાં. તેના પરથી યાદ આવ્યું કે સોગિયું મોં લઈને ફરતા માણસને પણ દિવેલીયા ડાચાવાળો કહેવાય છે ને. આમ તો ગુજરાતી માધ્યમ ભણેલા બધાને આ ક્લાસિક લાઈનો યાદ જ હશે:
દીપકના બે દીકરા કાજળને અજવાસ;
એક કપૂત કાળુ કરે ને બીજો દીયે પ્રકાશ.
પ્રેમની પ્રતીક્ષા અને આશાના રૂપક તરીકે બોલીવુડના ગીતોમાં દીવાનો પ્રસંગોપાત ઉપયોગ થતો આવ્યો છે, પછી તે ’બીસ સાલ બાદ’માં લતાજીના હોન્ટિંગ વોઇસમાં ગવાયેલ કહી દીપ જાણે કહી દિલ હોય કે ’દેવદાસ’માં સૌંદર્યમૂર્તિ ઐશ્વર્યા પર ફિલ્માવાયેલ સિલસિલા યે ચાહત કા હોય. અહીં એક રસપ્રદ વાત એ પણ છે કે જીવન સાથી હમ દિયા ઔર બાતી હમ, જબ દીપ જલે આના, દીપ જલાયે જો ગીતો કે મૈને, યે કહાની હૈ દીયે કી ઔર તુફાન કી…, જેવા દીવા પર આધારિત ગીતોમાંથી મોટાભાગના શાસ્ત્રીય તર્જ પર આધારિત છે. ઘણીબધી ફિલ્મોની વાર્તામાં પણ દીવાના પ્રતિકનો ઉપયોગ થાય છે. દીવામાં ઉત્તરોત્તર સુધારાવધારા કરવા માટે મથતા આપણા પૂર્વજોને જો માલૂમ પડત કે ભવિષ્યમાં એકતા કપૂર નામની એક મહિલા પોતાની સિરિયલોમાં દીવાના બૂઝવાની ઘટનાને કોઈ સ્ત્રીના પતિના મૃત્યુ સાથે સાંકળીને દીવાને અંધશ્રદ્ધા ફેલાવવાનું નિમિત્ત બનાવવાની છે તો તેઓ પોતાની ગુફામાંથી છુટ્ટો ભાલો મારત કે નહી? આપ સૌને પ્રકાશના પર્વ દીપાવલીની હાર્દિક શુભેચ્છાઓ!
પૂર્ણાહુતિ:
દીવો ના ધરે કોઈ
ઓ રે ઓ રે ઓ અભાગી! દીવો ન ધરે કોઈ,
જયારે ઘનઘોરી તુફાની રાતે, બારવાસે તને જોઈ;
ત્યારે આભની વીજે, તું સળગી જઈને સૌનો દીવો એકલો થાને રે!
તારી જો હાક સુણી કોઈ ના આવે, તો એકલો જાને રે!
– કહાની ફિલ્મમમાં પોતાના ઘેઘુર કંઠમાં અમિતાભ બચ્ચને જે ગાયું હતું એ રવીન્દ્રનાથ ઠાકુર દ્વારા રચિત અમરગીત ’એકલા ચોલો રે’ના ગાંધીજીના સહાયક એવા મહાદેવભાઈ દેસાઈએ કરેલ ભાવાનુવાદમાંની એક કડી
– સિદ્ધાર્થ રાઠોડ