ભક્તિનગર પોલીસે 2.61 લાખનો દારૂ ભરેલા ટ્રક સાથે બુટલેગરની કરી ધરપકડ
પ્ર.નગર પોલીસે 2 લાખના દારૂ સાથે રેલનગરની બેલડીને પકડી લીધી
ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે પોલીસ સઘન પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે ભક્તિનગર પોલીસે 2.61 લાખના દારૂ સાથે લિસ્ટેડ બુટલેગરને અને પ્રનગર પોલીસે 2 લાખ 4 હજારના દારૂની ડિલિવરી દેવા આવેલ બે શખ્સોને દબોચી લઈ મુદામાલ કબજે કરી અન્ય બેની શોધખોળ હાથ ધરી છે. રાજકોટમાં દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવાની પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવની સૂચના અન્વયે ભક્તિનાગર પીઆઈ એમ એમ સરવૈયા, નિલેશભાઈ મકવાણા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે હુડકો ચોકડી પાસે માધવ પાર્કિંગ પ્લોટમાં દરોડો પાડી બાતમીવાળો ટ્રક મળી આવતા જડતી લેતા તેમાંથી 2.61 લાખની કિમતનો દારૂ મળી આવતા ટ્રકમાં બેઠેલા રેલનગરના આરકે પાર્કમાં રહેતા કુખ્યાત બુટલેગર જયદીપ દીપકભાઈ લહેરુંની ધરપકડ કરી દારૂ, ટ્રક, મોબાઈલ સહિત 10.71 લાખનો મુદામાલ કબજે કર્યો હતો જ્યારે પ્રનગર પીઆઈ હરિપરા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચૌધરી ચોક નજીક સોમનાથ ટ્રાવેલ્સવાળી શેરીમાં દરગાહ પાસે દરોડો પાડી 2 લાખનો દારૂ માલવાહક વાહનમાં ભરી ડિલિવરી દેવા આવેલા રેલનગર મહારાણા પ્રતાપ ટાઉનશીપના પ્રફુલ રવજીભાઈ બારૈયા અને દેવાંગ પુનાભાઈ પરમારને ઝડપી લઈ દારૂ, વાહન, મોબાઈલ સહિત 4,89,850 રૂપિયાનો મુદામાલ કબજે કર્યો હતો પ્રાથમિક પૂછતાછમાં મુંબઈથી દારૂના પાર્સલ ટ્રાન્સપોર્ટમાં મંગાવ્યા હોય અને પોતે માત્ર કુવાડવા પાસેથી ડિલિવરી લઈને આપવા આવ્યા હોય આ દારૂ રેલનગરના ધર્મેશપૂરી કેતનપૂરી ગોસ્વામી અને જગદીશ રાજેશભાઈ તાનીયાને આપવાનો હોવાની કબૂલાત આપતા પોલીસે તે બંને વિરુધ્ધ પણ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.