તું સ્પર્શે એ પહેલાં, તું સ્પર્શે પછી પણ,સતત હોય હાજર ત્વચામાં અધૂરપ
વ્હાલી જિંદગી,
- Advertisement -
ફૂલગુલાબી ઠંડીમાં તારા ગાલ ઉપર પથરાતી લાલીમા અને આંખોના ઊંડાણમાં મારા માટેના દિવ્ય પ્રેમની ઝાંખી જોઈ હું જાગીને ઉછળી પડું છું. તું મારા શરીર અને મનની એવી વહેલી સવાર છે જે અંધારઘેરી રાત્રિ પછી પોતાના અજવાળાના લશ્કર સાથે આવી મારાં આત્માને ભરપૂર ભરી દે છે. કશું જ ખૂટતું નથી, સહેજ પણ ઓછપ નથી. મારી ભીતર અને આરપાર બધું જ ભરચક છે. આ ભરી ભરી ભરચકતા એ જિંદગીનું બીજું નામ છે. જિંદગી! તું મારાં આત્મારુપી સંદૂકની ચાવી છે. એ સંદૂક ખૂલે એટલે એમાંથી નીતનવા સપ્તરંગી જીવનસ્વપ્નો દોડતાં આવી મને ઘેરી વળે છે. હું એમાં ઊંડે ઊંડે ડૂબતો જાઉં છું, પછી હું તને પ્રશ્ન કરું છું કે જિંદગી! હું તારો શું થાઉં? એ ક્ષણે તું આંખોમાં પ્રેમ સાથે, હોઠ ખોલ્યાં વગર, માથું નમાવી મને તારી છાતીમાં ભરી લે છે, અને મને જીવનના સૌથી અઘરા પ્રશ્નનો જવાબ મળી જાય છે… હૈયાનાં ધબકારે ધબકારે પ્રગટ થતાં પ્રેમના મોતીની રમ્યતા મને તારામાં હજી વધારે ઊંડા ઉતારી રમમાણ રહેવાનું ઈજન આપી રહ્યાં છે. તારી આંખોના ઝરૂખામાં બેસીને હસતી ફૂલમાળ મને છેક… તારામાં આવી નિમંત્રી રહી છે… લાગણીઓના લીસ્સા અને સુંવાળા ઢાળ પર તારી આગળ – પાછળ, આજુબાજુ, ઉપર – નીચે હું ઝરણાંનાં ખળખળ વહેતાં ધોધ જેમ વહી રહ્યો છું.
તમે જેને ચાહતા હો અને સતત એનો સત્સંગ સાંપડે એમાં જ જીવનનું સાર્થક્ય સમાયેલું હોય છે. ધોમધખતાં તાપમાં અચાનક ચડી આવેલી વાદળી આપણાં પર વરસી જાય અને આપણે નિરાંત અનુભવીએ એવી જ રીતે હું તારા પ્રેમબુંદોમાં સાવ નીતરતો રહું છું. જિંદગી! તું તો મારી બારમાસી વાદળી છે, જે મોસમ પ્રમાણે જ નહીં, મોસમની સાડાબારી રાખ્યાં વગર સતત મારાં પર વરસતી રહે છે. તું મારાં રંગમહેલના આત્મસ્તંભનું ઝળહળતું ઝુમ્મર છે. હું તને એટલાં માટે ભરપૂર ચાહું છું કારણ કે તને ચાહવી એ મારાં હૈયાનાં દરેક સ્પંદનની ઝંખના છે. તને પ્રેમ કરવો એ મારાં આત્માની અંદરનાં ઉમળકાનો અવાજ છે. તું મારાં અને મારાં ભગવાન વચ્ચેનો સેતુ છે. તને ચાહવામાં મને નિત્ય શુકન મળે છે. તારા સાંનિધ્યમાં હું હળવો થાઉં છું, વિખેરાઉં છું, જોડાઉં છું અને મારાં કણેકણને તારામાં ઓતપ્રોત કરી એ બહાને હું મને પોતાને જ જીવતો રાખું છું. તું મારી સૂની પડેલી આંખોની પ્રતિક્ષાનું ઝરણું છે… તું મારાં હૃદયનાં દરેક હિસ્સામાં ઊછળતું સુગંધિત ગુલાબજળ છે…જિંદગી! તું મારાં આત્માનો ઉપચાર છે… તું મારાં મનને હળવું બનાવી એને પ્રફુલ્લિત રાખનાર દિવ્યાનુભૂતિ છે… તું મારી આત્મશ્રદ્ધાનો વિષય છે અને મારાં સમર્પણનો પણ સમન્વય છે… જિંદગી! હું તને એ હદે પ્રેમ કરું છું કે મારું જીવવું ફક્ત જીવવું ના રહેતાં કર્મમર્મયોગ બની રહે છે…
સતત તને ચાહતો…
જીવ.
(શીર્ષકપંક્તિ:- માધવ આસ્તિક)