અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં 0.50 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત સાથે જ ઈક્વિટી માર્કેટ ગેલમાં આવ્યા છે. એશિયન બજારોમાં આકર્ષક તેજી જોવા મળી છે. ભારતીય શેરબજાર પણ નવી રેકોર્ડ ટોચ સાથે આગેકૂચ કરી રહ્યા છે. સેન્સેક્સ 825.38 પોઈન્ટ ઉછળી 83773.61ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટી પણ 25600નું લેવલ ક્રોસ કરી આજે ફરી નવી સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે.
નિફ્ટી 25700 થવા તરફ
નિફ્ટી50 આજે ઉછાળા સાથે ખૂલ્યા બાદ 234.4 પોઈન્ટ ઉછળી 25611.95ની નવી સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. જેથી રોકાણકારો અને નિષ્ણાતોને અપેક્ષા છે કે, નિફ્ટી હવે 25700નું લેવલ ઝડપથી હાંસલ કરશે. નિફ્ટી50 ખાતે 34 શેર્સ ગ્રીન ઝોનમાં જ્યારે 16 શેર્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં 0.50 ટકા ઘટાડો કરવામાં આવતાં એશિયન શેરબજારોમાં તેજી જોવા મળી છે. બીજી તરફ યુરોપિયન અને અમેરિકન માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો. એશિયન માર્કેટમાં નિક્કેઈ 916.10 પોઈન્ટ, હેંગસેંગ 318.81 પોઈન્ટ ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. જેરોમ પોવેલે અમેરિકાની અર્થવ્યવસ્થા મુદ્દે સકારાત્મક વલણ રહેવાનો સંકેત આપ્યો છે. જેના પગલે આઈટી અને ટેક્નો શેર્સમાં તેજી જોવા મળી શકે છે. વ્યાજના દરોમાં ચાર વર્ષ બાદ ઘટાડો કરવામાં આવતાં ડોલર નબળો પડ્યો છે. પરિણામે સ્થાનિક બજારમાં વિદેશી રોકાણ વધવાનો આશાવાદ છે.
- Advertisement -
માર્કેટ બ્રેડ્થ નેગેટિવ
સેન્સેક્સ અને નિફ્ટી આકર્ષક ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હોવા છતાં માર્કેટ બ્રેડ્થ નેગેટિવ સાથે સાવચેતીનું વલણ રાખવાનો સંકેત આપે છે. બીએસઈ ખાતે સમાચાર લખાયા ત્યાં સુધીમાં કુલ ટ્રેડેડ 3789 સ્ક્રિપ્સ પૈકી 1311 જ ગ્રીન ઝોનમાં જ્યારે 2313 રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહી હતી. 194 શેર્સ વર્ષની નવી રેકોર્ડ ટોચે અને 234 શેર્સમાં અપર સર્કિટ વાગી હતી. બીજી તરફ 31 શેર્સ વાર્ષિક તળિયે અને 212 શેર્સ લોઅર સર્કિટ સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. રોકાણકારોની મૂડી પણ 1.17 લાખ કરોડ ઘટી છે.
સ્મોલકેપ- મીડકેપ શેર્સમાં ગાબડું
- Advertisement -
સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ ટોચ સાથે ટ્રેડ કરી રહ્યા હોવા છતાં સ્મોલકેપ અને મીડકેપ શેર્સમાં વેચવાલીનું પ્રેશર જોવા મળ્યું છે. સ્મોલકેપ ઈન્ડેક્સ 650 પોઈન્ટથી વધુ ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. આરવીએનએલ , ડિક્સોન, સુઝલોન, નાવા, રેડિકો ખૈતાન સહિતના શેર્સમાં ગાબડું નોંધાયું છે.