ટંકારા પાસે આંગડિયા પેઢીના માલિકની કારને ટક્કર મારી રોકડ ભરેલા થેલા લૂંટ્યા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.22
- Advertisement -
મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારા નજીક ખજુરા હોટલ પાસે એક મોટી લૂંટની ઘટના સામે આવી છે. રાજકોટથી મોરબી તરફ જતી આંગડિયા પેઢીના માલિકની કાર પર હુમલો કરી લૂંટારાઓએ 90 લાખની લૂંટ કરી છે.
રાજકોટના ટીટેનિયમ એન્ટરપ્રાઇસના માલિક નિલેષભાઇ ભાલોડી 21 મેએ બપોરે ત્રણ વાગ્યાના સુમારે રાજકોટની બેંકમાંથી રોકડ રકમ લઈને મોરબી તરફ જઈ રહ્યા હતા. તેમની સાથે ડ્રાઈવર જયસુખભાઈ ફેફર હતા. મીતાણા નજીકથી બે અલગ-અલગ કારમાં આવેલા લૂંટારાઓએ તેમની કારને રોકવાનો પ્રયાસ કર્યો. ડ્રાઈવરે કાર ન રોકતા લૂંટારાઓએ બલેનો કાર વડે ટક્કર મારી હતી. આ ટક્કરના કારણે ફરિયાદીની કાર ખજુરા હોટલના પાર્કિંગમાં જઈને અટકી હતી અને તેના ચારેય ટાયર તૂટી ગયા હતા. ત્યાર બાદ નંબર પ્લેટ વગરની પોલો કારમાં આવેલા લૂંટારાઓએ હાથમાં ધોકા સાથે ફરિયાદી અને
ડ્રાઈવરને કારમાંથી ઉતાર્યા હતા. લૂંટારાઓએ કારમાંથી રોકડ રકમ ભરેલા થેલા લૂંટી લીધા હતા. પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી હતી અને સાત પૈકી બે આરોપીને ઝડપી લીધા છે. ટંકારા પોલીસે આંગડિયા પેઢીના માલિકની ફરિયાદના આધારે પાંચથી સાત અજાણ્યા શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 90 લાખની લૂંટ ફરિયાદીએ લખાવેલી ફરિયાદ મુજબ, એક થેલામાં 50 લાખ અને બીજા થેલામાં 40 લાખ આમ કુલ મળીને 90 લાખની રોકડ લૂંટ થઇ છે.
- Advertisement -
લૂંટારાઓ ટંકારાથી ધ્રોલ તરફ જવાના રસ્તે પોલો ગાડી લઈને ભાગી ગયા હતા, જેથી જિલ્લામાં નાકાબંધી કરાવવામાં આવી હતી. પોલીસે આરોપીઓને બે બાજુથી ઘેરી લીધા હતા. જેમાં સામેની બાજુથી ધ્રોલ પોલીસે તો પાછળની બાજુથી ડીવાયએસપી ટંકારા પોલીસે ઘેર્યા હતા. તો એલસીબી પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી.
લૂંટારાઓને રોકવા માટે ડીવાયએસપી સમીર સારડા દ્વારા હવામાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું, જેથી લૂંટ કરીને ભાગેલા શખસો પૈકીનાં બે શખસ પોલીસની હાથવેંતમાં આવી ગયા છે અને તેની પાસેથી કેટલીક રોકડ રકમ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવે છે. પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા ડીવાયએસપી સમીર સારડાએ જણાવ્યું હતું કે, હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલી ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખસોની સામે ગુનો નોંધીને લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટ હાઇવે ઉપર કારને આંતરીને ધોળા દિવસે કરવામાં આવેલી લૂંટના બનાવના આરોપીઓ પૈકી બે શખસ તાત્કાલિક પોલીસની હાથવેંતમાં આવી ગયા હોવાથી પોલીસને મહદઅંશે રાહત મળી ગઇ છે. લૂંટના ગુનામાં સંડોવાયેલા શખસો ભાવનગર જિલ્લાના હોવાનું ચર્ચાઇ રહ્યું છે.