અંતિમયાત્રા અને પ્રાર્થનાસભામાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ જોડાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
રાજકોટ મહાનગરપાલિકાના જુના વોર્ડ-11 (કેવડાવાડીથી શરૂ થઈ સોરઠીયાવાડી ચોક, મેહુલનગર, દેવપરા, જંગલેશ્ર્વર, હુડકો અને રીંગ રોડ સુઘીનો અનેક સૂચિત સોસાયટીના બનેલો) આ વોર્ડ કોંગ્રેસનો ગઢ રહેલ હતો. આ વોર્ડમાં ભારતીય જનસંઘ અને ભાજપના સમયથી કાર્યરત અને રાજકોટ શહેર ભાજપના નેતૃત્વનો વિશ્ર્વાસ સંપાદન કરનાર એવા કિશનભાઈ જાદવનું અવસાન થયું છે. સ્વ. કિશનભાઈ જાદવ રાજકોટ નાગરિક સહકારી બેંકના કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા અને ભાજપના સંગઠનની દ્રષ્ટિએ તેઓ જૂના વોર્ડ નંબર 11ના બે દાયકા સુધી ઇન્ચાર્જ તરીકે જવાબદારી સંભાળી ચુક્યા હતા. સ્વ. કિશનભાઈ જાદવે રાજકોટ મહાનગરપાલિકાની જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ઉમેદવાર પસંદગી, ચૂંટણી સંચાલન અને સંકલનની મહત્વની જવાબદારી સંભાળી હતી. આ વોર્ડ કોંગ્રેસ તરફી વોર્ડ હોવાથી રાજકોટ શહેર ભાજપનું નેતૃત્વ ઉમેદવાર નક્કી કરતી વેળાએ સ્વ. કિશનભાઈ જાદવ સહિતના મુખ્ય અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરતા હતા. સ્વ. કિશનભાઈ જાદવે નોકરી કરતાં કરતાં બેંકના માધ્યમથી ભાજપના સંગઠનને મજબૂત બનાવવામાં મહત્વનું યોગદાન રહ્યું હતું. રાજકોટ ભાજપના નેતા સ્વ. ચીમનભાઈ શુક્લ, વજુભાઇ વાળા સહિત રાજકોટ શહેર ભાજપના વિવિધ પ્રમુખો તથા અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ ભાજપના કાર્યને આગળ વધારેલ હતું. વધુમાં આજી વસાહત જી.આઈ.ડી.સી., પટેલનગર, સોરઠીયાવાડી વિસ્તારના ઉદ્યોગકારોમાં સ્વ. કિશનભાઈ જાદવનું માન અને સન્માન ખૂબ જ હતું. રાજકોટ ભાજપ દ્વારા આ વિસ્તારના ઉદ્યોગકારોની ચૂંટણી બેઠક જ્યારે યોજવામાં આવે ત્યારે બેઠકમાં ઉપસ્થિત ઉદ્યોગકારો ભાજપના નેતૃત્વનો દોર સંભાળનાર એવા ભાજપના પીઢ નેતા સ્વ. ચીમનભાઈ શુક્લ અને વરિષ્ઠ અગ્રણી વજુભાઇ વાળાને એવો સધિયારો આપતાં કે કિશનભાઈ જાદવ અને બેંકના માધ્યમથી અમારા કામો પૂર્ણ થાય છે ત્યારે અત્યારે આપને અમારી જરૂર છે ત્યારે અમો સૌ તન, મન, ધનથી સમર્થન આપીશું તેવી ખાત્રી આ ઉદ્યોગકારો આપતા હતા. રાજકોટ શહેર ભાજપ દ્વારા ભાજપના સ્થાપના દિન નિમિત્તે રાજકોટ શહેરના જૂના જનસંઘ અને ભાજપના અગ્રણીઓના સન્માનનો કાર્યક્રમ કરવામાં આવેલ ત્યારે રાજકોટ શહેરના ધારાસભ્ય રમેશભાઈ ટીલારાના હસ્તે સ્વ. કિશનભાઈ જાદવનું સન્માન કરવામાં આવેલ હતું.
