કિન્નર આચાર્યની તડાફડી : નિતનવા વિષયો પરનાં રોચક લેખોનો ગુલદસ્તો
પુસ્તક પ્રકાશિત થતા જ ‘કિન્નર આચાર્યની તડાફડી’એ વાંચકવર્ગમાં ધૂમધડાકા મચાવ્યા
લેખક-પત્રકાર કિન્નર આચાર્યનું નવું પુસ્તક ‘કિન્નર આચાર્યની તડાફડી’ આવી ચૂક્યું છે પ્રકાશક યોગેશ ચોલેરા (કે બૂક્સ)એ લેખક-પત્રકાર કિન્નર આચાર્યનાં સોશિયલ મીડિયા પર ન પ્રસિદ્ધ કરેલા તરોતાજા લેખો જ સમાવિષ્ટ કરેલા છે, જે આ પુસ્તકનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે
પુસ્તક : કિન્નર આચાર્યની તડાફડી
લેખક : કિન્નર આચાર્ય
પાનાં : 192
કિંમત : રૂ. 200
પ્રકાશક : કે બૂક્સ (યોગેશ ચોલેરા)
પ્રાપ્તિસ્થાન : 1) કે. બુક્સ, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન નજીક, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ
(2) રાજેશ બુક્સ શોપ, લોધાવાડ ચોક અને યાજ્ઞિક રોડ, રાજકોટ
(3) યુ. એન. બુક વર્લ્ડ, મોડર્ન ફાસ્ટફૂડ નજીક, યુનિવર્સીટી રોડ, રાજકોટ
- Advertisement -
મહા-ભારતની રામાયણ, રંગ છલકે અને રંગ છલકે અગેઈન પછી લેખક-પત્રકાર કિન્નર આચાર્યનું વધુ એક નવતર પુસ્તક આવી ચૂક્યું છે જેનું નામ છે – કિન્નર આચાર્યની તડાફડી. તાજેતરમાં જ પ્રકાશિત થનાર આ પુસ્તકે ગુજરાતી વાંચકોથી લઈને વિવેચકો સુધીનું ધ્યાન આકર્ષિત કર્યું છે. કિન્નર આચાર્યનાં આકર્ષક વ્યક્તિત્વ અને અલાયદા લેખનશૈલીનાં પ્રતિબિંબ સમા આ પુસ્તકમાં 40 જેટલા લેખો સમાવવામાં આવ્યા છે. જેમાં દેશી – વિદેશી ખાનપાનથી લઈ સૂરીલા સંગીતનાં દાયકા વિશેની રસપ્રદ વાતો, રામાયણથી લઈ મંદિરો – મસ્જીદો – ચર્ચોની અજાણી વાતો-પ્રસંગો, આયુર્વેદથી લઈ એલોપથીની ગુપ્ત માહિતી, ધર્મ – સાહિત્ય – ભાષા – શબ્દોથી લઈ શરદ જોશી – હસમુખ ગાંધી જેવા સર્જકોની અલપઝપલ, પુરુષોની તરફેણથી લઈ સ્ત્રીઓ અંગેની બોલ્ડ-બેબાક બાબતો, સંબંધોથી લઈ સોશિયલ મીડિયાની માથાકૂટો, હાસ્ય – વ્યંગ – કટાક્ષ – સલાહો સાથે પેરેનિ્ંટગથી લઈ પ્રેસ – મીડિયા અને પોલીસખાતા જેવા અનેકવિધ વિષયોનો સમાવેશ થાય છે. આટલું વિષયવૈવિધ્ય ધરાવતું આ ગુજરાતી ભાષાનું કદાચ પ્રથમ પુસ્તક હશે. આ પુસ્તકની વિશિષ્ટ વાત છે, કેરળ ડાયરી. કેરળ ડાયરી એ આ પુસ્તકનો આત્મા છે. આ પુસ્તકનાં લેખક કિન્નર આચાર્ય પોતાની પ્રસ્તાવનામાં પણ એ વાત લખી ચૂક્યા છે કે, ’હું છાતી ઠોકીને કહું છું, એ સીરિઝ વાંચશો તો તમને લાગશે કે કેરળ અંગે તમે કશું જાણતા નથી.’
