સૌથી વધુ મોરબી તાલુકામાં 23.72 ઈંચ, સૌથી ઓછો હળવદ તાલુકામાં 14.04 ઈંચ વરસાદ વરસ્યો
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લામાં જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન થયેલા સાર્વત્રિક વરસાદના પગલે ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહ્યું છે. મોરબી જીલ્લામાં અત્યાર સુધીમાં 82.86 ટકા સાથે કુલ 91 ઈંચ વરસાદ વરસી ગયો છે. જુલાઈમાં વરસાદ ધમધોકાર વરસી પડ્યો હતો. વરસાદની સ્થિતિ તાલુકા મુજબ જોઈએ તો સૌથી વધુ મોરબી તાલુકામાં 23.72 ઈંચ જ્યારે હળવદ તાલુકામાં સૌથી ઓછો 14.04 ઈંચ વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે મોરબી જીલ્લાના જળાશયોમાં પાણીની આવક થઈ છે જેના પગલે આગામી મહિનાઓ સુધી સિંચાઈ અને પીવાના પાણીની ચિંતા દૂર થઈ છે. મોરબી જીલ્લા પર આ વર્ષે મેઘરાજા મહેરબાન હોય તેમ સમયસર વરસાદની પધરામણી થઈ હતી. જૂન મહિનામાં થોડો વરસાદ ખેંચાયા બાદ જુલાઈ અને ઓગસ્ટમાં બાકી રહેલી કસર મેઘરાજાએ પૂરી કરી દીધી હતી.
- Advertisement -
મોરબી જીલ્લામાં તારીખ 20 ઓગસ્ટ સુધીમાં કુલ 2281 મીમી એટલે કે 91 ઈંચ વરસાદ થયો હતો જયારે સરેરાશ વરસાદ જોઈએ તો 456 મીમી એટલે કે 18 ઈંચ જેટલો વરસાદ થયો છે. તાલુકા મુજબ સૌથી વધુ વરસાદ મોરબી તાલુકામાં 632 મીમી એટલે કે 93.82 ટકા વરસાદ થયો છે જયારે અન્ય તાલુકાની સ્થિતિ જોઈએ તો ટંકારામાં 559 મીમી એટલે કે 88.44 ટકા, માળીયા મિંયાણામાં 388 મીમી એટલે કે 78.90 ટકા, વાંકાનેરમાં 72.97 ટકા સાથે 390 મીમી જયારે હળવદમાં પણ 72.97 ટકા સાથે 351 મીમી વરસાદ વરસી ગયો હતો.