પરમ પૂજ્ય મુક્તાનંદ બાબા સાધક માટે એક વાર્તા વારંવાર કહેતા. જે સાધક માટે સંદેશ છે: એક જિજ્ઞાસુ એક ગુરુ પાસે દીક્ષા લેવા જાય છે. જિજ્ઞાસુ પાસે એવી માહિતી હતી કે ગુરુ પાસે એવો મંત્ર છે કે જેના જપથી અંતર્શક્તિ જાગી જાય છે અને સાક્ષાત્કારના માર્ગે સાધક દોટ મૂકી શકે છે. બહુ વિનમ્રભાવે જિજ્ઞાસુ ત્યાં પહોંચે છે અને ગુરુને પોતાની ઈચ્છા પ્રગટ કરે છે. ગુરુ એની સામે એક વિચિત્ર શરત મૂકે છે. ગુરુ કહે છે કે આજે તું સ્મશાનમાં જા, તારા પરિવારની જેટલી વ્યક્તિઓ મરણ પામી છે એ બધાના ગુણોને ગોતી અને એમની તું સ્તુતિ કર. પેલી વ્યક્તિ સ્મશાનમાં જાય છે અને પોતાના પરિવારની જે જે વ્યક્તિ મરણ પામેલી હતી એ બધાને યાદ કરીને તમે આવા હતા, સારા હતા એવી રીતે એમના ગુણો ગાઈને સ્તુતિ કરે છે અને બપોર સુધીમાં એ પાછો આવી જાય છે. બીજે દિવસે ફરી પાછો એ ગુરુ પાસે આવે છે. ગુરુ ફરી કહે છે કે આજે તું સ્મશાનમાં જા અને તે ગઈ કાલે જેમની સ્તુતિ કરી હતી હવે તેમની જે જે મર્યાદાઓ હોય તેની તું પુષ્કળ નિંદા કર. પેલો સવારથી ગયો. તેને બધાના અવગુણો યાદ હતા. મોડી સાંજ સુધી ખૂબ બધાની નિંદા કરી અને રાત્રે ઘરે આવ્યો. ત્રીજા દિવસનું સૂર્ય કિરણ ઊગ્યું અને તે ગુરુ પાસે જઈને કહે છે, “મને દીક્ષા આપો” ગુરુએ કહ્યું, “બેટા, તે પહેલાં દિવસે પ્રશંસા કરી તો આ લોકોએ શું જવાબ આપ્યો?”
જિજ્ઞાસુએ કહ્યું, એમણે કોઇ જવાબ ન આપ્યો.
ગુરુએ કહ્યું, બીજા દિવસે તે નિંદા કરી ત્યારે?
જિજ્ઞાસુએ કહ્યું, અપમાન કે નિંદાનો પણ કોઈ જવાબ ન આપ્યો.
ગુરુએ કહ્યું, બસ, આવી સમ સ્થિતિ કેળવાય ત્યારે દીક્ષા લેવા આવજે.
ભગવાન ગીતામાં કહે છે કે સુખ અને દુ:ખમાં, માન અને અપમાનમાં, લાભ અને હાનીમાં, જય અને પરાજયમાં, જન્મ અને મૃત્યુમાં જ્યારે સાધક સમતા કેળવી શકે ત્યારે એ દીક્ષાનો અધિકારી થાય છે અથવા તો દીક્ષા દ્વારા એ સ્થિતિ પર એ પહોંચે છે ત્યારે દીક્ષા શિષ્યના પક્ષે સાર્થક થઈ ગણાય છે.
કબીર કહે છે,
નિંદકને તો આંગણામાં કુટીર બનાવી પાસે રાખવા જોઈએ કારણ કે એ જ આપણા પાપને ધોવે છે. નિંદા અને પ્રશંસા જ્યારે સમ થશે, શ્વાસ અને ઉચ્વાછ્વાસ જ્યારે સમ થશે ત્યારે મધ્યનો માર્ગ ખુલશે.