કિન્નર આચાર્ય એટલે રાજકીય વિશ્લેષક એવી એક ઓળખ ઉભી થઈ ગઈ છે. કિન્નર આચાર્ય રાજકરણ સિવાયનાં વિષયો પર લખતા નથી એવી એક માન્યતા જન્મી ચૂકી છે. કિન્નર આચાર્ય એટલે પોલિટિકલ પર્સન એવી એક સમજણ વિકસી ગઈ છે. વાંચકોને મન કિન્નર આચાર્ય એટલે જમણેરી લેખક. પણ ના, એવું નથી. ’હૈ ઔર ભી ચીઝે જમાને મેં : નો પોલિટિક્સ પ્લીઝ’ એવું કિન્નર આચાર્ય પોતાના પુસ્તકની પ્રસ્તાવનામાં મથાળું બાંધી લખે છે કે, ’કેટલાંક વાંચકોને એવો ભ્રમ છે કે, કિન્નર આચાર્ય રાજકરણ પર ખૂબ લખે છે. એ વાત સાચી પરંતુ એ સિવાય અન્ય અનેક વિષયો પર પણ હું સતત લખતો રહું છું.’ સત્ય છે, કિન્નર આચાર્યનાં રાજકરણ પરનાં લેખો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થાય છે એટલે લોકો એવું જ સમજે છે કે કિન્નર આચાર્ય માત્ર રાજકરણ પર જ લખે છે. લેકિન, ક્ધિતુ, પરંતુ રાજકરણ સિવાયનાં વિષયો પર લખેલા લેખો તેઓ ક્યારેય સોશિયલ મીડિયામાં મૂકતા નથી. વિવિધ અખબારોમાં આવતી તેમની કોલમનાં આર્ટિકલ પણ તેઓ ક્યારેય કશે શેઅર કરતા નથી. અને એટલે જ આ પુસ્તકમાં પ્રકાશક યોગેશ ચોલેરા (કે બૂક્સ)એ લેખક-પત્રકાર કિન્નર આચાર્યનાં સોશિયલ મીડિયા પર ન પ્રસિદ્ધ કરેલા તરોતાજા લેખો જ સમાવિષ્ટ કરેલા છે. જે આ પુસ્તકનો સૌથી મોટો પ્લસ પોઈંટ છે.
વિષય વૈવિધ્યની તડાફડી સાથે એકથી એક ચઢીયાતા આર્ટિકલની આતિશબાજી એટલે ’કિન્નર આચાર્યની તડાફડી’ પુસ્તક. આ પુસ્તકે પ્રકાશિત થતાવેંત જ વાંચકવર્ગમાં ધૂમધડાકા મચાવ્યા છે. લોકોને આ પુસ્તક પસંદ પડી રહ્યું છે. ’કિન્નર આચાર્યની તડાફડી’ પુસ્તકનાં તમામ લેખોમાં લેખક-પત્રકાર કિન્નર આચાર્યનું શોધ-સંશોધન ઉડીને આંખે વળગે છે. તેમના ગીત – સંગીત, વેબસીરિઝ સહીત ખાવા – પીવા – ફરવાના તથા સમાજને અને સંબંધોનાં તાણાવાણાને માઈક્રોસ્કોપમાં મૂકીને જોવાના શોખની માહિતી મળે છે. આજીવન વિપરીત પરિસ્થિતિઓમાં સામા પ્રવાહે તરી મેળવેલ જ્ઞાન અનુભવી શકાય છે.
