સનાતન હિન્દુ સંસ્કૃતિમાં ઋષિકાળથી ગુરુપૂર્ણિમાનું ભારે મહાત્મ્ય
જૂનાગઢની તમામ ધાર્મિક જગ્યામાં ગુરુ પૂજન સાથે મહાપ્રસાદનું આયોજન
સોરઠના દરેક ધર્મ સ્થાનોમાં વિશેષ પૂજન અર્ચન અને સંતવાણી યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
- Advertisement -
ગુરુ ગોવિંદ દોનો ખડે કીસકો લાગુ પાય, બલિહારી ગુરૂ આપકી ગોવિંદ દિયો દેખાય આ પંકતિની સાર્થકતા સાથે આવતીકાલે અષાઢ સુદ પૂનમના પાવન દિવસે ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી દિવ્ય રીતે ઉજવાશે જેમાં ગિરનાર ભગવાન દત્તાત્રય અને ઉપલા દાતારની જગ્યાના પર્વત તેમજ ગિરનાર તળેટીમાં આવેલ અનેક ધાર્મિક જગ્યામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી ભારે ધામધૂમ પૂર્વક કરવામાં આવશે.
વેહલી સવારથી ધર્મસ્થાનોમાં ભગવાનને વિશેષ અર્ચન અને પૂજન સાથે ગુરુ પૂજન કરવામાં આવશે તેમજ ગુરુની સમાધિ સ્થાન પર પણ વિશેષ પૂજન કરાશે અને સવારથી શ્રદ્ધાળુઓ ધાર્મિક જગ્યાના દેવ દર્શન માટે મોટી સંખ્યમાં જોવા મળશે.
જૂનાગઢ એક પ્રાચીન નગરીની સાથે ધર્મની નગરી તરીકે વિશ્વ પ્રસિદ્ધ છે.ત્યારે ગિરનાર પર્વત પર જગત જનની માં અંબા બિરાજમાન છે.
તેમજ ગુરુ શિખર પર ભગવાન ગુરુ દત્તાત્રય બિરાજમાન છે.તેની સાથે ગોરખનાથ ટૂંક સહીત અનેક ધાર્મિક જગ્યાઓ આવેલી છે તે તમામ ધર્મસ્થાનો ગુરુ પૂજન કરાશે તેમજ ગિરનાર સમીપ ઉપલા દાતારની જગ્યાના મહંત ભીમબાપુની નિશ્રામાં બ્રહ્મલીન મહંત ગુરુ પટેલ બાપુ અને વિઠલબાપુના સમાધિ સ્થળે ચંદન, દૂધ અને ગુલાબ જળથી પૂજન કરવામાં આવશે અને બપોરે ભાવિકો માટે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ રાત્રીના સમયે નામાંકિત કલાકારો દ્વારા સંતવાણીનું આયોજન કરવામાં
- Advertisement -
આવ્યું છે. ભવનાથ તળેટીમાં આવેલ શ્રી ગોરક્ષ નાથ આશ્રમ ખાતે પૂ.શેરનાથ બાપુની નિશ્રામાં સવારે સમાધિ સ્થાને ગુરુ પૂજન અને સંતો મહંતો તેમજ શ્રદ્ધાળુઓ માટે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે ગિરનાર અંબાજી મંદિરના મહંત તનસુખ ગિરી બાપુની નિશ્રામાં જવાહર રોડ સ્થિત આવેલ ભીડ ભંજન મહાદેવ મંદિરે સવારે સમાધિ સાથે ગુરુ પૂજન કરવામાં આવશે અને સેવકગણ અને ભાવિકો માટે મંદિર ખાતે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
અને સોરઠ પંથકમાં આવેલ સતાધાર જગ્યાના મહંત વિજયબાપુની નિશ્રામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરશે તેમજ સતાધાર જગ્યા નજીક આવેલ આપાગીગા રામેશ્વર ધામની જગ્યાના મહંત ગોવિંદબાપુ ગુરુ શ્રીશામજી બાપુની નિશ્રામાં ગુરુ પૂજન, મહા પ્રસાદ, ધ્વજા પૂજન અને સત્સંગ સાથે સંતવાણી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
સોરઠ પંથકમાં આવેલ ભેસાણના પરબધામ ખાતે સતદેવીદાસ અમરદેવીદાસ જગ્યાના મહંત કરશનદાસ બાપુની નિશ્રામાં જગ્યામાં સમાધિ સ્થળે પૂજન અર્ચન સાથે મંદિરમાં વિશેષ આરતી અને મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ મેંદરડા સ્થિત આવેલ ખાખી મઢી રામજી મંદિરના મહંત સુખરામદાસજી બાપુ ગુરુ રામકિશોરદાસજી બાપુની નિશ્રામાં ખાખી મઢી ખાતે ગુરૂપુજન અને પ્રવચન સાથે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.