કાર્યવાહી કરવા વિજયભાઈની પોલીસ કમિશનર સમક્ષ લેખિત ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
થોડા દિવસોથી ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નામે અમુક ચોક્કસ રાજકિય તેમજ સામાજિક હિતશત્રુઓ દ્વારા વિજયભાઈના નામે ખોટા અને કાલ્પનિક નિવેદનો ઊભા કરી એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલનું બનાવટી અને ખોટુ ન્યુઝ પ્લેટ ઊભું કરી અને તે કાલ્પનિક નિવેદનો બનાવટી ન્યુઝ પ્લેટમાં એડિટ કરી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે ત્યારે આવું નિવેદન આજસુધી તેઓ દ્વારા કરવામાં આવ્યું જ નથી તેવું જણાવતા વિજયભાઈએ પોલીસ કમિશનર સમક્ષ રૂબરૂ ફરિયાદ કરી છે. જેમાં તેઓના નામે આવા ખોટા નિવેદનો ઉભા કરી ખોટી બનાવટી ન્યુઝ પ્લેટમાં આ કાલ્પનિક નિવેદન એડિટ કરી અને વાયરલ કરવાવાળા વ્યક્તિઓ વિરૂદ્ધ ફોજદારી ફરિયાદ નોંધી અને તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવા અનુરોધ કર્યો હતો.
- Advertisement -
વિજયભાઈએ તેઓની ફરિયાદમાં વધુમાં જણાવેલુ હતું કે સ્વયં એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલ કે જેનું બનાવટી અને ખોટુ ન્યુઝ પ્લેટ ઉભુ કરવામાં આવ્યું હતું તે ન્યુઝ ચેનલે પણ તેઓના ચેનલના માધ્યમથી સ્પષ્ટતા કરી હતી કે આવુ કોઈ ન્યુઝ પ્લેટ ચેનલ દ્વારા બનાવવામાં આવી જ નથી અને ન્યુઝ પ્લેટમાં જણાવેલું નિવેદન તથ્યવિહોણું છે. વિજયભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું સમાજમાં ભાગલા પાડવા, તેઓની દાયકાઓ જૂની નિષ્કલંક કારકિર્દીને હાનિ પહોંચાડવા અને ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા આવી ખોટી ન્યુઝ પ્લેટ ઊભી કરવામાં આવી છે અને જે વ્યક્તિઓએ આ હિન કૃત્ય કરેલ છે તેઓ વિરૂદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરી આ ફેક ન્યુઝ અટકાવવામાં આવે તે અનિવાર્ય છે તેવું વિજયભાઈએ તેઓની કમિશનર રૂબરૂની ફરિયાદમાં જણાવ્યું છે.