– ભવ્ય રાવલ
- Advertisement -
કિન્નર આચાર્ય લેખક નથી! એ તો તોપચી છે
કિન્નર આચાર્ય લેખક નથી! એ તો તોપચી છે. એમનું કામ છે ભડાકે દેવાનું! ફરક માત્ર એટલો કે તોપને બદલે કલમ-કિબોર્ડમાંથી બારૂદનાં ગોળાને બદલે શબ્દોનાં તીર છૂટે.. પણ બંનેની અસર લગભગ સરખી જ થાય! કિન્નર આચાર્ય કશું જ છૂપાવ્યા વગર બેબાક લખે, સ્ટેન્ડ લઈને લખે, શબ્દો ચોર્યા વગર લખે, છોલી નાંખે, તોડી નાંખે, ભૂક્કા બોલાવી દે એવું લખે છે. કિન્નર આચાર્યની તડાફડી પુસ્તકમાં કિન્નર આચાર્યએ લખેલા લેખોમાંથી વિવિધ વિષયો પરનાં આવાં જ શ્રેષ્ઠ લેખોનું ચયન કરી સમાવવામાં આવ્યાં છે.
‘કિન્નર આચાર્યની તડાફડી’ પુસ્તકમાં લેખક ‘અલ્પશ્રુત અને અતિવક્તા: ચૂપ મરવાનો એક અવસર પણ ગુમાવશો નહીં!’ નામનાં લેખમાં લખે છે કે, ‘ગૌતમબુદ્ધે અલ્પશ્રુત નામનો એક અદ્દભુત શબ્દ આપ્યો છે. અલ્પશ્રુત કોણ છે? જે સાંભળતો નથી. અલ્પશ્રુત એટલે બધિર નહીં, અલ્પશ્રુત એ છે જે સાંભળવાની કળા શીખ્યો નથી. જ્ઞાનનો સમગ્ર પ્રાદુર્ભાવ શ્રવણ કળાથી થાય છે. જે સાંભળતો નથી, એ મૂઢ છે, અચેતન છે. જ્ઞાનનાં ક્યાંય ઢગલાં ખડકાયાં નથી કે આપણે મુઠ્ઠી ભરીને ઝોંટી લઈએ, એ ક્યાંય વેંચાતુ કે ભાડે મળતું નથી, તેનાં કોઈ ઈન્જેકશન આવતા નથી. જ્ઞાન-પ્રજ્ઞાનું પ્રવેશદ્વાર મોં નથી, આંખ-કાન છે. તીર્થંકર મહાવીરે તો શ્રાવક નામનો અદ્વિતિય શબ્દ પણ આપ્યો છે.’ આટલું ગહન જ્ઞાન પોતાના પુસ્તકમાં લખનાર લેખક ’કૂકિંગ અને રેસિપી: ઘરનો આત્મા રસોડું છે!’ નામનાં લેખમાં લખે છે કે, ‘સ્વાદરસિયા એટલે ખાઉધરા નહીં, અકરાંતિયા પણ નહીં. સ્વાદરસિયા એટલે એવી વ્યક્તિ જે સ્વાદિષ્ટ ભોજન કરવાનું ક્યારેય ચૂકતી નથી. બ્રેકફાસ્ટથી લઈને ડિનર સુધીનાં દરેક ભોજનમાં જે સ્વાદ શોધે છે અને તેમાં સમાધાનો સ્વીકારતી નથી. કૂકિંગ કરતાં બહેતર કોઈ કળા નથી. તમે અને હું નરી આંખે પ્રેમ ભાળી શકતા નથી પરંતુ સારી ડિશ એ પ્રેમનું દૃશ્યમાન સ્વરૂપ છે. જોઈ શકાય તેવો પ્રેમ એટલે ફૂડ. પ્રેમનું ખાદ્યસ્વરૂપ એટલે ફૂડ.’
