ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
લક્ષ્મીવિલાસ બેંકમાંથી પ્રોપર્ટી કશમાં અપાવી દસ્તાવેજ કરાવી આપવા સુધીની જવાબદારી લઈ બેંકમાં રકમ ભરવાની થતી હોવાના બહાને આરોપી નીખિલ દયાળજી પુજારાએ લક્ષ્મીવિલાસ બેંકનો બનાવટી લેટર ઉભો કરી તેના આધારે ફરિયાદી ભરત તળાવિયા પાસેથી રૂા. 1,45,00,000 મેળવી કામ પૂર્ણ ન કરી આપે તો રકમ પરત કરવાની હોય કામ પૂર્ણ ન થતાં રૂા. 1,00,000 તે પેટે કાપી લઈ રૂા. 72,00,000ના બે ચેકો ઈસ્યુ કરી આપતાં તે રિટર્ન થતાં તે કેસો ચાલી જતાં બંને કેસોમાં થયેલી સજાઓ સામે સેશન્સ અદાલતમાં દાખલ કરેલ બે અપીલોના કામે એડિશ્નલ એવિડન્સ રજૂ કરવા દેવાની આરોપી નીખિલ પુજારાની માગણી રાજકોટના મહે. એડિ. સેશન્સ જજએ નામંજૂર કરતો હુકમ ફરમાવેલો છે. કેસની હકીકત જોઈએ તો બેન્ક એકવાયર કરેલ પ્રોપર્ટી સાડા સોળ કરોડમાં અપાવી દેવા વિશ્ર્વાસમાં લઈ રૂપિયા દોઢ કરોડ ફરિયાદી પાસેથી મેળવી વીસ દિવસમાં કામ પૂર્ણ કરવા વચન આપી કામ પૂર્ણ ન કરી રકમની ઉઘરાણી કરતા લક્ષ્મીવિલાસ બેન્કનો બનાવટી લેટર આપી અને લેણી રકમ ચૂકવવા ચેકો આપી ફરિયાદી પાસેથી બેન્ક સાથે વ્યવહાર કરવા લીધેલ કોરા સહી સિક્કાવાળા લેટરપેડમાં રકમ ચૂકવાઈ ગયાનું ફોર્જ લખાણ લખી ફોર્જરી આચર્યા સંબંધેની રાજકોટ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પેડક રોડ ઉપરના રહેવાસી ભરતભાઈ નાગજીભાઈ તળાવિયાએ સિદ્ધાર્થ ઓટો જંકશનના માલીક નીખિલ દયાળજી પુજારા તથા અભિષેક ઉર્ફે આનંદ નીખિલ પુજારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલી
- Advertisement -
અને આરોપી નીખિલ પુજારાએ ફરિયાદી પાસેથી લીધેલી રકમ પરત ચૂકવવા આપેલા બોતેર-બોતેર લાખના બે ચેકો પણ રિટર્ન થતાં તે સંબંધે પણ ફરિયાદી ભરત તળાવિયાએ આરોપી નીખિલ પુજારા વિરુદ્ધ બે ફરિયાદો દાખલ કરેલી, જે કેસો ચાલી જતાં બંને કેસોમાં બે-બે વર્ષની સજા અને રૂપિયા 1 કરોડ 44 લાખની સામે રૂપિયા 2 કરોડ 88 લાખ દંડ અને દંડ ન ભર્યે વધુ 3 માસની સજાનો થયેલ, આરોપી નીખિલ પુજારાએ રાજકોટની સેશન્સ અદાલતમાં જુદી જુદી બે અપીલોના માધ્યમથી પડકારેલો હતો, જે અપીલો ચાલવા ઉપર આવતા આરોપી નીખિલ પુજારાએ તેની સામે નીચેની અદાલતમાં લક્ષ્મીવિલાસ બેંકના ફોર્જ લેટર સંબંધેની ચાલતા ફોજદારી કેસમાં લેવાયેલા ફરિયાદીની જુબાની એડિશ્નલ એવિડન્સ તરીકે બંને અપીલોના કામે રજૂ રાખવા કરેલી માગણી સામે ફરિયાદી ભરત તળાવિયાના એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા રજૂઆત કરવામાં આવેલી કે એક કેસનો પુરાવો બીજા કેસમાં ધ્યાને લઈ શકાય નહીં અને હાલની અપીલો એન.આઈ. એક્ટ 138ની સજા સામેની હોય અને જે પુરાવો રજૂ કરવા માગે છે તે નીચેની અદાલતના ફોર્જરીના ગુનાના કામનો પુરાવો હોય જે રજૂ થઈ શકે નહીં જેથી માગણી નામંજૂર કરવા લેખિત વાંધા સાથે દલીલો કરવામાં આવેલી હતી. ઉપરોક્ત કામમાં મૂળ ફરિયાદી ભરતભાઈ તળાવિયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ, અભય સભાયા તથા જસ્મીન દુધાગરા રોકાયેલા હતા.