પૈસા માંગવા જતાં શખ્સે કહ્યું ‘ઉઘરાણી કરશો તો તમારા નામ લખીને દવા પી લઇશ’
ફર્નિચરના વેપારીએ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવી પોલીસ ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં રોકાણની અલગ-અલગ સ્કિમ અને ઊંચા વળતરની લાલચ આપી ગઠિયાઓ ઠગાઇ કરતા હોવાના અગાઉ અનેક કિસ્સા પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે ત્યારે રાજકોટમાં 10થી 15 ટકા વળતરની લાલચ આપી વધુ સાત લોકો સાથે પેઢીના સંચાલકે 31 લાખ પડાવી લઈ છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
શહેરના 150 ફૂટ રિંગ રોડ પરના અયોધ્યા ચોક પાસે ઓસ્કાર સ્કાયમાં રહેતા અને ફર્નિચરનું કામ કરતા રાકેશભાઇ ચંદુભાઇ ચાવડા ઉ.37એ સોમનાથ સોસાયટીમાં રહેતા અને અયોધ્યા ચોકમાં રન્વે હાઇટ્સ બિલ્ડિંગમાં ઓફિસ ધરાવતા નિરવ મહેશ મહેતા સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઓગસ્ટ 2023માં તેના મિત્ર મોહિત વસાણીએ પોતે મની પ્લાન્ટ ઇન્વેસ્ટમેન્ટ પેઢીમાં રોકાણ કરી માસિક 10 થી 15 ટકાનું વળતર મેળવતો હોવાની વાત કરતાં રાકેશભાઇ રન્વે બિલ્ડિંગમાં આવેલી ઓફિસમાં ગયા હતા અને ત્યાં નિરવ મહેતાએ અલગ-અલગ સ્કિમ સમજાવીને માસિક 10 થી 15 ટકા વળતરની ખાતરી આપી હતી. નિરવ મહેતાની જાળમાં રાકેશભાઇ ફસાઇ ગયા હતા અને તેમણે પોતાના તથા તેમના પત્નીના નામે રૂ.8.50 લાખનું રોકાણ કર્યું હતું. વળતર મળવાનું બંધ થતાં રાકેશભાઇ રૂબરૂ ગયા તો નિરવ અલગ-અલગ બહાના કાઢતો હતો અને વધુ ઉઘરાણી કરી તો તેણે ધમકી આપી હતી કે, હવે મારી પાસે રૂપિયા માગવા આવ્યા તો તમારા નામ લખીને દવા પી જઇશ કહેતા પોતે ડરી ગયા હતા બાદમાં તપાસ કરતાં અન્ય લોકો જીજ્ઞેશભાઇ ચૌહાણે રૂ.7.50 લાખ, સંજયભાઇ હરગોવિંદભાઇ પંડ્યાએ રૂ.2 લાખ, મીલીનભાઇ હસમુખભાઇ માંડલિયાએ રૂ.2 લાખ, હેમલભાઇ અનિલભાઇ ઘોડાસરાએ રૂ.2 લાખ, નિલેશભાઇ સુંદરદાસ તલરેજાએ રૂ.8 લાખ તથા ગુરૂમુખભાઇ ઉર્ફે મનોજભાઇ વાટુમલભાઇ ચમીનાણીએ રૂ.1 લાખ ગુમાવ્યા હતા, આમ નિરવ મહેતાએ ઊંચા વળતરની લાલચ આપી રોકાણ કરાવી સાત શખ્સ સાથે કુલ રૂ.31 લાખની છેતરપિંડી આચરી હતી.