‘કિન્નર આચાર્યની તડાફડી’ પુસ્તકનાં એક લેખ ’નોસ્ટાલ્જિયા અને વર્તમાન: જો ભી હૈ બસ યહી એક પલ હૈ…’માં લેખક લખે છે કે, ’નોસ્ટાલ્જિયામાં એક ગજબનાક કિક હોય છે. નોસ્ટાલ્જિયા ખરાબ બાબત નથી. પરંતુ વધુ મહત્ત્વપૂર્ણ છે, વર્તમાન. જરા યાદ કરો, જે યાદોને વાગોળીને આપણે ભાવવિભોર થઈ જઈએ છીએ, એ ક્ષણોને આપણે ત્યારે શું મન ભરીને માણી હતી?’ એવું કહી ભૂતકાળનાં સંસ્મરણોની ગજબનાક દુનિયાની શાબ્દિક સફર કરાવનાર લેખક અન્ય એક લેખમાં લખે છે કે, ’અદાણી અંબાણી ખલનાયક નથી, એલિયન પણ નથી! મહારાણા પ્રતાપ અને ભામાશાનું ઉદાહરણ જાણીતું જ છે. ઈતિહાસમાં આવા અગણિત દાખલાઓ જોવા મળશે. ઉદ્યોગપતિઓ આપણાં સમાજનું મહત્ત્વનું અંગ છે, એ દરેક યુગમાં સ્વીકૃત બાબત રહી છે. જેમ કિસાનો, જવાનોનો આ દેશનાં વિકાસમાં મહત્ત્વપૂર્ણ રોલ છે, તેવી જ રીતે ઉદ્યોગકારોની પણ બહુ મોટી ભૂમિકા છે. તેઓ કોઈ ખલનાયક નથી, જેમ કિસાનોની અને નોકરિયાતોની પોતાની તકલીફો હોય છે અને એ દૂર કરવા માટેની માંગ હોય છે તેમ ઉદ્યોગકારોની આગવી સમસ્યાઓ અને માંગ હોય છે.’
જ્ઞાન-વિજ્ઞાન, કુકિંગ, રેસિપી, બિઝનેસથી લઈ આગળ જતા પુરુષોની તરફેણ કરતા વિવિધ લેખોમાંથી ’દોરી પર ચાલતાં સંતુલન જાળવવા મથતો પુરુષ!’ નામનાં લેખમાં લેખક લખે છે કે, ‘પુરુષ જો પત્ની તરફ ઢળે તો તેના પર બૈરીઘેલોનું સ્ટિકર ચોંટાડી દેવામાં આવે છે અને મા તરફ ઝૂકે તો એ માવડિયો ગણાય જાય છે. દુનિયાની નજરે એ ક્યારેય ન્યુટ્રલ હોતો નથી. અંતરથી કે અંદરથી કદાચ એ તટસ્થ હોય તો પણ લોકો તેની તટસ્થતા સ્વીકારવા જલદી તૈયાર થતા નથી. પુરુષની ભૂમિકા પેલા દોરડા પર ચાલતા, હાથમાં ડંગોરો લઈ સંતુલન સાધતા બાળક જેવી હોય છે. ઘણાં આ ખેલ કરી શકે છે, અનેક તો ઊંધે કાંધ પટકાય છે. તેને માતાની અકોણાઈ વિશે જાણ હોય છે અને પત્નીની આડોડાઈ અંગે પણ ખબર હોય છે.’
