ખાસ-ખબર સંવાદદાતા
રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વન વિભાગ દ્વારા સિંહોને બચાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમા રાજુલાના 15 જેટલા ગામડાઓમા વન વિભાગે સિંહોની સુરક્ષા માટે લોકો સાથે બેઠક યોજી માહીતીગાર કરવામા આવી રહ્યાં છે. રાજુલા પીપાવાવ રેલવે ટ્રેક પર અવારનવાર સિંહોના અકસ્માતની ઘટના બને છે. જેમા સિંહો મૃત્યુ પણ પામે છે. ત્યારે રેલ્વે ટ્રેક પર સિંહોના મોત બાદ શેત્રુંજી ડિવિઝન વન વિભાગે લોકોને વિસ્તૃત માહિતી આપી સિંહોને બચાવવા અભિયાન હાથ ધરાયું છે. રાજુલા તાલુકાના 15 જેટલા ગામડાઓ ડુંગર, જીંજકા, ભેરાઇ, રામપરા,ઉચૈયા,કડીયાળી, બર્બટાણા,ચારોડિયા,વાવેરા, રીંગણયાળા, વડલી,છાપરી ડુંગરપરડા સહિતના ગામામો રાજુલા રેન્જ આર.એફ.ઓ યોગરાજસિંહ રાઠોડ, ઇન્ચાર્જ એસીએફ જી.એલ.વાઘેલા સહીત અધિકારીઓ દ્વારા ગામડાના ખેડૂતો અને સ્થાનિક લોકોને જાગૃત કરવા બેઠકનું આયોજન કરવામા આવ્યું હતું. જેમા સિહોની સુરક્ષા માટે વિસ્તૃત માહીતીઓ તેમજ પત્રિકાઓ મારફતે તમામ ઓફિસરો અને ફિલ્ડમાં કામ કરતા કર્મચારીઓના નંબર જાહેર કરવામાં આવ્યાં હતાં. સિંહો રેલ્વે ટ્રેક પર પહોંચે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા વન વિભાગે ગ્રામજનોને અપીલ કરાઇ હતી. અને સિંહોને બચાવવા હાલ વન વિભાગે અભિયાન ચાલુ કર્યું છે. ત્યારે ખેડૂતો અને સ્થાનિકોએ પણ આ અભિયાનમાં જોડાય સમર્થન આપ્યું હતું.