ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
રાજકોટ LCB પીઆઈ વી.વી. ઓડેદરા અને ટીમે જેતપુર-જૂનાગઢ હાઈવે ઉપર આવેલ સોરઠ હોટલના કમ્પાઉન્ડમાં પાછળના ભાગે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. માહી ડેરીના ટેન્કરમાંથી દૂધની ચોરી કરતા જૂનાગઢના હીરાભાઈ ગોવિંદભાઈ કલોતરા, જસભાઈ ગોવિંદભાઈ કલોતરા, અર્જુનભાઈ રમેશભાઈ ભારાઈ, જેતપુરના ભીખુભાઈ ઘેલાભાઈ રામાણી, વારાણસીના બલીરામ લાલબહાદુર વિશ્વકર્મા અને રાજુ ગુલાબભાઈ યાદવની ધરપકડ કરી હતી. જ્યારે જૂનાગઢના બાલુ ઉર્ફે ઘેલીયો પરબતભાઈ કોડિયાતરની સંડોવણી ખૂલતા તેની શોધખોળ હાથ ધરી છે
- Advertisement -
પકડાયેલા આરોપીઓ 2 ટેન્કરમાંથી દૂધની ચોરી કરી તેની જગ્યાએ તેટલું જ પાણી મિક્સ કરવાનું કારસ્તાન ચલાવતા હતા. જેમાં તેઓ સીલ તોડી દૂધ ચોરી કરી ભેળસેળ કરી વેચાણ કરતા હતાં. પોલીસે 2 ટેન્કર, 29,245 લીટર દૂધ, એક બોલેરો, 7 મોબાઈલ, પ્લાસ્ટિકના 4 ટાંકા, 2 મોટર સહિત 24.43 લાખનો મુદામાલ કબ્જે કરી તમામ સામે જેતપુર તાલુકા પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો તમામ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 6 આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.