આ સિવાય ‘કિન્નર આચાર્યની તડાફડી’ પુસ્તકમાં કિન્નર આચાર્યની કલમે લખાયેલા ‘વ્યંગનાં બાણ આટલાં મીઠાં કેમ લાગે?’, ’સોશિયલ મીડિયા: મોડર્ન પુલિસિંગ અને ટ્રેડિશનલ પુલિસિંગ’, ‘સ્ત્રી સશક્તિકરણ અને લીગલ ટેરરિઝમ!’, ‘પહેલો પુરુષ એકવચન અને નૌતમલાલ: પ્રિન્ટ મીડિયા વર્સીસ સોશિયલ મીડિયા’, ‘નૌતમલાલ રિટર્ન્સ: અસ્મિતા પર્વનાં મંચને નોબલ પ્રાઈઝનું સ્ટેજ માનતો ગુજરાતી સર્જક’ જેવા બીજા કેટલાંક લેખો પણ વાંચવા-માણવા જેવા છે. બેશક કહી શકાય કે, જે પ્રકારે કિન્નર આચાર્યનું લખાણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે તે પ્રકારે સમગ્ર સમાજમાં ’કિન્નર આચાર્યની તડાફડી’ પુસ્તક વાયરલ થશે. કારણ છે, અનેક અખબારો – સામયિકોમાં નિયમિત કટારો લખનાર કિન્નર આચાર્યએ આ પુસ્તકમાં કરેલું ઓલરાઉન્ડર પરફોરમન્સ. તેમણે જે રીતે ડઝનબંધ વિષયો પર સહજતાથી લેખો લખ્યા છે તે તેમની વિવિધ વિષયો પરની હથોટીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ પુસ્તકનાં લેખક-પત્રકાર કિન્નર આચાર્યનું નામ ગુજરાતનાં – ગુજરાતીનાં વાંચકો માટે અજાણ્યું નથી. અધૂરામાં પૂરું કિન્નર આચાર્ય બહોળો વાંચકવર્ગ ધરાવે છે અને તેમનો ચાહકવર્ગ પણ નાનો નથી. તેથી જ કોરોનાકાળમાં આ પુસ્તક મેન્ટલ ઈમ્યુનિટી બુસ્ટરનું કામ કરી સુપર ડુપર હિટ જશે. ’કિન્નર આચાર્યની તડાફડી’ પુસ્તક દરેક વાંચનપ્રેમી, શૈક્ષણિક સંસ્થા, ગ્રંથાલય તેમજ સાહિત્યનાં રસિકો અને પત્રકારત્વનાં વિદ્યાર્થીઓ તથા દેશ-દુનિયામાં વસતા તમામ ગુજરાતી પરિવારોએ વસાવવા, વાંચવા, વહેચવા જેવું છે.
‘હૈ ઔર ભી ચીઝેં જમાને મેં: નો પોલિટિક્સ પ્લીઝ’!
192 પાનાંના આ રસાળ પુસ્તકના શબ્દે-શબ્દે કિન્નરભાઈએ વાચકોને આપેલું વચન પાળ્યું છે
-પરખ ભટ્ટ
192 પાનાંના આ રસાળ પુસ્તકના શબ્દે-શબ્દે કિન્નરભાઈએ વાચકોને આપેલું વચન પાળ્યું છે
-પરખ ભટ્ટ
કિન્નરભાઈએ ‘સમકાલીન’નાં તત્કાલીન તંત્રી અને પત્રકારત્વ જગતના ભીષ્મ કહી શકાય એવા દિગ્ગજ હસમુખ ગાંધીને પેરોડી દ્વારા અંજલિ આપવાનો પ્રયાસ કર્યો છે તે એટલી હદ્દે રસપ્રદ છે કે હસી-હસીને પેટ દુ:ખવા માંડે!
મોટાભાગનાં લોકો કિન્નરભાઈને એમના રાજકીય વિશ્લેષણ અને વિવેચનથી વધુ ઓળખે છે. એમના નવા પુસ્તક ‘તડાફડી’ની પ્રસ્તાવનાનું શીર્ષક છે: ‘હૈ ઔર ભી ચીઝેં જમાને મેં: નો પોલિટિક્સ પ્લીઝ’! તેઓ આગળ જણાવે છે કે, ‘હું રાજકારણ પર ખૂબ લખું છું એ વાત સાચી, પરંતુ અન્ય અનેક વિષયો પર હું સતત લખતો રહું છું. મારી દુનિયા રાજકીય પક્ષો અને ચૂંટણીઓ પૂરતી સીમિત નથી. લગભગ 16 વર્ષની ઉંમરે મેં પ્રથમ વખત હિમાલયનો પ્રવાસ કર્યો. ગઢવાલનાં ચાર ધામની યાત્રા. એ પછી દર બે વર્ષે હિમાલય ગયો છું. કેરળ, યુરોપ અને પૂર્વ-પશ્ર્ચિમ ભારત ફર્યો છું.’
