યાદીમાં કોઈ ચીની નાગરિક નથી: દેશ છોડવાની અંતિમ તારીખનું એલાન નથી કરાયું
ખાસ-ખબર સંવાદદાતા
ગેરકાયદેસર રીતે વેપાર કરવાના આરોપમાં માલદીવ 43 ભારતીયો સહિત 186 વિદેશી નાગરિકોને દેશમાંથી કાઢી મૂકશે. આ 186 વિદેશી નાગરિકોના દેશનિકાલનો આદેશ જારી કરી દેવામાં આવ્યો છે. આ તમામ નાગરિકો પર માલદીવમાં અલગ-અલગ અપરાધોમાં સંકળાયેલા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ખાસ કરીને તમામને ગેરકાયદેસર રીતે વેપાર કરવાના આરોપી ગણાવ્યા છે. માલદીવના ગૃહમંત્રાલયનો દાવો છે કે, આ વિદેશી લોકો સ્થાનિક લોકોના નામ પર વેપાર કરી રહ્યા છે પરંતુ પૈસા પોતાના ખાતામાં જમા કરાવી રહ્યા છે.
માલદીવના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી જાહેર માહિતી પ્રમાણે 12 દેશોના કુલ 186 નાગરિકોને દેશમાંથી કાઢી મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાંથી સૌથી વધુ 83 બાંગ્લાદેશી નાગરિકો છે. બીજા ક્રમે 43 ભારતીય છે. ત્યારબાદ ત્રીજા સ્થાને 25 શ્રીલંકન અને ચોથા સ્થાન પર 8 નેપાળી નાગરિકો છે. રસપ્રદ વાત એ છે કે આ યાદીમાં કોઈ ચીની નાગરિક નથી. જો કે, હાલમાં તેમના દેશ છોડવાની છેલ્લી તારીખ વિશે કોઈ માહિતી આપવામાં નથી આવી.
માલદીવમાંથી વિદેશીઓના દેશનિકાલ મામલે ઈમિગ્રેશન કંટ્રોલર શમાં વહીદે જણાવ્યું કે, ગેરકાયદેસર વેપાર કરતા વિદેશીઓને શોધવા માટે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. અત્યાર સુધીમાં ઘણા લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે જેમની પાસે માન્ય દસ્તાવેજો અને પાસપોર્ટ છે અને તેમને દેશમાંથી કાઢી મૂકવામાં આવશે. શમાંએ કહ્યું કે ઈમિગ્રેશન અને પોલીસનું આ અભિયાન કોઈ ચોક્કસ સમૂહ વિરુદ્ધ નથી.
માલદીવ સરકારે જણાવ્યું છે કે, દેશમાં ચાલતા તમામ ગેરકાયદેસર વેપાર બંધ કરી દેવામાં આવશે. માલદીવના ગૃહમંત્રી અલી ઈહુસાને કહ્યું કે આ નિર્ણય ડિસેમ્બર 2021માં લાવવામાં આવેલા કાયદા હેઠળ લેવામાં આવ્યો છે. તાજેતરમાં જ માલદીવ સરકારના ત્રણ મંત્રીઓએ ભારત અને પીએમ મોદી પર અપમાનજનક નિવેદનો આપ્યા હતા અને ત્યારબાદથી બંને દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે.