ઈલોન મસ્કે ભારતના ચૂંટણી પંચના વખાણ કર્યા
કેલિફોર્નિયામાં 19 દિવસે પણ મત ગણતરી ચાલુ, મસ્કે અમેરિકામાં ધીમી કાર્યવાહીની ઝાટકણી કાઢી
- Advertisement -
દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ ઈલોન મસ્કે ભારતમાં મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભામાં મત ગણતરી મુદ્દે ચૂંટણી પંચની કાર્યવાહીની પ્રશંસા કરી હતી અને અમેરિકન મતગણતરીની ધીમી કાર્યવાહીની આકરી ઝાટકણી કાઢી હતી. મસ્કે એક પોસ્ટમાં કહ્યું ભારતમાં એક જ દિવસમાં 64 કરોડ મતોની ગણતરી થઈ શકે છે જ્યારે કેલિફોર્નિયામાં 18 દિવસ પછી પણ મતગણતરી ચાલુ છે.
ભારતમાં મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી તેમજ 13 રાજ્યોમાં 46 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીના પરિણામો શનિવારે જાહેર થયા પછી મસ્કે એક મીડિયા અહેવાલ રીટ્વીટ કરતા જણાવ્યું કે, ભારતમાં એક જ દિવસમાં 64 કરોડ મતોની ગણતરી થઈ ગઈ જ્યારે કેલિફોર્નિયામાં હજુ પણ મતોની ગણતરી કરી રહ્યું છે. ટેસ્લાના ચીફે અમેરિકાને ભારત પરથી બોધપાઠ લેવા ભલામણ કરી હતી. કેલિફોર્નિયાનો ઉલ્લેખ કરી મસ્કે કહ્યું કે, ત્યાં હજુ સુધી મતોની ગણતરી ખતમ થઈ નથી.
અમેરિકામાં પાંચ નવેમ્બરે પ્રમુખપદની ચૂંટણી માટે મતદાન થયું હતું, જેને બે સપ્તાહથી વધુનો સમય થઈ ગયો છે, પરંતુ કેલિફોર્નિયામાં હજુ પણ મતગણતરી ચાલી રહી છે. કેલિફોર્નિયામાં 2.2 કરોડથી વધુ રજિસ્ટર્ડ મતદારો છે, જે સમગ્ર અમેરિકામાં સૌથી વધુ છે. મીડિયા અહેવાલો મુજબ કેલિફોર્નિયામાં 1.60 કરોડ મત પડયા છે અને 18 દિવસ પછી પણ અંદાજે 3 લાખથી 5.70 લાખથી વધુ મતોની ગણતરી બાકી છે. કેલિફોર્નિયાના પ્રદેશ ચૂંટણી અધિકારીએ તેનો બચાવ કરતાં કહ્યું હતું કે, આ ધીમી ગતિનું મુખ્ય કારણ અન્ય રાજ્યોમાંથી કે વિદેશમાંથી મળતા પોસ્ટલ વોટ્સ છે. તે પોસ્ટ મોડા પડવાથી મતગણતરી મોડી થશે.