ડીઆરઆઈએ સીન્ડીકેટ ઉઘાડી પાડી: નજીકની હોટલમાં તમામ પેડલર, સ્મગલરની બેઠક: 1500 શકમંદોનું લીસ્ટ છે : ઉંડી તપાસ
અમદાવાદ એરપોર્ટ પરથી ડીઆરઆઈના અધિકારીઓએ 10 દાણચોરોને 30 કિલો સોના સાથે ઝડપી લીધા છે. ડીઆરઆઈના અધિકારીઓએ ચેન્નાઈના દાણચોરોની સિન્ડીકેટને સાડા સાત કરોડના સોના સાથે ઝડપી લઈ સિન્ડીકેટનો પર્દાફાશ કર્યો છે. એજન્સીની કામગીરી સરાહનીય છે.
- Advertisement -
પરંતુ અમદાવાદ એરપોર્ટ પર ચેન્નાઈના દાણચોરો જેવી સંખ્યાબંધ સીન્ડીકેટ એકટીવ છે. તેમના સુધી ડીપાર્ટમેન્ટ પહોંચે તો ચોકકસ દાણચોરી પર થોડી બ્રેક લાગી શકે તેમ છે. શનિવારે મોટા પ્રમાણમાં દાણચોરીનું સોનુ ઝડપાયું તેમ છતા રવિવારે અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીનું સોનું લઈને પેડલરો લેન્ડ થયા. આ બાબત એ વાતની સાબિતી આપી દે છે કે હજુ સુધી દાણચોરોની અન્ય સિન્ડીકેટ એકટીવ છે. અમદાવાદ એરપોર્ટ પરથી દરરોજ કરોડો રૂપિયાનું દાણચોરીનું સોનુ બહાર આવી રહ્યું છે. ચેન્નાઈની સિન્ડીકેટ હોટેલ રેસ્ટ ઈન પીસમાંથી ઝડપાઈ. પરંતુ અમદાવાદ એરપોર્ટ રોડ પરની એક કુખ્યાત હોટેલમાં પેડલરો, દાણચોરો અને ભ્રષ્ટ અધિકારીઓ સમગ્ર વ્યવહાર ગોઠવતા હોય છે.
આશ્ચર્યની વાત તો એ છે કે, આ બાબતે તપાસ કરવા માટે ચોકકસ અધિકારી હોટેલ પર બેસીને વોચ રાખે ત્યારે તેને સિનિયરની સૂચના મળી જાય કે અન્ય ઓપરેશનમાં વ્યસ્ત કરી દેવાય છે તેવી ચર્ચા છે. ભારતમાં સોનાની આયાત પરની ડયુટી અને જીએસટીને લઈને દુનિયાનાં અન્ય દેશો કરતાં ભારતમાં સોનાના ભાવમાં ખાસ્સો ફરક પડી જતો હોય છે. એક કિલો સોના પર લગભગ સાતેક લાખ રૂપિયાનો ફરક પડતો હોવાથી સોનાની દાણચોરીમાં ધરખમ વધારો થયો છે. હવે અમદાવાદ સહિત રાજયભરનાં સોનીબજારમાં દાણચોરીનાં સોનાની માંગ વધી છે.
જેને લઈને દાણચોરો વધુ આક્રમકતાથી દાણચોરી કરાવી રહ્યા છે. કસ્ટમ્સ અને સેન્ટ્રલ એજન્સીઓનાં અધિકારીઓ દાણચોરીનું સોનું ઝડપી લેવા અને આ દાણચોરી અટકાવવા માટે નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે.જયારે સ્મગલરોની વગ તેમને સફળ થવા દેતી નથી. દરેક વખતે દાણચોરીનુ સોનુ ઝડપી લઈ અધિકારીઓ દાણચોરોનાં આકાઓ સુધી પહોંચવાના દાવા કરી રહી છે પરંતુ કમનસીબે કયારેય સ્મગલર સિન્ડીકેટનાં આકાને ઝડપી લેવામાં સફળતા મળી નથી. અમદાવાદ એરપોર્ટ પરથી મોટી સંખ્યામાં પેડલરોને દુબઈ મોકલવામાં આવે છે.તેઓ ત્યાંથી અધિકારી સાથે ગોઠવણ થઈ હોય તે મુજબ સોનું લઈને અમદાવાદ આવી જતા હોય છે.હવે નિયમીત રીતે દુબઈ જતા હોય તેવા લોકોની એક યાદી ડીપાર્ટમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવી છે.જેમાં ઘણા લોકો તો એવા છે કે તેઓ જાણે કે દુબઈથી અમદાવાદનું અપડાઉન કરતા હોય તેટલી વખત દુબઈ જતા આવતા હોય છે.
- Advertisement -
દાણચોરીનુ કરોડો રૂપિયાનું સોનુ એરપોર્ટ પરથી સલામત રીતે બહાર આવી ગયુ અને અધિકારીઓએ પેડલરોને હોટલ પરથી પકડી લીધા હતા. થોડા સમય પહેલા પણ એરપોર્ટ પરથી દાણચોરીનું સોનુ લઈને આવતા પેડલર અને સ્મગલરોને ક્રાઈમ બ્રાંચની ટીમે કફનાળા નજીકથી ઝડપી લીધા હતા. સવાલ એ ઉભો થાય છે કે એરપોર્ટ પર જયારે વિદેશથી મુસાફરો લેન્ડ થાય ત્યારે કસ્ટમ કલીયરન્સ અને અન્ય પ્રક્રિયા માટે અધિકારીઓની ટીમ તૈનાત હોય છે. તેઓ કેમ પેડલરોને પકડી શકતા નથી.
મોડસ ઓપરેન્ડી
સોનાની દાણચોરી માટે સ્મગલરોની સિન્ડીકેટ જુદા જુદો નુસ્ખા અજમાવતી હોય છે.નવી મોડસ ઓપરેન્ડી મુજબ સોનાની પેસ્ટ બનાવી તેને સર્જીકલ ટેપમાં પેક કરી દેવામાં આવે છે.ત્યારબાદ તેને પેડલર (ખાસ કરીને મહિલા) આંતર વસ્ત્રો કે ગુપ્તભાગમાં છુપાવી દેતા હોય છે કે જેથી સ્કેનરમાં તે ઝડપાય નહિં.
જયાં વાડ જ ચીભડા ગળે-કસ્ટમ્સનાં અધિકારીએ જ 1400 કરોડના સોનાની દાણચોરી કરાવી
દાણચોરીનું સોનું લઈને આવતા પેડલરોને ઝડપી લેવાની જવાબદારી કસ્ટમ્સનાં અધિકારીઓની છે. હવે જયાં કસ્ટમ્સનાં જ આસી. કમિશ્નર કક્ષાના અધિકારીઓ જાતે જ દાણચોરી કરાવવાનું શરૂ કર્યું હતું.તેમના કાર્યકાળ દરમ્યાન અમદાવાદ એરપોર્ટ પરથી 1400 કરોડ રૂપિયાના સોનાની દાણચોરી થઈ હતી. આ દાણચોરીનું સોનુ અમદાવાદ અને રાજકોટના સોનીબજારમાં ગયુ હતું. તપાસ દરમ્યાન આ સમગ્ર કૌભાંડની મહત્વની એક કડી રાજકોટથી હાથ લાગી હતી.પરંતુ આખરે ઘીના ઠામમાં ઘી જેવો ઘાટ થયો હતો.