મિલકતની રિવાઈઝ આકારણી કરવા કોઈ જ એન્જિનિયર ન આવ્યા હોવાની સ્પષ્ટતા: અવારનવાર નોટિસ ફટકારતા મનપા તંત્ર સામે રહેવાસીઓનો રોષ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
શહેરના કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ રોડ પર આવેલા શશિ કોમ્પલેક્ષ સહિતના તમામ ફલેટધારકોને મનપાની ટેકસ સેન્ટ્રલ ઝોન શાખા દ્વારા ટેક્ષ રિવાઈઝ આકારણી બાબતના ડોક્યુમેન્ટ પૂરા પાડવા અંગેની નોટીસ ફટકારવામાં આવી છે અને નોટીસમાં જણાવ્યા મુજબ વોર્ડ નં. 14ના એન્જિનિયર શશિ કોમ્પલેક્ષમાં માપણી અર્થે મોકલવામાં આવ્યા હતા અને 9 ફલેટ પૈકીના અમુક મિલકત ધારકોએ માપણી કરવા દેવાનો ઈન્કાર કર્યો છે તેવું જણાવ્યું છે પરંતુ આ વાત તદ્દન ખોટી છે તેમજ કોઈ એન્જિનિયર ફલેટ પર માપણી કરવા ગયા જ નથી તેવું ફલેટધારકોનું કહેવું છે.
- Advertisement -
વધુમાં ફ્લેટધારકોએ જણાવ્યું હતું કે અવારનવાર આ અંગે રજૂઆત કરતા મનપા કચેરીએ જતાં ત્યાંના અધિકારીઓ પણ હાજર હોતા નથી જેના કારણે ફલેટધારકો રજૂઆત કરે તો કોને કરે?ની સ્થિતિ સર્જાય છે. એટલું જ નહીં પરંતુ મનપાની ટેકસ સેન્ટ્રલ ઝોન શાખા દ્વારા નોટીસ તા. 29-2ના રોજ પોસ્ટ કરવામાં આવી હતી જે ફ્લેટધારકોને તા. 3 માર્ચના રોજ મળી છે. તો ત્રણ દિવસ મોડી નોટીસ મળતા અવારનવાર મનપા તંત્ર દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ રહેવાસીઓ કરી રહ્યા છે.
નોટીસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મિલકત વેરાની વેરા પાવતી અને દસ્તાવેજની ઝેરોક્ષ વોર્ડ ઓફીસે ત્રણ દિવસમાં રજૂ કરો અન્યથા કોર્પોરેશન દ્વારા કાર્પેટ એરિયા આકારણી નિયમોનુસાર મિલકતની રિવાઈઝ આકારણી કરવામાં આવશે ત્યારબાદ ફ્લેટધારકો કોઈ વાંધાઅરજી કરી શકશે નહીં પરંતુ ફલેટધારકોને નોટીસ જ સમયસર મળી નથી અને કોઈ પણ એન્જિનિયર ત્યાં માપણી અર્થે પણ આવ્યા નથી તેવું ફલેટધારકોનું કહેવું છે ત્યારે આ અંગે યોગ્ય કરવા ફ્લેટધારકોએ તર્ંત્રના અધિકારીઓને રજૂઆત કરી છે.