ખેડૂતોએ પાક સર્વેની કામગીરીમાં એકથી વધારે અધિકારીઓ ફાળવાય તેવી તંત્ર સમક્ષ માંગ કરી
ખાસ-ખબર ન્યૂઝ વિરપુર, તા.12
સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રભરમાં સતત અને ભારે પડેલા વરસાદને કારણે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ હતી, ખેડૂતોએ વાવેલા તુવેર, ડુંગળી, સોયાબીન,મરચી, મગફળી, કપાસ સહિતના પાકોમાં મોટો પ્રમાણમાં નુકસાન થયું હતું જેમને લઈને નુકશાન થયેલા પાકોનું સર્વે કરવા અગાઉ ખેડૂતોએ મીડિયાના માધ્યમથી સરકાર સમક્ષ માંગ કરી હતી જેમને લઈને તંત્ર સફાળું જાગ્યું હતું અને યાત્રાધામ વિરપુર પંથકમાં આજ સવારથી પાક સર્વે કરવાની કામગીરી શરૂ થઈ હતી,જેમાં તંત્ર દ્વારા ખેડૂતોને પાકમાં નુકશાન થયું હોય તેમને સૌ પ્રથમ વીરપુર ગ્રામ પંચાયત કચેરી ખાતે પોતાના નામ મોબાઈલ નંબરની નોંધણી કરાવીને સર્વે કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ પાક સર્વેની કામગીરીમાં માત્ર એક અધિકારી હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.
- Advertisement -
વીરપુર જેતપુર તાલુકાનું સૌથી મોટું ગામ છે તેમજ વીરપુરમાં સિમ વિસ્તાર મોટો અને ખેડૂત ખાતેદારો અંદાજીત તેરસો થી વધુ હોવાથી માત્ર એક ગ્રામસેવક સર્વેની કામગીરી કરતા હોવાથી વીરપુર ગ્રામ પંચાયતના સરપંચે તેમજ ખેડૂતોએ જણાવ્યું હતું કે સતત વરસેલા વરસાદને લઈને મોટા ભાગના પાકોમાં નુકશાન થયુ છે અને વિરપુરનો સિમ વિસ્તાર મોટો છે જેમને લઈને પાક સર્વેમાં માત્ર એક અધિકારી હોવાથી સર્વે કરવામાં બહુ લાંબો સમય લાગે છે અને જેમને કારણે જ્યાં સુધી સર્વેની કામગીરી પુરી ન થાય ત્યાં સુધી તો ખેડૂતો બીજું અન્ય પાકનું વાવેતર ન કરી શકે માટે ખેડૂતોએ વીરપુરમાં પાક સર્વેની કામગીરીમાં વધારેમાં વધારે કૃષિ વિભાગના અધિકારીઓ ફાળવવામાં આવે અને વહેલી તકે સર્વેની કામગીરી કરવામાં આવે તો સમયસર ખેડૂતો આગળના પાકોનું વાવેતર કરી શકે તેવી માંગ સરકાર સમક્ષ કરી છે.
આ અંગે જેતપુર તાલુકા ખેતીવાડી વિભાગના અધિકારી આર.આર.માંકડીયા સાથે ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે અમે ત્રણ ત્રણ અધિકારીઓની ટિમો બનાવી છે સર્વે માટે જેમાં ગ્રામ સેવકના સેજા પ્રમાણે સર્વે ટીમોની ફાળવણી કરી છે અને સર્વેની કામગીરી વધારે ઝડપી થાય તે માટે વધારે સ્ટાફના અધિકારીઓની માંગણી પણ કરી છે તેમજ વીરપુર મોટું ગામ હોવાથી એક સાથે અધિકારીઓ સર્વેની કામગીરી જોડાઈને વહેલી તકે કામગીરી પૂર્ણ થાય એવી વ્યવસ્થા કરી છે.