જહાં ચાહ હૈ, વહાં રાહ હૈ!
શૈલવાણી
-શૈલેષ સગપરિયા
-શૈલેષ સગપરિયા
લોકો તમારા પર પથ્થર વરસાવે તો એ પથ્થરો ભેગા કરીને એનો પુલ બનાવવો જોઇએ જેના પરથી તને સફળતાનાં શિખર સુધી પહોંચી શકો, મેં પણ એ જ કર્યું : લોકોના શબ્દો મારા માટે ઝનૂન બની ગયા અને હું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં લાગી ગઈ.
રાજસ્થાનના જોધપુરની આશા કંડારાને આજથી 8 વર્ષ પહેલાં પતિએ તરછોડી દીધી. માત્ર 12 ધોરણ સુધીનો અભ્યાસ કરેલી આશા પર બે સંતાનોની જવાબદારી પણ હતી. પતિએ જ્યારે એને તરછોડી ત્યારે આશાની ઉમર 32 વર્ષની હતી. બીજા લગ્ન કરવાના બદલે પોતે જ હવે બાળકોના માતા-પિતા તરીકેની બેવડી ભૂમિકા નિભાવશે અને બાળકોનો ઉછેર કરશે એવું એણે નક્કી કર્યું.
- Advertisement -
નાના-નાના કામ કરીને ઘરનું ગુજરાન ચલાવી શકાય પરંતુ જો બાળકોને સારો અભ્યાસ કરાવવો હોય તો મોટું કામ કરવું પડે અને મોટું કામ કરવા માટે ભણવું પડે. 32 વર્ષની આશાએ પરિવારની જવાબદારીઓ નિભાવવાની સાથે કોલેજનો અભ્યાસ શરુ કર્યો. સમાજના અને આસપાસના લોકો આશાને તાના મારતા અને કહેતા ’આ તે કાંઈ ભણવાની ઉમર છે ? એના મા-બાપ પણ બુદ્ધિ વગરના છે તે છોકરીને બીજાના ઘરના બેસાડવાના બદલે આ ઉંમરે ભણવાની છૂટ આપી છે જાણે કે ભણી-ગણીને મોટી કલેક્ટર થવાની હોય !’
આશાને લોકોની આ વાત ચોંટી ગઈ પણ નકારાત્મક રીતે નહીં, હકારાત્મક રીતે. આશાએ સંકલ્પ કર્યો કે હવે એ અધિકારી બનવા તનતોડ મહેનત કરશે. ત્યકતા મહિલા તરીકે ઉંમરનો જે લાભ મળે તે લાભ લઈને સરકારી અધિકારી બનવા પરીક્ષા આપશે. આશા કહેતી કે ‘લોકો તમારા પર પથ્થર વરસાવે તો એ પથ્થરો ભેગા કરીને એનો પુલ બનાવવો જોઇએ જેના પરથી તને સફળતાનાં શિખર સુધી પહોંચી શકો. મેં પણ એ જ કર્યું. લોકોના શબ્દો મારા માટે ઝનૂન બની ગયા અને હું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં લાગી ગઈ.
આ સમય દરમ્યાન આશા કંડારાને જોધપુર નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે કામ મળ્યું. પોતાના પગ પર ઉભા રહીને પરિવારની જવાબદારીઓ નિભાવવા મથતી આ સ્વમાની મહિલાએ સફાઈ કામદાર તરીકેનું કામ સ્વીકાર્યું. વહેલી સવારે જોધપુરની શેરીઓ વાળતી આશા મોડી રાત સુધી પરીક્ષાની તૈયારીમાં લાગી જાય. થોડા સમય પહેલા રાજસ્થાન જાહેર સેવા આયોગનું પરિણામ જાહેર થયું. જોધપુરની શેરીઓ સાફ કરવાનું કામ કરતી આશા કંડારાએ આર.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરી અને 40 વર્ષની ઉંમરે ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદ થઈ. લોકો કટાક્ષમાં જે કહેતા હતા એને આશાના ઝનૂન અને જઝબાએ સત્ય સાબિત કરીને બતાવ્યું.
- Advertisement -
જોધપુરના મેયરે આશા કંડારાનું સન્માન કરતી વખતે કહ્યું કે ‘જોધપુર નગરપાલિકાના ઇતિહાસની આ પ્રથમ ઘટના હશે કે કોઈ સફાઈ કામદાર સીધા જ ડેપ્યુટી કલેકટરના પદ પર પહોંચ્યા હોય.’ આ ઘટના માત્ર જોધપુર નગરપાલિકાની જ નહીં કદાચ સમગ્ર દેશની પ્રથમ ઘટના હશે મેં એક 40 વર્ષની બે સંતાનોની માતા સફાઈ કામદારમાંથી સીધી જ ડેપ્યુટી કલેક્ટર બની હોય!
લોકો તમારા વિશે શું વાતો કરે છે કે શું બોલે છે ? એ સાંભળવામાં રહેશો તો તમારે જે કરવું છે એ ક્યારેય નહીં કરી શકો. તમે માત્ર તમારું કામ કરો એક દિવસ એવો આવશે કે તમારું કામ બોલશે અને લોકો બોલતા બંધ થઈ જશે.