3 વર્ષમાં અમદાવાદમાં સૌથી વધુ 1065 ફરિયાદ, સુરત બીજા ક્રમે, સામૂહિક દુષ્કર્મના પણ 94 કેસ નોંધાયા: 8480 આરોપી પકડાયા જ્યારે 231 હજુ સુધી ફરાર છે
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં દરરોજ છ મહિલા પર દુષ્કર્મના કેસ નોંધાય છે. રાજયમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન તા. 31 ડિસેમ્બર,2023ની સ્થિતિએ 6524 દુષ્કર્મના કેસ નોંધાયા છે. સામૂહિક દુષ્કર્મની વાત કરીએ તો રાજયમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન સામૂહિક દુષ્કર્મના 94 કેસ નોંધાયા છે. વિધાનસભામાં સરકારે આપેલી માહિતી મુજબ, દુષ્કર્મની સૌથી વધારે કેસ પર દષ્ટિ કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ વર્ષ 2020-21 દરમિયાન 324, વર્ષ 2021-22 દરમિયાન 370 અને વર્ષ 2022-2023 દરમિયાન 371 મળીને કુલ 1065 મહિલાઓ પર દુષ્કર્મના કેસ નોંધાયા છે.
- Advertisement -
બીજા ક્રમે સુરત આવે છે. સુરતમાં 2020-21 દરમિયાન 175, 2021-22 દરમિયાન 175 અને 2022-23 દરમિયાન 229 મળીને કુલ 579 મહિલાઓ પર દુષ્કર્મના કેસ નોંધાયા છે. જો કે, સુરત ભલે બીજા ક્રમે હોય પણ ત્રણ વર્ષમાં સરેરાશ અમદાવાદ શહેર કરતા સુરત શહેરમાં 50 ટકા જેટલા ઓછા કેસ નોંધાયા છે. રાજયના 40 પોલીસ સ્ટેશનની હદમાં નોંધાયેલા કુલ 6524 દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મના કેસમાં 8711 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ પૈકી 8480 આરોપીઓ પકડાયા છે અને 231 આરોપીઓ પકડવાના બાકી છે.
જેમાં છ માસથી વધુ સમયથી પકવાના હોય તેવા આરોપીઓ 67 છે અને 1 વર્ષથી વધુ સમયથી પકડવાના બાકી હોય તેવી આરોપીઓની સંખ્યા 63 છે અને બે વર્ષથી વધુ સમયથી પકડવાના બાકી આરોપીઓની સંખ્યા 64 છે. રાજ્યમાં સામૂહિક દુષ્કર્મની વાત કરીએ તો રાજયમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન 94 કેસ સામૂહિક દુષ્કર્મના નોંધાયા છે,આ પૈકી સૌથી વધારે અમદાવાદ શહેર પોલીસ સ્ટેશનની હદમાં 16 કેસ નોંધાયા છે.
દુષ્કર્મમાં પણ અમદાવાદ પ્રથમ છે અને સામૂહિક દુષ્કર્મની ઘટનાઓમાં પણ અમદાવાદ પ્રથમ છે. સામૂહિક દુષ્કર્મમાં આશ્ર્ચર્યજનક રીતે જામનગર બીજા ક્રમે છે, જામનગરમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સામૂહિક દુષ્કર્મના 13 કેસ નોંધાયા છે. જયારે સુરત શહેર 9 સામૂહિક દુષ્કર્મના કેસ સાથે ત્રીજા નંબરે છે. જયારે અમરેલી 6 મહિલાઓ પરના સામૂહિક દુષ્કર્મના કેસ સાથે ચોથા નંબરે છે. રાજકોટ શહેર પોલીસ સ્ટેશનની હદમાં છેલ્લા ત્રણ વર્ષમાં 4 કેસ સામૂહિક દુષ્કર્મના નોંધાતા તે પાંચમાં નંબરે છે.