BJP કાર્યકરોએ જિલ્લા પંચાયત ચોકથી કોંગ્રેસ કાર્યાલય સુધી સૂત્રોચ્ચાર કર્યા, પોલીસે સુરક્ષા પૂરી પાડી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
- Advertisement -
લોકસભામાં રાહુલ ગાંધીએ હિન્દુઓ હિંસક છે, તે પ્રકારના કરેલા નિવેદનથી આજે દેશભરમાં ભારતીય જનતા પક્ષ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. તેના પગલે આજે રાજકોટમાં શહેર યુવા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા પંચાયત ચોકથી કોંગ્રેસ કાર્યાલય સુધી પહોંચી રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવ્યા હતા અને રાહુલ ગાંધી હિન્દુઓની માફી માગે અન્યથા ભારત છોડી ઈટલી ચાલ્યા જાય તેવા સૂત્રો પોકાર્યા હતા.
શહેર ભાજપ પ્રમુખની આગેવાનીમાં આજે ભાજપનાં યુવા કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સમયે કોંગ્રેસ કાર્યાલયે રાહુલ ગાંધી હાય હાયના નારા સાથે વિરોધ પ્રદર્શન કરતા ભાજપના કાર્યકર્તાઓની અટકાયત કરવાને બદલે સુરક્ષા સાથે ભાજપ કાર્યાલયે લઈ જવાતા આશ્ચર્ય જનમ્યું હતુ. આ વિરોધમાં મેયર પણ હાજર રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, અગ્નિકાંડમાં એક શબ્દ ન બોલનારા રાજકોટ ભાજપે રેલી યોજી હતી. પીડિતોને ન્યાય અપાવવા એક પણ કાર્યક્રમ કર્યો નથી.
રાજકોટ શહેર યુવા ભાજપના પ્રમુખ કિશન ટીલવાએ જણાવ્યું હતું કે, લોકસભામાં ગઈકાલે રાહુલ ગાંધી દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે હિન્દુઓ હિંસક છે અને હિંસા ફેલાવે છે. રાહુલ ગાંધીએ લોકસભામાં ગઈકાલે પુરવાર કરી દીધું કે તેઓ હિન્દુ વિરોધી છે. જેનાથી દેશ વિદેશમાં રહેતા હિન્દુઓની લાગણી દુભાઈ છે. જેથી રાહુલ ગાંધી હિન્દુઓની માફી માંગે. જે નિવેદન અશોભનીય છે, જેથી અમે તેને વખોડીએ છીએ.
આજે રાજકોટ સહિત દેશભરમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. જ્યાં રાહુલ ગાંધી હાય હાય અને જયશ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન રાજકોટના મેયર નયનાબેન પેઢડીયાની સાથે ધારાસભ્ય રમેશ ટિલાળા સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા. જોકે, આ સમયે પોલિસે ભાજપ કાર્યકર્તાઓની અટકાયત કરવાને બદલે તેમને સુરક્ષા સાથે ફરી ભાજપ કાર્યાલયે લઇ જવાતા આશ્ચર્ય જનમ્યું હતુ.



