કેશોદ એરપોર્ટ પર એલાયન્સ એરના ઠાગાઠૈયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
કેશોદ એરપોર્ટ પર બુધવારના રોજ મુંબઈથી કેશોદ આવનારૂ એલાયન્સ એર એટીઆર 72 વિમાન ફરી એક વખત કેન્સલ થતાં 60 જેટલાં મુસાફરો અટવાયાં હતાં. જે પૈકી કેટલાક મુસાફરોએ અન્ય કોઈ વ્યવસ્થા ન થતાં એરપોર્ટ ખાતે હંગામો મચાવ્યો હતો.
- Advertisement -
એવી જ રીતે બે દિવસ પહેલાં કેશોદ એરપોર્ટ પર વિમાનમાં ખરાબી આવતાં મુસાફરોને હોટલમાં રોકાણ કરવા મજબૂર બનવું પડ્યું હતું. બીજે દિવસે વિમાનની વ્યવસ્થા થતાં તેઓ મુંબઈ પહોંચ્યાં હતાં. તે વખતે વિદેશ જતાં પર્યટકોએ વિમાની નબળી સેવા અંગે પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.
છેલ્લાં 15 દિવસમાં 4 કરતાં વધુ વખત ફ્લાઈટ કેન્સલ થતાં મુસાફરોની સંખ્યા ઘટવાની પુરેપુરી સંભાવના વચ્ચે મુસાફરોમાં નારાજગી જોવા મળી રહી છે. ફલાઈટ કેન્સલ થતાં ઇમરજન્સીમાં મુંબઈ જનાર મુસાફરો માટે રાજકોટ એરપોર્ટ સૌથી નજીક પડતું હોય છતાં ત્યાં વિમાન ઉડાન સમય અનુકુળ આવતો ન હોય તેમજ પુરતાં ટ્રાફિકના કારણે મુંબઈ જવા તકલીફ પડી રહી છે. ખાસ વાત એ છે કે કેશોદ એરપોર્ટ પર અઠવાડિયાના 4 દિવસ મુંબઈની ફલાઇટ આવતી હોય આવન જાવન માટે 55 થી વધુ મુસાફરોનો ટ્રાફિક રહેતો હોય ઉપરાંત અપ્રિલ અને મે મહિનામાં વેકેસનના કારણે દેશના અન્ય રાજ્યોના પર્યટકો આવતાં આ ટ્રાફિક ડબલ થશે તેમ છતાં એડવાન્સ બુકિંગ બંધ કરવામાં આવ્યું છે. આનો સિધો મતલબ એ થાય છે કે એલાયન્સ એર મુંબઈ કેશોદ મુંબઈ રૂટ સદંતર બંધ કરવા માંગે છે. તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તે માટે સ્થાનિક વેપારી રાજકિય સંગઠનો ઉચ્ચકક્ષાએ રજૂઆત કરશે તેવી વિગતો પણ મળી રહી છે.