192 પાનાંના આ રસાળ પુસ્તકના શબ્દે-શબ્દે કિન્નરભાઈએ વાચકોને આપેલું વચન પાળ્યું છે. રાજકારણ સિવાયના વિષયો પર લખાયેલાં લેખો વાંચતી વેળા ક્યાંક એમની કલમ વેદના ઠાલવે છે, ક્યાંક પ્રવાસ કરાવે છે, કેટલીક જગ્યાએ ખડખડાટ હસી પડવાનું મન થાય છે તો ક્યાંક હૈયાફાટ રૂદન કરવાનું! એમની તીખી-તેજતર્રાર-તમતમતી-તેજાબી કલમ વાચકોને નવ રસની કોકટેલ વેલકમ-ડ્રિન્ક તરીકે નહીં, પણ મેઇન-કોર્ષ તરીકે પીરસે છે!
મારા માટે તો આ પુસ્તક એક પ્રકારનું સંદર્ભસાહિત્ય બન્યું. આવતાં મહિને એટલે કે જુલાઈ, 2021માં ‘મહા-અસુર શ્રેણી’ના બીજા ભાગ ‘નાગપાશ’ માટે કેરળ, તમિલનાડુ અને શ્રીલંકા જવાનું આયોજન છે, ત્યારે કિન્નરભાઈની ‘કેરળ ડાયરી’ના ચાર લેખોએ મને આગોતરો શબ્દ-પ્રવાસ કરાવી દીધો! હવે નિરાંત એ વાતની છે કે કેરળમાં ફરવાલાયક સ્થળો અને સંશોધન કરવાલાયક સ્થળોની આખી એક અલગ સૂચિ મારી પાસે તૈયાર થઈ ગઈ છે.કિન્નરભાઈના કેરળ-પ્રવાસમાં એમણે દક્ષિણ ભારતના મંદિરો, ત્યાંની પ્રકૃતિ, નિર્માણ-બાંધકામની શૈલી અને ભવ્યતાનો જે ઉલ્લેખ કર્યો છે એ વાંચીને નજર સામે કેરળના લીલાછમ ગિરિશિખરો અને કાચ જેવા ચોખ્ખા તળાવ-સરોવરોનું ચિત્ર ઉપસી આવ્યું.
‘ કિન્નર આચાર્યની તડાફડી’ની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ પ્રવાસ-વર્ણન વાંચવા ઇચ્છુક વાચકોથી શરૂ કરીને ખાવા-પીવાના શોખીન, અગોચર-અગમ્ય વિદ્યામાં વિશ્વાસ ધરાવનારા જિજ્ઞાસુઓ, રામાયણ-મહાભારતની કથાઓના ગર્ભિત અર્થો જાણવા માંગતા પિપાસુઓની ક્ષુધા શાંત કરે છે. મને ખૂબ ગમેલાં કેટલાક લેખોના શીર્ષક અહીં ટાંકી રહ્યો છું, જેના પરથી આપસૌ એની રસપ્રચૂરતાનો અંદાજ લગાવી શકશો:
(1) કૂકિંગ અને રેસિપી: ઘરનો આત્મા રસોડું છે!
(2) રામાયણની રામાયણ: ચંદ્રકેતુ, સુબાહુ, શત્રુઘાતી અને શાંતા કોણ હતા?
(3) અદાણી અંબાણી ખલનાયક નથી, એલિયન પણ નથી!
(4) ચોંસઠ કળાઓ, બત્રીસ લક્ષણો અને પુરૂષ બાપડો એક!
(5) કેરળ ડાયરી: પ્રકૃતિની ચોમેર મહેર અને ઈશ્વરનો પોતાનો મુલ્ક!
(6) અસ્સલ કલાકૃતિ અને તેની રેપ્લિકા: શો-કેસમાંના તાજના દર્શનાર્થે પર્યટકો નથી આવતા!
