સુરતમાં એન્યુઅલ ફંક્શનની રૂ.1000 ફી ન આપતાં 60 વિદ્યાર્થીને છ કલાક તડકામાં ઊભા રાખી માર માર્યો, વાલીઓનો હલ્લાબોલ!
વાલીઓનો રોષ જોઈ સ્કૂલે પોલીસ બોલાવી: સ્કૂલના આચાર્ય મોનિકા શર્મા સામે કડક કાર્યવાહી કરવા વાલીઓની માગ
ખાસ-ખબર ન્યૂઝ સુરત
- Advertisement -
સુરતની નંદુબા સીબીએસસી ઇંગ્લિશ એકેડમી સ્કૂલના 60 વિદ્યાર્થીને એન્યુઅલ ફંક્શનના 1000 રૂપિયા ફી નહીં આપવા બદલ તડકામાં છ કલાક સુધી ઊભા રાખવામાં આવ્યા હતા. આ સાથે વાલીઓ દ્વારા આક્ષેપ કરાયો છે કે વિદ્યાર્થીઓને માર પણ મારવામાં આવ્યો છે. અમાનવીય વ્યવહાર બાદ સ્કૂલ દ્વારા બાળકોને એલસી આપવાની ધમકી આપવામાં આવી હતી, જેને લઇ વાલીઓએ સ્કૂલમાં જઈને હોબાળો મચાવ્યો હતો. વાલીઓના ભારે રોષને પગલે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી, સાથે જ ટ્રસ્ટીએ સ્કૂલના આચાર્યની ભૂલ સ્વીકારી હતી.
સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી નંદુબા સીબીએસસી ઇંગ્લિશ એકેડમીમાં એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માટે સ્કૂલ દ્વારા દરેક વિદ્યાર્થી પાસેથી રૂ. 1000 ફી ઉઘરાવવામાં આવી હતી, જેમાં 60 જેટલા વિદ્યાર્થીએ ફી ન આપતાં આજથી ત્રણ દિવસ પહેલાં તમામ બાળકોને તડકામાં ઊભાં રાખવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત સ્કૂલ દ્વારા તેમને માર મારી એલસી આપી દેવાની ધમકી આપવામાં આવતાં આજરોજ ભારે રોષ સાથે વાલીએ સ્કૂલે પહોંચ્યાં હતાં અને હલ્લાબોલ કર્યો હતો.
વહેલી સવારે નંદુબા સીબીએસસી ઇંગ્લિશ એકેડમીના ગેટની બહાર વાલીઓએ વિરોધ નોંધાવી રહ્યા હતા. વાલીઓનો રોષ જોઈ સ્કૂલના સંચાલકોને પોલીસ પણ બોલાવી પડી હતી.
વાલીઓએ આક્ષેપ કર્યા હતા કે સ્કૂલનાં આચાર્ય મોનિકા શર્માએ પહેલા તમામ વિદ્યાર્થીઓને એન્યુઅલ ફંકશનની એક હજાર રૂપિયા ફી ભરવા માટે જણાવ્યું હતું. આ માટે આચાર્ય દ્વારા અલગથી બેંક એકાઉન્ટ નંબર પણ આપવામાં આવ્યાં હતાં. જે વિદ્યાર્થીઓની ફી બાકી હતી, તેમની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું. ક્લાસ બહાર ધોરણ બેથી લઈને ચાર સુધીનાં નાનાં બાળકોને તડકામાં છ કલાક સુધી ઊભાં રાખવામાં આવ્યાં હતાં. વાલીઓ વારંવાર રજૂઆત કરી રહ્યા હતા કે અમાનવીય વર્તન કરનાર મોનિકા શર્મા સામે કડક કાર્યવાહી કરવામાં આવે.