અમેરિકન ડ્રીમ: ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ
તિબેટના દલાઈ લામાને ભારતે વર્ષોથી ‘પોલિટિકલ અસાયલમ’ એટલે કે રાજકીય આશરો આપ્યો છે, ઉત્તર પ્રદેશમાં આવેલ અતિ સુંદર હિલસ્ટેશન ધરમસાલામાં તેઓ વર્ષોથી રહે છે
- Advertisement -
અમેરિકામાં કાયમ રહેવા માટે જ પરદેશી ઈચ્છા ધરાવતો હોય છે એણે ઈમિગ્રન્ટ વિઝા મેળવવાની જરૂરિયાત રહે છે. આગલા લેખોમાં જણાવ્યા મુજબ ઈમિગ્રન્ટ વિઝા ચાર જુદી જુદી ‘એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરી’ હેઠળ અને એ ઉપરાંત 1990માં શરૂ કરવામાં આવેલ પાંચમી ‘એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ ફિફ્થ પ્રેફરન્સ કેટેગરી’, જેને ‘ઈબી-5 પ્રોગ્રામ’ તરીકે ઓળખવામાં આવે છે, એની હેઠળ રોકાણ કરતાં, ઈમિજિયેટ રિલેટિવ કેટેગરી હેઠળ અને ચાર જુદી જુદી ‘ફેમિલી પ્રેફરન્સ કેટેગરી’ હેઠળ પ્રાપ્ત કરી શકાય છે. આ ઉપરાંત, અમેરિકાની સરકાર દર વર્ષે પંચાવન હજાર ઈમિગ્રન્ટ વિઝા, જે મળેથી અમેરિકામાં પ્રવેશતાં ‘એલિયન રજિસ્ટ્રેશન રિસીપ્ટ’, જેને આપણે ‘ગ્રીનકાર્ડ’ તરીકે ઓળખીએ છીએ, એ વિશ્ર્વના લોકોને લોટરી દ્વારા આપે છે. ‘વિઝા લોટરી’ હેઠળ ભારતીયો ઈમિગ્રન્ટ વિઝા મેળવી નથી શકતા. અમેરિકાની સરકારે એવો નિયમ બનાવ્યો છે કે જે દેશના લોકોએ પાછલાં બે વર્ષમાં સૌથી વધુ ઈમિગ્રન્ટ વિઝા મેળવ્યા હોય તેઓ વિઝા લોટરીમાં ભાગ લેવા અસમર્થ છે. ભારતીયો આજે ખૂબ જ મોટી સંખ્યામાં દર વર્ષે એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરી તેમ જ ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ ઈમિગ્રન્ટ વિઝા મેળવે છે. આથી ભારતીયો વિઝા લોટરીમાં ભાગ લઈ નથી શકતા. જે ભારતીયનો જન્મ ભારતમાં નહીં, પણ અન્ય એવા દેશમાં થયો હોય જે દેશના લોકો વિઝા લોટરીમાં ભાગ લઈ શકે એમ હોય એવા ભારતીયો એના ‘જન્મના આધારે’ વિઝા લોટરીમાં ભાગ લઈ શકે છે. જે ભારતીયોએ એવા દેશના લોકો જોડે લગ્ન કર્યાં હોય, જે દેશના લોકો વિઝા લોટરીમાં ભાગ લેવા લાયક હોય એવા ભારતીયો પણ ‘લગ્નસંબંધના આધારે’ વિઝા લોટરીમાં ભાગ લઈ શકે છે.
વિઝા લોટરીમાં ભાગ લેવા માટે કોઈ પણ પ્રકારની લાયકાતની જરૂરિયાત નથી. પુખ્ત વયના પરદેશીઓ એમનું નામ, રહેઠાણનું સરનામું, જન્મની તારીખ તેમ જ સ્થળ, કોન્ટેક્ટ ડિટેલ્સ, ટેલિફોન નંબર અને ઈ-મેઈલ એડ્રેસ આ સઘળું જણાવીને વિઝા લોટરીમાં ભાગ લઈ શકે છે. આ માટે કોઈ પણ પ્રકારની ફી આપવાની નથી રહેતી. અમેરિકાનું ઈમિગ્રેશન ખાતું દર મહિને ‘વિઝા બુલેટિન’ બહાર પાડે છે, વેબસાઈટ ઉપરથી એ નિ:શુલ્ક મેળવી શકાય છે. ‘વિઝા બુલેટિન’માં વિઝા લોટરી વિશે જાણકારી આપવામાં આવે છે. ક્યારે અરજી કરવી, ક્યાં કરવી, એ સઘળું એમાં જણાવવામાં આવે છે. વિઝા લોટરીમાં ભાગ લેતાં, જેમની અરજીઓ લોટરીમાં ખેંચાઈ આવે છે એમને અમેરિકાની સરકાર અન્ય પ્રક્રિયાઓ પૂરી કરતાં ઈમિગ્રન્ટ વિઝા આપે છે. વિઝા લોટરીમાં ભાગ લેનાર વ્યક્તિઓને અંગ્રેજી ભાષા આવડવી જ જોઈએ એવો કોઈ જ નિયમ નથી. એમની અમુક આવક હોવી જોઈએ, અમેરિકામાં અમુક સગાંઓ રહેતાં હોવા જોઈએ આવા કોઈ નિષેધ નથી. હા, જો એમણે કોઈ ખોટાં કામ કર્યાં હોય, અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ્યા હોય યા કાયદેસર પ્રવેશીને પછી ત્યાં ગેરકાયદેસર રહ્યા હોય, બિઝનેસ યા વિઝિટર્સ (બી-1/બી-2) વિઝા મેળવીને અમેરિકામાં પ્રવેશ્યા બાદ ત્યાં ગેરકાયદેસર કામ કર્યું હોય, અમુક ચેપી રોગથી પીડાતા હોય, આવી આવી વ્યક્તિઓને વિઝા લોટરીમાં ચૂંટાઈ આવે તો પણ ઈમિગ્રન્ટ વિઝા આપવામાં નથી આવતા. દર વર્ષે વિશ્ર્વના જુદા જુદા દેશોમાંથી હજારોની સંખ્યામાં પરદેશીઓ વિઝા લોટરીમાં ભાગ લે છે અને એમના અમેરિકન સ્વપ્ના સાકાર થઈ શકે એ માટેના પ્રયત્નો આદરે છે. તિબેટના દલાઈ લામાને ભારતે વર્ષોથી ‘પોલિટિકલ અસાયલમ’ એટલે કે રાજકીય આશરો આપ્યો છે. ઉત્તર પ્રદેશમાં આવેલ અતિ સુંદર હિલસ્ટેશન ધરમસાલામાં તેઓ વર્ષોથી રહે છે. જો તમારા દેશમાં તમારા રાજકીય વિચારો, ધર્મ, આર્થિક નિર્બળતા કે અન્ય કોઈ કારણસર તમારા ઉપર અત્યાચાર થતો હોય અને તમારા દેશની સરકાર તમને રક્ષણ આપતી ન હોય તો તમે દલાઈ લામાની જેમ અમેરિકામાં અસાયલમની માગણી કરી શકો છો. અમેરિકા પરદેશીઓને જે અસાયલમ આપે છે એનો અનેકો ગેરલાભ ઉઠાવે છે. મેક્સિકો અને અમેરિકા તેમ જ કેનેડા અને અમેરિકાની બોર્ડર ઉપર રોજના સેંકડો પરદેશીઓ, જેમાં ભારતીયોનો પણ સમાવેશ થાય છે, અમેરિકામાં પ્રવેશવાની અને આશરો મેળવવાની અસાયલમની માગણી કરે છે.
અનેક ભારતીયો ‘બી-1/બી-2’ યા અન્ય પ્રકારના નોન-ઈમિગ્રન્ટ વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશ્યા બાદ એમને ત્યાં રહેવાનો જેટલો સમય આપવામાં આવ્યો હોય એ પૂરો થતાં અમેરિકા છોડીને સ્વદેશ પાછા નથી જતાં. તેઓ ત્યાં ગેરકાયદેસર રહી જાય છે. જ્યારે પકડાય છે ત્યારે અસાયલમની માગણી કરે છે, રાજકીય આશરો માગે છે. ‘અમારા દેશમાં અમે પાછા જઈ શકીએ એમ નથી. અમને રંજાડવામાં આવે છે. અમારા ઉપર ત્રાસ ગુજારવામાં આવે છે. અમને ભય છે જો અમે અમારા દેશમાં પાછા જઈશું તો જીવ જોખમમાં આવી પડશે’ આવું આવું જણાવીને તેઓ અમેરિકામાં કાયમ રહેવાની અરજી કરે છે. પછી એમના ઉપર કોર્ટમાં કેસ ચાલે છે. એમાં નિષ્ફળ જાય એટલે અપીલ કરે છે. એ દરમિયાન ત્યાં કામ કરીને, સારું એવું ધન રળી લે છે. અંતે એમની અરજી નકારાય છે અને એમને ડિપોર્ટ કરવામાં આવે છે. હમણાં હમણાંથી એવું જાણવા મળ્યું છે કે ભારતમાં અસાયલમ કેમ કરતાં માગી શકાય અને એના માટે શું શું પૂર્વતૈયારીઓ કરવી જોઈએ એવું શીખવાડતા વર્ગો ચાલે છે! ઈમિગ્રન્ટ વિઝા આ સિવાય રેફ્યુજી સ્ટેટસ પ્રાપ્ત કરીને, અમેરિકાની મિલિટરીમાં જોડાઈને, અમેરિકાની સરકાર ગેરકાયદેસર રહેતા પરદેશીઓને માફી બક્ષે છે એ સમયે એનો લાભ લઈને પણ મેળવી શકાય છે. હવે પછીના લેખોમાં આપણે એ વિશે જાણકારી મેળવશું.



