કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો સ્થાનિક તંત્ર સામે હપ્તારાજનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ દાયકાથી સતત ગેરકાયદેસર કોલસાની ખાણોમાં મુખ્યત્વે થાનગઢ, મૂળી અને સાયલા પંથકના ગામોમાં ચાલી રહી છે સ્થાનિક તંત્ર આ કોલસાની ખાણો સામે પણ માત્ર કડક કાર્યવાહીની નાટક કરી રહી છે ત્યારે ગયા અઠવાડિયે મૂળી તાલુકાના ભેટ ગામે એક સાથે ત્રણ મજૂરોના ગેસ ગળતરને લીધે થયેલ મોતનો મામલો દિલ્હી સંસદભવન સુધી પહોંચ્યો હતો.
- Advertisement -
જેમાં સાંસદન ચાલુ સત્ર દરમિયાન ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર ખનન પ્રક્રિયા અંગે સવાલો ઉઠાવ્યા હતા. શક્તિસિંહ ગોહિલ દ્વારા જણાવાયું હતું કે ” સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા કોલસાના ગેરકાયદેસર ખનન પ્રક્રિયામાં અનેક મજૂરો પોતાના જીવ ગુમાવ્યા છે જ્યારે મૃતક મજૂરોના પરિવારો પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટે જતા હોય છે ત્યારે પોલીસ મૃતકોના પરિવાર સામે પણ ગેરકાયદેસર કોલસો કાઢવાનું કામ કરતા હોવાથી પરિવાર સામે પણ ફરિયાદ નોંધવાની ધમકી આપે છે.
જ્યારે આ કોલસાના કારોબારમાં સ્થાનિક તંત્રને દર મહિને 1.50 લાખ સુધીનો માસિક હપ્તો પહોંચતો હોય છે અને મૂળી તાલુકાનાં ભેટ ગામે થયેલ ત્રણ મજૂરોના મોતમાં કુલ ચાર શખ્સો વિરૂદ્ધ માનવ વધનો ગુન્હો નોંધાયો હતો જેમાં એક તાલુકા પંચાયત કારોબારી ચેરમેન અને એક જિલ્લા પંચાયત સદસ્યના પતિ હોવાથી આ ગેરકાયદેસર ખનન રાજકીય ઓથ હેઠળ ચાલતું હોવાના પણ આક્ષેપ કર્યા હતા.
આ સાથે શક્તિસિંહ ગોહિલ દ્વારા કેન્દ્ર લેવલથી એક ટીમની રચના કરી તટસ્થ તપાસ કરવા માટેની માંગ પણ કરાઈ હતી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર કોલસાના કારોબારની ચર્ચા છેક દિલ્હીના દરબારમાં થતાં હવે કોલસાના ખનન પ્રક્રિયામાં નવાજુનીના એંધાણ વર્તાય રહ્યા છે.