પુસ્તક પરબમાં વાંચકો માટે ગુજરાતી, અંગ્રેજી, હિન્દીના પાંચ હજાર પુસ્તક
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
પુસ્તકો માણસના મિત્રો છે, પુસ્તકો સદ્ગુરુની ગરજ સારે છે, પુસ્તકો માનવીના મૂક સલાહકાર-માર્ગદર્શક છે. માનવીના જીવન ઘડતરમાં પુસ્તકોનું આગવું સ્થાન છે પરંતુ પ્રવર્તમાન ફેસબૂક, વ્હોટ્સએપ, ટ્વીટર, ગૂગલના ડિજિટલ યુગમાં નાના-મોટા સૌ કોઈ વાંચનથી વિમુખ થઈ ગયા છે. પુસ્તકાલયો સુના પડ્યા છે. પુસ્તકો કબાટમાં ધૂળ ખાય છે, વાંચનની ટેવ ધીરે ધીરે છુટતી જાય છે ત્યારે આવી પડકારરૂપ પરિસ્થિતિમાં આપણા નગરમાં વાંચન પ્રવૃત્તિને વેગ મળે, કબાટમાં પડેલા પુસ્તકો લોકો સુધી પહોંચે, શહેરીજનો તેમજ ખાસ કરીને દેશના ભાવિ નાગરિકો એવી યુવા પેઢી વાંચન પ્રવૃત્તિમાં રસ લેતા થાય તેવા શુભાશયથી દેશ વિદેશમાં જાણીતા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા પ્રેરિત શહેરમાં છેલ્લા નવ વર્ષથી સાહિત્યિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા સાહિત્ય સેતુ રાજકોટ દ્વારા 2021ની સાલમાં બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતીના શુભદિને શહેરના કાલાવડ રોડ પર નૂતનનગર હોલ પાસે આવેલી કે. જે. કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલમાં મા સરસ્વતીના આશીર્વાદ લઈને રસિકભાઈ મહેતા પુસ્તક પરબનો પ્રારંભ કરવામાં આવેલો, જેને ગત બીજી ઓકટોબર 2024ના રોજ સફળ ત્રણ વર્ષ પૂરા થઈને પુસ્તક પરબે ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ત્રણ વર્ષ દરમિયાન કોઈ પણ બ્રેક લીધા વગર નિયમિત દર મહિને પુસ્તક પરબ યોજવામાં આવેલ છે અને આ પ્રવૃત્તિને શહેરીજનોએ હોંશે હોંશે વધાવેલ છે.
સાહિત્ય સેતુ દ્વારા પુસ્તક પરબ શરૂ કરતી વેળાએ સંસ્થાની એવી કલ્પના હતી કે વાંચન પ્રેમીઓ પાસેથી 500-700 જેટલા પુસ્તકો ભેટ મળે અને તેમાંથી વાંચન જાગૃતિની પ્રવૃત્તિ ચલાવવી પરંતુ કહેતા આનંદ થાય છે કે સંસ્થા પાસે પાંચ હજારથી વધારે ગુજરાતી, અંગ્રેજી, હિન્દી પુસ્તકો છે. આ બધા પુસ્તકો માત્ર રાજકોટના વાચકો પાસેથી જ નહીં પરંતુ મુંબઈ, અમદાવાદ, ભાવનગર, અંકલેશ્ર્વર, અમરેલી, સુરત, જસદણ સહિતના પુસ્તક પ્રેમીઓ તરફથી ભેટ મળેલ છે અને પુસ્તક પ્રેમીઓ મોટાપાયે લાભ લઈ રહ્યા છે.
સાહિત્ય સેતુ દ્વારા પુસ્તક પરબ દર મહિનાના પહેલાં રવિવારે સવારના 10થી 1 વાગ્યા સુધી નિયમિત યોજવામાં આવે છે અને તેમાં વાંચકો કોઈ પણ પ્રકારની ડિપોઝીટ, લવાજમ કે અન્ય કોઈ પણ પ્રકારના ચાર્જ વગર પોતાને મનગમતા પુસ્તકો ઘરે વાંચવા માટે લઈ જઈ શકે છે અને માત્ર એક પુસ્તક જ નહીં બે પાંચ દસ પંદર પુસ્તકો પણ લઈ જઈ શકે છે અને બીજા મહિનાના પ્રથમ રવિવાર આવે ત્યારે જમા કરાવી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સંસ્થા દ્વારા રજીસ્ટરમાં પુસ્તક લઈ જનારનું નામ, મોબાઈલ નંબર અને પુસ્તકનું નામ લખવામાં આવે છે. પુસ્તક પરબની પ્રવૃત્તિ અંગે વિશેષ માહિતી પૂછપરછ માટે તેમજ સહભાગી- સહયોગી બનવા માટે અનુપમ દોશીનો મો. 9428233796નો સંપર્ક સાધવા જણાવાયું છે.
સાહિત્ય સેતુ સંચાલિત પુસ્તક પરબની પ્રવૃત્તિને સફળતા માટે સંસ્થાના પ્રમુખ સાહિત્યપ્રેમી ઉદ્યોગપતિ વસંતભાઈ ગાદેશા તેમજ સંયોજક મુકેશભાઈ દોશીના માર્ગદર્શન હેઠળ અનુપમ દોશી, જનાર્દન આચાર્ય, સુધીર દત્તા, હરેનભાઈ મહેતા, સુનિલ વોરા, નલીન તન્ના, હસુભાઈ રાચ્છ, પ્રકાશ હાથી, પંકજ રૂપારેલીયા, હસુભાઈ શાહ, જયેન્દ્રભાઈ મહેતા, વિપુલભાઈ ભટ્ટ, જીતુભાઈ ગાંધી, નૈષધભાઈ વોરા, પરિમલભાઈ જોશી, દક્ષિણભાઈ જોશી, મહેશભાઈ જીવરાજાની, મહેશ વ્યાસ, ભરતભાઈ સુરેલીયા, દિનેશભાઈ ગોવાણી, શરદભાઈ દવે, કે. સી. પંડ્યા, કિશોર ટાકોદરા, ગૌરાંગ મહેતા, હિરેનભાઈ મહેતા, મહેશ પરમાર, રાહુલભાઈ ગોહેલ, ઉર્મિશ વ્યાસ, ડો. હાર્દિક દોશી, કામેબ માજી, મિહિર ગોંડલીયા, નયન ગંધા સહિતના કાર્યરત છે. ‘ખાસ-ખબર’ની મુલાકાત આજરોજ અનુપમ દોશી, જનાર્દનભાઈ આચાર્ય, પરિમલભાઈ જોષી, પંકજ રૂપારેલીયા, જયેન્દ્રભાઈ મહેતા, વિપુલભાઈ ભટ્ટે લીધી હતી.



