શ્રાવણ મહિનામાં શિવજીને દૂધનો અભિષેકનું વિશેષ મહત્વ છે. શિવજીના અભિષેકથી અનંત ગણું ફળ મળે છે. શિવજીને કેમ દૂધનો અભિષેક કરવામાં આવે છે. તે પણ જાણવું જરૂરી છે.
સામાન્ય રીતે શિવલિંગ ઉપર જળ, બીલીપત્ર, દૂધ વગેરેનો અભિષેક કરવામાં આવે છે. જ્યોતિષ અનુસાર, દૂધમાં કેટલીક વસ્તુઓ ભેળવીને તેને શિવલિંગને અર્પણ કરવાથી તેનું અનેકગણું ફળ મળે છે. જો કે, શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, શિવલિંગ પર દૂધ કેમ ચઢાવવામાં આવે છે અને તેનું શું મહત્વ રહેલુ છે.
- Advertisement -
પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે દેવો અને દાનવો દ્વારા સમુદ્રમંથન કરવામાં આવ્યું હતું, ત્યારે તેમાથી અનેક રત્નો નીકળ્યા હતા. જેમાંથી ઝેર પણ નીકળ્યું હતું, પરંતુ સૃષ્ટિના કલ્યાણ માટે શિવજીએ ઝેરને કંઠમાં ધારણ કર્યું. જેના લીધે તેમનું ગળું ભૂરા રંગનું થઈ ગયુ અને અસહ્ય પીડા થવા લાગી. જેને શાંત કરવા દેવતાઓએ શિવજીને જળ અને દૂધ અર્પણ કર્યું. દૂધ ગ્રહણ કર્યા બાદ શિવજીને ઝેરની અસર ઓછી થઈ ગઈ, ત્યારથી શિવજીને દૂધનો અભિષેક કરવાની પ્રથા શરૂ થઈ હતી.
જો આયુર્વેદની દ્રષ્ટિએ જોવામાં આવે, તો જ્યારે ઋતુ પરિવર્તન થાય તેવા સમયે દૂધ કે દૂધથી બનેલા ખાદ્ય પદાર્થોનું સેવન કરવું ન જોઈએ. દૂધ કે દૂધમાંથી બનતી વાનગીનું સેવન કરવામાં આવે, તો સૌથી વધુ વાત્તનો રોગ થાય છે. જેના લીધે શરીરમાં કફ, વાત્ત અને પિત્તનું અસંતુલન સર્જાય છે અને પરિણામે કેટલીક બીમારીઓ જન્મે છે. આમ રોગને ટાળવા માટે ઋષિમુનિઓએ પુરાણોમાં શિવજીને દૂધ અર્પણ કરવાની પ્રથા પ્રચલિત છે.
શ્રાવણ માસ સિવાય મહાશિવરાત્રીના દિવસે પણ શિવજીને ખાસ દૂધ અર્પણ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે, ગાય-ભેંસ જ્યારે ઘાસચારો ખાય છે, ત્યારે ઘાસ સાથે ઘણા કીટકોનું પણ સેવન કરે છે. જે દૂધને હાનિકારક બનાવે છે. આથી આ સમયે દૂધનું સેવન ન કરતા, એને શિવજીને અર્પણ કરવાનું વિધાન બનાવ્યું હોવાનું મનાય છે.
- Advertisement -
શાસ્ત્રોમાં ભગવાનને અભિષેક કરવાના ઘણા નિયમો જણાવ્યા છે. એવું કહેવામાં આવે છે કે, ઉત્તર દિશા તરફ મુખ રાખીને શિવલિંગ પર જળ અને દૂધ ચઢાવવાથી ભગવાન શિવની સાથે માતા પાર્વતીની પણ અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. આ સાથે દૂધને પિત્તળ, ચાંદી કે સ્ટીલના વાસણમાં રાખી અભિષેક કરવો જોઈએ. ભૂલથી પણ તાંબાના વાસણમાં દૂધ રાખી શિવલિંગ પર અભિષેક ન કરવો.
આ સિવાય દર સોમવારે શિવલિંગ પર મિશ્રીવાળું દૂધ ચઢાવવામાં આવે, તો કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે અને સદ્દબુદ્ધિમાં વધારો થાય છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ધન-સંપત્તિમાં પણ વધારો થાય છે. આ સાથે દરેક પ્રકારના પાપોમાંથી અને માનસિક તણાવમાંથી મુક્તિ મળે છે. તદ્પરાંત, બાળકોનું મગજ તેજ થાય છે અને ભણવામાં એકાગ્રતા વધે છે.