(7) પહેલો પુરૂષ એકવચન અને નૌતમલાલ: પ્રિન્ટ મીડિયા વર્સીસ સોશિયલ મીડિયા
ખાસ કરીને છેલ્લા બે લેખો, જેમાં કિન્નરભાઈએ ‘સમકાલીન’ના તત્કાલીન તંત્રી અને પત્રકારત્વ જગતના ભીષ્મ કહી શકાય એવા દિગ્ગજ હસમુખ ગાંધીને પેરોડી દ્વારા અંજલિ આપવાનો પ્રયાસ કર્યો છે તે એટલી હદ્દે રસપ્રદ છે કે હસી-હસીને પેટ દુ:ખવા માંડે! આવું શા માટે? એ પ્રશ્ર્નનો જવાબ આપવા માટે લેખનો ફક્ત નાનકડો અંશ અહીં પ્રસ્તુત છે:
આવો આવો… નૌતમલાલ. નૌતમલાલ પવનની ગતિએ કેબિનમાં ધસી આવ્યા. આજે એમણે બંને ગલોફામાં મઘઈ પાનના એક-એક જોટાં ભરાવ્યા હતાં, ત્રીજો જોટો છેક અન્નનળી નજીક રાખ્યો હતો. કેબિનમાં પ્રવેશતાં જ તેઓ બરાડ્યા: ધ વોર ઇઝ ઑન. મોઢામાં ખોસેલા ત્રણ-ત્રણ જોટાને કારણે એમનો અવાજ એકદમ ઘોઘરો લાગતો હતો. જાણે તેઓ નહીં પણ, મુલાયમસિંહ યાદવ બોલી રહ્યા હોય એવું લાગતું હતું. પગ પાસે પડેલી ડસ્ટબિનને ઉપાડી તેઓ પોતાના મોં નજીક લઈ ગયા. બંને ગલોફામાં રહેલા પાનનાં જોટાંને જીભ વડે હડસેલો મારી તેમણે ટોપલીમાં ઠાલવ્યા, ત્રીજો જોટો અન્નનળી આડેથી હટાવીને ડાબા ગલોફામાં ગોઠવી તેમણે આવનારી ચા પીવા માટે જગ્યા કરી. નૌતમલાલના બડકમદાર ફોલોરેસેન્ટ પર્પલ રંગના બુશશર્ટ પર પાનનાં રાતા ચટ્ટક રસના છાંટા ઉડ્યા હતાં.
નૌતમલાલ અને હસમુખ ગાંધીની આ પેરોડી-શ્રેણીનું પણ એક અલાયદું પુસ્તક આવવું જોઈએ, એવી વાચક તરીકે મારી પ્રેમભરી માંગ છે.
આ પુસ્તકમાં તમે એક એવા કિન્નરઆચાર્યને મળશો, જેને ઓળખવાનો પ્રયત્ન વાચકોએ કદી કર્યો જ નહોતો. વિવિધ વિષયો પર લખાયેલાં ચાલીસ લેખો એમની એક સાવ જુદી ઓળખ આપે છે. ‘તડાફડી’ના રસપ્રચૂર લેખસાગરમાં સતત તરતાં રહેવાનું અને મજા માણતાં રહેવાનું મન થયા રાખે. એમના જ શબ્દોમાં મારી વાતનું સમાપન કરું.
जो देखता हूं वही लिखने का आदी हूं
मैं अपने शहर का सबसे बडा फसादी हूं ।
‘કે બૂક્સ’ (યોગેશ ચોલેરા) દ્વારા પ્રકાશિત આ પુસ્તકની ભેટ બદલ મારે કિન્નરભાઈનો ખાસ આભાર વ્યક્ત કરવો પડે, કારણકે હવે ‘તડાફડી’ એ ‘મહા-અસુર શ્રેણી’ના સંદર્ભસાહિત્યનો એક મહત્વનો ભાગ બની ચૂક્યું છે. એક જ દિવસમાં સળંગ એકીબેઠકે વાંચીને વાંચનતૃષા સંતોષવાનો આ લ્હાવો ચૂકવા જેવો નથી.