દરરોજ બનતા અકસ્માતથી લોકો ઘાયલ થાય-મૃત્યુ પામે છતાં અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી!
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટથી અમદાવાદ જનારા દરેક વાહનને રસ્તામાં ક્યાંકને ક્યાંક ઢોર નડ્યું ન હોય અથવા તો વાહન સાથે અથડાયું ન હોય તેવું ન બન્યું હોય તો જ તેઓ ભાગ્યશાળી ગણાશે ! વળી, હાઈ-વે ઉપર એક-બે નહીં બલ્કે ઢોરનો ઢગલો હોવાને કારણે હવે તો લોકો હાઈ-વેને ‘ઢોરની ગમાણ’ જ કહેવા લાગ્યા છે. જવાબદાર અધિકારીઓ જાણે કે કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યા હોય તેવી રીતે આ સમસ્યા દૂર કરવાની જગ્યાએ જવાબદારીની ફેંકાફેંકી છે.
- Advertisement -
હાઈ-વે ઓથોરિટીના અધિકારીએ જણાવ્યું હતું કે આ જવાબદારી હાઈ-વે ઓથોરિટીની નથી. અમારું કામ માત્ર રસ્તા ખાલી કરાવવાનું જ છે. જો રસ્તા પર ઢોર બેઠેલું દેખાય તો તેને દૂર કરવા માટે અમે લાગુ તંત્રનું ધ્યાન દોરવાનું હોય છે. ઢોરમુક્ત કરવાનું સંપૂર્ણ કાર્ય માત્રને માત્ર સ્થાનિક તંત્રનું જ છે. અમારા સુપરવાયઝર ઢોર જુએ તો તે અંગેની જાણ કરી શકે એ સિવાય અમે બીજું કશું ન કરી શકીયે! મહાપાલિકાના વેટરનરી ઓફિસર ડો.ભાવેશ જાકાસણિયાએ જણાવ્યું કે મહાપાલિકાની હદ નવાગામ સુધીની છે અને ત્યાં સુધીના રસ્તા પર અમે એક પણ ઢોરને બેસવા દેતાં નથી. જેવું ઢોરપકડ પાર્ટીના ધ્યાન પર રસ્તે બેઠેલું ઢોર આવે એટલે તેને જપ્ત કરી લેવામાં આવે છે. નવાગામ બાદનો વિસ્તાર ગ્રામ પંચાયત હેઠળ આવતો હોય ઢોરને રસ્તા પરથી હટાવવાની જવાબદારી તેમના હાથમાં છે નહીં કે મહાપાલિકાના હાથમાં!