- Advertisement -
સ્વ. કિશનભાઈ જાદવની અંતિમયાત્રા તેમના કોઠારીયા રોડ ઉપર આવેલ નિવાસસ્થાનેથી ન્યુ સુભાષનગર ખાતેથી 80 ફૂટ રોડ ઉપર આવેલ સોરઠીયાવાડી સ્મશાનગૃહ ખાતે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. આ અંતિમયાત્રા સ્વ. જાદવના પરીવારજનો, રાજકોટ નાગરિક બેંકના પદાધિકારીઓ, કર્મચારીઓ, રાજકીય, સામાજિક અગ્રણીઓ તેમજ આ વિસ્તારના સ્થાનિક અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. સ્વ. કિશનભાઈ જાદવની પ્રાર્થનાસભામાં ગુજરાત સરકારના મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ડો. ધનસુખભાઈ ભંડેરી, ગુજરાત સરકારના બિનઅનામત વિકાસ નિગમના પૂર્વ ચેરમેન હંસરાજભાઈ ગજેરા, રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (છઞઉઅ)ના પૂર્વ ચેરમેન કશ્યપભાઈ શુક્લ, રાજકોટના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, રાજકોટ શહેર ભાજપના મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડ, રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વપ્રમુખ ભૂપતભાઇ બોદર, પૂર્વ ધારાસભ્ય ટપુભાઈ લીંબાસીયા, રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર માવજીભાઈ ડોડીયા અને કંચનબેન સિદ્ધપુરા, રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન ડો. કિરીટ પાઠક, નરેન્દ્રસિંહ ઠાકુર, અતુલભાઈ પંડિત, સિનિયર કોર્પોરેટર નરેન્દ્રભાઇ ડવ, સુરેશભાઈ વસોયા, રુચિતાબેન જોશી, પૂર્વ કોર્પોરેટર સર્વે ગંભીરસિંહ પરમાર, પરસોત્તમભાઈ રામાણી અને રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વસભ્ય ચંદુભાઈ શીંગાળા, રાજકોટ શહેર ભાજપના કાર્યાલય મંત્રી હરેશભાઇ જોશી, રાજકોટ નાડોદા રાજપૂત સમાજના અગ્રણીઓ સર્વે ઝીણાભાઈ ચાવડા, ગોવિંદભાઇ વાઢેર, ચંદુભાઈ પરમાર, રાજકોટ નાગરિક સહકારી બેન્ક કર્મચારી મંડળ (નિવૃત્ત)ના અગ્રણીઓ સર્વે નલિનભાઈ જોશી, વિનુભાઇ ઝરોલી, નટુભાઈ વેગડ, દિલીપભાઈ ત્રિવેદી, રાજુભાઈ વોરા, બીપીનભાઈ મહેતા, ભરતભાઈ ચાવડા તેમજ વોર્ડ -16 ભાજપના પ્રમુખ રાજુભાઇ લીલા, મહામંત્રીઓ સર્વે હસુભાઈ કાચા અને મનુભાઈ ચાંગડીયા અને સહકારી અગ્રણી વિભાભાઈ મિયાત્રા સહિતના અગ્રણીઓએ પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહી સ્વ. કિશનભાઈ જાદવને શ્રદ્ધાસુમન અર્પણ કરેલ હતા અને સ્વ. કિશનભાઈ જાદવના પરીવારના સૌ કુટુંબીજનો, તેમના મોટાભાઈ સ્વ. કાનજીભાઈ ભીમજીભાઇ જાદવ, બહાદુરભાઈ ભીમજીભાઇ જાદવ, ધર્મપત્ની હેમુબેન કિશનભાઇ જાદવ, તેમના પુત્ર કમલેશભાઈ અને રૂપેશભાઈ તેમની દીકરી ભાવનાબેન સુરેશભાઈ રાઠોડ, ગીતાબેન નરેન્દ્રભાઈ રાઠોડ, સોનલબેન અનિલભાઈ ચાવડાને રૂબરૂ મળી તેમના દુ:ખમાં સહભાગી થયા હતા અને આશ્ર્વાસન આપેલ હતું.