ગૃહમાં ગુજરાત રાજ્ય અન્ન આયોગનો વર્ષ 2022-23નો અહેવાલ રજૂ કરાયો, દુકાનો સમસયસર ખૂલતી નથી, ગુણવત્તા સામે પણ સવાલ
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભા ગૃહમાં ગુજરાત રાજ્ય અન્ન આયોગનો વર્ષ 2022-23નો અહેવાલ રજૂ કરાયો છે, અહેવાલ અનુસાર, અન્ન આયોગને તા. 1-4-2022થી 31-03-2023 સુધીમાં વાજબી ભાવની દુકાનેથી અનાજનો પૂરતો જથ્થો નહિ મળવા, અનાજ ગુણવત્તાસભર ન હોવાના સહિતની અલગ અલગ કુલ 934 ફરિયાદો મળી છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે, જે અરજી કે ફરિયાદો મળી હતી તેવા કિસ્સામાં હકારાત્મક નિકાલ કરાયો છે.
ગુજરાત રાજ્ય અન્ન આયોગને જે ફરિયાદો મળી છે તેમાં વાજબી ભાવની દુકાનો સમયસર ખૂલતી ન હોવા સંદર્ભે, દુકાનના સંચાલક દ્વારા સિસ્ટમ જનરેટ રસીદ લાભાર્થીઓને અપાતી નથી, આ ઉપરાંત સરકારી ગોડાઉનમાંથી અનાજ સગેવગે થવાની, પીએમ પોષણ યોજના તથા આંગણવાડી કેન્દ્રોના લાભાર્થીઓ દ્વારા કેટલીક ફરિયાદો આયોગને મોકલવામાં આવી હતી, આવા કિસ્સામાં આયોગે જિલ્લા કક્ષાએ ફરિયાદ નિવારણ અધિકારી પાસેથી
અહેવાલો મેળવ્યા હતા.
અન્ન આયોગને સૌથી વધુ 117 ફરિયાદો અમરેલી જિલ્લામાંથી મળી છે, એ જ રીતે આણંદ જિલ્લામાંથી 98, સુરતમાંથી 47, સુરેન્દ્રનગરમાં 37, વડોદરા 40, રાજકોટમાં 54, સાબરકાંઠા 19, નવસારીમાં 19, મહેસાણા 18, ખેડામાં 23, કચ્છમાં 51, ગાંધીનગરમાં 44, દેવભૂમિ દ્વારકામાં 22, દાહોદ અને છોટાઉદેપુરમાં 16-16, ભાવનગરમાં 38, બોટાદમાં 29 ફરિયાદો મળી હતી.