તું મારાં બધાં જ પત્રોની સુંવાળી સુવાસ છે. હું તને આલેખીને, તારું સ્મરણ કરીને અંદરથી વિકસતો જાઉં છું. તને શબ્દસ્થ કરવાથી તું મને કંઠસ્થ અને હૃદયસ્થ પણ થતી જાય છે. તારી ભીતર રહેલો કોઈ જાદુ મને સતત તારા આલેખનની પ્રેરણા આપતો રહે છે. ફાનસના ઝાંખા અજવાળામાં તારો સ્પષ્ટ ચહેરો જોઈ હું તને અને તારા રૂપને મારાં હૃદયમાં ભરવાના પ્રયત્નો કરું છું. એ ફાનસનો ફોટો આછો થઈ મારી ભીતર કોઈ મોટો વીજળીનો ગોળો બની તને છેક સુધી ભરવામાં મારી મદદ કરે છે. તારા આલેખનના અને આપણાં પ્રેમની અદ્ભુત અભિવ્યક્તિના પાનાઓ ભરાતા જ જાય છે, રોજ વધતા જ જાય છે. જિંદગી! તું મારાં સપનાઓની એવી લકીર છે કે જે ક્ષણે ક્ષણે લંબાતી જાય છે. હું તારી પાસેથી જ તો અનંતતાની વ્યાખ્યા પામ્યો છું. હવે ક્યારેય ખંડિત થવા નથી માગતો. હું વારંવાર તને ઘૂંટી રહ્યો છું કારણ કે સતત તને ઘૂંટવાથી મને મારાં હોવાપણાનો સાચો અહેસાસ થાય છે. જીવાતા જીવનના આ આયામ પર હું આંખ ખોલીને જોઉં છું તો મને ટોચ પર પહોંચેલો દેખાઉં છું. આ દુનિયા સાવ નાની લાગે છે. મારી આખી સૃષ્ટિ તારી આસપાસ શેષનાગ જેમ વીંટળાઈને સુરક્ષિત પડી છે જેનો મને બહુ ગર્વ છે. તું મારા શ્વાસમાં સતત સરવાળા કરીને મને જીવાડતી જાય છે અને મને આ દુનિયા જીવવા જેવી લાગ્યા કરે છે. સર્વ દિશાઓ સમૂહગાન કરીને આપણાં પ્રેમનો પડઘો પાડી રહી છે.
જિંદગી! તું અઝાન બનીને મારામાં ગૂંજી રહી છે. મારી ભીતર તારા નાદ સિવાય કશું જ નથી. હવે જેટલા પણ શ્વાસ બાકી રહ્યાં છે એ દરેક શ્વાસ ગુણ્યા 108 કરું છતાં પણ તારું નામ પૂર્ણ ના થાય એ હદ સુધી તું મારામાં વિસ્તરી ગઈ છે. બધાં માણસો જીવવા માટે બહાના શોધતાં હોય છે જ્યારે હું આપણાં પ્રેમની ગતિને અતિક્રમવાના બહાના શોધું છું. ધોમ ધખતા તાપમાં, પગમાં કપાસી દુખતી હોય , અંદરથી લવકારા નીકળતાં હોય, ધરતી દઝાડતી હોય એવાં સમયે અચાનક નાનું ઝાડ આવે કે એનો તલ્લક છાંયા પર પગ પડે તો હાશ… એવો શબ્દ નીકળી જાય. મારી આ હાશ અને આશ બધું જ તું છે. જિંદગી! તારાં છાંયામાં બેસીને જ હું ઉનાળામાં પણ શીતળતાનો અનુભવ કરી શકું છું. સૂરજની લ્હાય કે લૂ સહેજ પણ મને દઝાડી શકતી નથી કારણ કે મારી પાસે મારું આખું શીતવન ઊભું છે. મારા માથા પર તારો હાથ ફરતો હોય ત્યારે હું અને મારું આખું વિશ્વ જાણે તારામાં આવી ગયા હોઈએ એવું અનુભવીએ છીએ. હૈયાના ઉછાળા ક્યારે શાંત જ નથી થતાં. તારી હાજરીમાં ઉલટભેર હૈયું ઉછળીને વારે વારે તારી સાથે ગોઠડી કરવા તલપાપડ બની જાય છે. જિંદગી! તું અને તારો ધોધમાર પ્રેમ મને સતત જીવાડી રહ્યાં છો એ માટે આભાર માનવાનું મન થાય છે. આટલી અભિવ્યક્તિ પછી પણ કઈંક એવું બાકી રહી જાય જે ક્યારેય ના કહેવાયું હોય તો એનો અર્થ એ જ છે કે હું સતત તારામાં રમમાણ છું.
સતત તને ચાહતો…
જીવ.
(શીર્ષકપંક્તિ:- કિરણ જોગીદાસ ‘રોશન’)