રાજ્યભરની પ્રાથમિક સ્કૂલોમાં કુલ 14 હજાર શિક્ષકોની જગ્યા ખાલી, જેમાં ભાષાના શિક્ષકોની 1862 જગ્યા
સરકારે ધો.6થી 8ના 1659 વર્ગો મર્જ કર્યા, જ્યારે 472 સરકારી પ્રાથમિક સ્કૂલોને નજીકની સ્કૂલમાં મર્જ કરી દેવાઈ
ખાસ-ખબર સંવાદદાતા
શિક્ષણના પાયા સમાન સરકારી પ્રાથમિક સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યાની સરખામણીએ શિક્ષકોની સંખ્યાનો રેશિયો ઓછો છે. હાલમાં રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં 14 હજાર શિક્ષકની જગ્યા ખાલી છે, તેમાંથી ધો.6થી 8માં માત્ર ભાષાના શિક્ષકોની જ 1862 જગ્યા ભરાઈ નથી. જ્યારે સરકારી સ્કૂલોમાં ઓછા વિદ્યાર્થીઓની સંખ્યાને કારણે સ્કૂલો અને વર્ગો નજીકની સ્કૂલમાં મર્જ કરવાનો નિર્ણય કર્યો હતો, જેમાં સરકાર દ્વારા અત્યાર સુધીમાં ધો.6થી8ના 1659 વર્ગોને નજીકની સ્કૂલમાં મર્જ કરાયા છે, જ્યારે 472 સરકારી પ્રાથમિક સ્કૂલોને નજીકની સ્કૂલમાં મર્જ કરાઈ છે.
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીમાં આરટીઆઈથી માગવામાં આવેલી માહિતીના જવાબ પ્રમાણે, 31, ઓગસ્ટ – 2021ની સ્થિતિએ રાજ્યની સરકારી પ્રાથમિક સ્કૂલોના ધો.1થી 5માં કુલ 8050 જગ્યા ખાલી છે. જ્યારે કે ધો.1થી 5 માટે ભરતી કરાયેલા 2188 શિક્ષકો ધો.6થી 8માં ફરજ બજાવે છે, એટલે કે ધો.1થી 5માં કુલ 5868 અને ધો.6થી 8માં 8173 શિક્ષકોની ખાલી જગ્યાઓ છે. આ ઉપરાંત અન્ય એક આરટીઆઈમાં થયેલા ઘટસ્ફોટ પ્રમાણે, પ્રાથમિક સ્કૂલોમાં ધો. 6થી 8માં સામાજિક વિજ્ઞાનના 3087, ભાષાના 1862 અને ગણિત-વિજ્ઞાનના 3324 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે.