ક્રેડિટ બુલ્સ કંપનીના કરોડોના કૌભાંડમાં એક આરોપી પંકજ વળગામાની ધરપકડ : મુખ્ય ત્રણ આરોપીઓ ધવલ, યશ, ફર્જાના અહેમદ દુબઈ તરફ ભાગી ગયા હોવાનું અનુમાન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.2
- Advertisement -
ગુજરાતભરમાં કરોડોના ફૂલેકા ફેરવી વિદેશ ભાગી જવાની ઘટનાઓ વધવા પામી છે. હાલમાં જ આ પ્રકારનું એક આર્થિક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે જેમાં એક ફાઈનાન્સીયલ કંપનીના માલિકો-સંચાલકો કરોદોનું ફૂલેકું ફેરવી વિદેશ ભાગી ગયા છે. જામનગરના અંબર સિનેમા સામે નિઓ એટલાન્ટિક બિલ્ડીંગમાં 412 નંબરની ઓફિસમાં ક્રેડીટ બુલ્સ નામની કંપની બે વર્ષ પહેલાથી કાર્યરત હતી. આ કંપની દ્વારા લોકોને રોકાણ કરાવી તેની સામે ઉંચુ વ્યાજ આપવાની સ્કીમ કરી હતી. જેમાં અનેક લોકોએ તેમાં રોકાણ કરી થોડા સમય વ્યાજ મેળવ્યા બાદ કંપની દ્વારા રાતોરાત તાળા મારી નાસી છૂટતા રોકાણકારોમાં નાસભાગ મચી જવા પામી છે.
ક્રેડીટ બુલ્સ કંપની દ્વારા બે વર્ષના સમય દરમિયાન માસિક વળતર ન મળતા રોકાણકારોને છેતરાયા હોવાની આશંકા જતા કંપનીમાં અવારનવાર રજૂઆત કરવા છતાં રોકેલા નાણાંનું વળતર મળ્યું ન હતું. જેના કારણે થાકીને રોકાણકારોએ ક્રેડીટ બુલ્સ કંપનીના સીઈઓ અને ફાઉન્ડર ધવલ દિનેશ સોલાણી, પાર્ટનર ફરજાન ઈરફાન અહેમદ શેખ (મુંબઇ), કંપનીના હ્યુમન રીસોર્સીસ રીજનલ યશ દિનેશ સોલાણી, રીઝનલ હેડ પંકજ પ્રવિણ વડગામા નામના ચાર શખ્સોએ એક સંપ કરી ગુનાહિત કાવતરુ રચી રોકાણકારોના રૂપિયા અને વળતર પરત આપવાના બદલે અંગત ઉપયોગ માટે ઉપાડી લઇ છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
જામનગર સહિત રાજ્યભરના સંખ્યાબંધ લોકોની કરોડોની રકમ રોકાણના બહાને મેળવી લઈ ચીટીંગ કરવા અંગેના ગુનામાં પોલીસે એક આરોપી પંકજ વડગામાની ધરપકડ કરી લઈ ચાર દિવસના રિમાન્ડ પર લીધો છે, ત્યારે અન્ય ત્રણ આરોપીની શોધખોળ હાથ ધરી છે. તેમજ આ પ્રકરણમાં પોલીસે કુલ 37 રોકાણકારોના નિવેદન નોંધ્યા છે. જામનગર પોલીસે કંપનીના સીઈઓ અને મુંબઈના પાર્ટનર સહિતના ચાર શખ્સો વિરૂદ્ધ છેતરપિંડી અને વિશ્ર્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. જોકે, કંપનીમાં કેટલાં લોકોએ કેટલાં લાખનું રોકાણ કર્યુ છે? અને કંપની દ્વારા કુલ કેટલાં લોકો સાથે આ રીતે છેતરપિંડી કરવામાં આવી છે? તે અંગેની તપાસ ચાલું છે.
- Advertisement -
બનાવની વિગત અનુસાર ક્રેડિટ બુલ્સ નામની કંપનીમાં રોકાણકારો પૈકીના જામનગરના એક વેપારી કેયુરભાઈ વિજયભાઈ સુરેલીયાએ પોતાની રૂપિયા પાંચ લાખની રકમ રોકાણના બહાને મેળવી લઇ છેતરપિંડી કરવા અંગે ક્રેડિટ બુલ્સ કંપનીના સી.ઈ.ઓ. અને ફાઉન્ડર જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર 11માં રહેતા ધવલ દિનેશભાઈ સોલાણી” ક્રેડિટ બુલ્સ કંપનીના પાર્ટનર મુંબઈના ફર્જાના ઈરફાન અહેમદ શેખ, ક્રેડિટ બુલ્સ કંપનીના રિઝનલ હેડ જામનગરમાં સમર્પણ સર્કલ પાસે રહેતા પંકજ પ્રવીણભાઈ વડગામા, અને ક્રેડિટ બુલ્સ કંપનીના હ્યુમન રિસોરસિંગ રિઝનલ જામનગરમાં પટેલ કોલોનીમાં રહેતા યશ દિનેશભાઈ સોલાણી સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ જામનગર સિવાય રાજ્યભરના વધુ કેટલાક રોકાણકારોએ પણ ક્રેડિટ બુલ્સ કંપનીના માલિકો-સંચાલકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી આરંભી છે.
આરોપીના ઘર, બેંક ખાતા, લોકર સહિતની તપાસ જરૂરી : મોબાઈલ ફોનના લોકેશન આધારે તપાસ
ક્રેડિટ બુલ્સ કંપની દ્વારા આર્થિક કૌભાંડ આચારના આરોપીઓના રહેણાક મકાન, બેન્ક એકાઉન્ટ, લોકર સહિતની તપાસ ચલાવવી ખૂબ જરૂરી છે. આ ઉપરાંત ક્રેડિટ બુલ્સ કંપનીના આર્થિક કૌભાંડનો ભોગ બનનાર અન્ય લોકોએ પણ આગળ આવવું જરૂરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસે નોંધેલા નિવેદનો પરથી આ સમગ્ર કૌભાંડનો આંકડો કરોડોમાં થવા જાય છે. અન્ય ત્રણ આરોપીઓ વિદેશ ભાગી ગયા હોવાનું અનુમાન લગાવાયું છે અને મોબાઈલ ફોનના ટાવર લોકેશનના આધારે તપાસ ચલાવાઈ રહી છે.
ક્રેડિટ બુલ્સ કંપનીની રાજકોટ બ્રાન્ચે પણ તાળા : રાજકોટના પણ અનેક રોકાણકારોના કરોડો ફસાયા
જામનગરની ક્રેડિટ બુલ્સ નામની કંપનીની એક ઓફિસ રાજકોટના નાના મૌવા સર્કલ પાસે આર કે પ્રાઈમમાં પાંચમા માળે આવેલી હતુ જ્યાં પણ હાલ તાળા મરેલા જોવા મળે છે. ક્રેડિટ બુલ્સ સાથે જોડાયેલાઓ ફરાર થઈ ગયેલા આરોપીઓના મોબાઇલ ફોન કે જે સ્વીચ ઓફ થઈ ગયા હોવાથી તેના ટાવર લોકેશનના આધારે તેમજ તેઓએ છેલ્લે કોની સાથે વાતચીત અથવા વોટ્સએપ ચેટ કોલિંગ વગેરે માધ્યમથી વાતચીત કરી છે, તેની કોલ ડીટેઇલ કઢાવીને તપાસનો દોર તે દિશામાં પણ આગળ ધપાવવામાં આવી રહ્યો છે.