ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મુશળધાર વરસાદમાં રિપેરિંગ કામગીરી કરી ઉજાસ ફેલાવ્યો 4670 ફીડર રિપેર કર્યા, કમર સુધીના પાણીમાં જીવના જોખમે વીજપુરવઠો જાળવવા ઝઝૂમે છે.
લાઈટ બંધ થાય કે પંખાની પાંખ બંધ થાય અને તુરંત જ વીજકંપનીમાં ફોન કરી દેતા લોકોએ ક્યારેય નહીં વિચાર્યું હોય કે, વીજપુરવઠો પૂર્વવત કરવા માટે પીજીવીસીએલના લાઈનમેન સામે કેટલું જોખમ રહેલું હોય છે. ચાલુ વરસાદમાં પણ પીજીવીસીએલના લાઈનમેન પોતાના જીવની કે જોખમની પરવા કર્યા વિના લોકોના ઘરોમાં અંધારું ન થાય તે માટે દરરોજ જોખમ સાથે બાથ ભીડે છે અને વીજળી પાછી લાવે છે એટલા માટે તેને ‘લાઈટમેન’ કહેવાયું છે.
પીજીવીસીએલના કાર્યક્ષેત્રમાં અંદાજિત 8000 જેટલા લાઈનમેન છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગત સપ્તાહમાં આવેલા મુશળધાર વરસાદ વચ્ચે પીજીવીસીએલના લાઈનસ્ટાફે 7 દિવસમાં 4767થી વધુ ગામડાંમાં વીજપુરવઠો પૂર્વવત કર્યો છે. 4670 ફીડર રિપેર કર્યા છે. ચાલુ વરસાદમાં કમર સુધીના પાણી ભરેલા હોય તેમાં જઈને લાઈન કે પડી ગયેલા પોલને શોધીને ફરી ઊભા કર્યા છે. વરસાદ હોય, વાવાઝોડું હોય કે કોઇપણ કુદરતી આપત્તિ હોય વીજગ્રાહકો માટે આ વીજ સૈનિક દિવસ-રાત તૈનાત હોય છે. સૌરાષ્ટ્રમાં 5 દિવસ વરસેલા મુશળધાર વરસાદમાં વીજકંપનીના લાઈનસ્ટાફે રાત-દિવસ રિપેરિંગ કામગીરી કરી ઉજાસ ફેલાવ્યો.