સવન સ્ટેટસમાં B-704ના 53 લાખ નક્કી થયા હતાં
બિલ્ડર, રિસેલર અને નિલેશ માલસણા વચ્ચેનો વિવાદ
- Advertisement -
ભોગ બનનાર નિલેશ માલસણાએ પોલીસ કમિશનરને રિસેલર અને બિલ્ડરો વિરુદ્ધ કરી અરજી, વર્ષ 2019માં પણ કરી હતી અરજી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં છેતરપીંડી, વિશ્વાસઘાતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. બિલ્ડરો અને રિસેલરો એકને એક ફ્લેટ બે વખત વેચી દીધા હોવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ફરીથી એક ગાંધીગ્રામમાં રહેતા નિલેશ માલસણાએ કરેલાં આક્ષેપો મુજબ તેની સાથે બિલ્ડર અને રિસેલરે છેતરપીંડી આચરતા પોલીસ કમિશનરને અરજી કરી છે. મળતી વિગત મુજબ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા નિલેશ માલસણાએ આક્ષેપો કર્યા છે કે, કાલાવાડ રોડ પર આવેલા સવન સ્ટેટસ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ બુક કરાવ્યો હતો જેના માટે તેમણે રિસેલર નિશીત ટીલાળાને 28 લાખ રૂપિયા આપ્યા હતા પરંતુ પછી તેમાં વાંધો પડતા આ સોદો કેન્સલ થયો હતો નિશીત ટીલાળાએ નિલેશ માલસણાને 8 લાખ પરત આપ્યા પરંતુ 20 લાખ ન આપતા આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. આ ઘટના વર્ષ 2019માં બની હતી ત્યારે નિલેશ માલસણાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આ બાબતે અરજી કરી હતી પરંતુ આજ દિન સુધી તેનો કોઈ ઉકેલ ન આવતા નિલેશ માલસણાએ ફરીથી તા. 3 જુલાઈના રોજ પોલીસ સ્ટેશનને અરજી કરી છે.
- Advertisement -
નિલેશ માલસણાએ ‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાત લઈ 20 લાખની થયેલી ઠગાઈ અંગે સંપૂર્ણ માહિતી આપી હતી.
આ બિલ્ડર પાસેથી સવન સિગ્નેટમાં એક ફ્લેટ બૂક કરાવ્યો હતો
ફરિયાદી નિલેશ માલસણાએ જણાવ્યું કે, આ બિલ્ડરો અશોકભાઈ ગજેરા અને વિપુલભાઈ માકડીયા પાસેથી સવન સિગ્નેટમાં એ-1102 નંબરનો ફ્લેટ બુક કરાવ્યો હતો જેમાં પણ પેમેન્ટ માટે ડાયરી સિસ્ટમ રાખી હતી. જેના વિશ્વાસમાં આવીને સવન સ્ટેટસ માટે પણ ડાયરી સિસ્ટમ રાખી. મને બિલ્ડરો પર સંપૂર્ણ વિશ્વાસ હોવાથી સાટાખત કે, દસ્તાવેજ માટે ઉતાવળ ન કરી. જ્યારે આ વખતે નિલેશભાઈએ બિલ્ડરોની મિલીભગતથી મારા 20 લાખ પચાવી પાડ્યા.
રી-સેલર નિશીત ટીલાળાએ 20 લાખ પરત કરવાની ના પાડી દીધી!
28 લાખ રોકડા આપ્યા, સોદો રદ્દ થતાં 8 લાખ જ પરત આપ્યા
નિલેશ માલસણાની અરજી પ્રમાણે રિસેલર નિશીત ચુનીલાલ ટીલાળા, સવન સ્ટેટસના બિલ્ડર અશોકભાઈ ગજેરા, વિપુલભાઈ માકડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. નિલેશભાઈ માલસણાએ આ બાબતે ખાસ ખબર કાર્યાલયની મુલાકાત લઈ સમગ્ર હકીકત વર્ણવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મારા એક મિત્ર મારફત નિશીત ટીલાળા સાથે મુલાકાત થઈ હતી જેના મારફત તેઓ કાલાવાડ રોડ પર આવેલા રંગોલી પાર્કની પાછળ આવેલા સવન સ્ટેટસમાં સી વિંગમાં 302 ફ્લેટ બતાવ્યો હતો જો કે તે અનુકુળ ન આવતા બી વિંગમાં આવેલા 704 નંબરનો ફ્લેટ પસંદ કર્યો હતો. આ ફ્લેટની કિંમત 53 લાખ નક્કી કરવામાં આવી હતી અને દસ્તાવેજના 14 લાખનો થશે. આ રીતે ફ્લેટનો સોદો નક્કી થયો હતો. બી 704 બુક કરાવેલા ફ્લેટના કટકે કટકે 28 લાખ રૂપિયા આપ્યા જેની નિશીત ટીલાળાએ કેશ પેમેન્ટની કાચી ડાયરી બનાવી. જેમાં 25-3-2018થી લઈને 23-3-2019 સુધીમાં કુલ 28 લાખ રૂપિયા કટકે કટકે આપ્યા હોવાનું સાબિત થાય છે. આ રકમ નિશીતભાઈને સવન સ્ટેટસ બિલ્ડર અશોકભાઈ ગજેરા તથા વિપુલભાઈ માકડીયાની હાજરીમાં આપેલા છે. અગાઉ પણ સવન સિગ્નેટમાં આ બિલ્ડર પાસેથી એક ફ્લેટ બુક કરાવ્યો હતો. હવે જ્યારે 6 મે 2019ના રોડ સવન સ્ટેટસમાં લીધેલો બી 704 નંબરનો ફ્લેટ અમે પરિવાર સાથે જોવા ગયા ત્યારે આ ફ્લેટમાં ફર્નિચરનું કામ ચાલતુ હતું ફ્લેટની બન્ને ચાવીઓ મારી પાસે હતી. ત્યારબાદ બિલ્ડર અશોકભાઈ ગજેરાને ફોન પર વાત કરતા તેમણે જણાવ્યું કે, ફ્લેટનો સોદો થઈ ગયો છે જે અન્યને વેચી દેવામાં આવ્યો છે.
નિલેશભાઈએ વધુમાં જણાવ્યું કે, ત્યારબાદ અમે નિશીતભાઈ ટીલાળા સાથે બેઠક કરવા ગયા ત્યારે નિશીતભાઈના પિતા ચુનીલાલ માકડીયાએ ઉગ્ર બોલાચાલી કરીને ઝઘડો કર્યો પરંતુ અશોકભાઈ ગજેરાએ એવું આશ્વાસન આપ્યું કે, સવન સ્ટેટસમાં અન્ય ફ્લેટ આપું છું પરંતુ તેની કિંમત 57 લાખ થશે. અગાઉ ફ્લેટની કિંમત 53 અને નવાની કિંમત 57 આમ 4 લાખ વધારે હોવાથી મે ફ્લેટ લેવાની ના પાડીને સોદો રદ કરવાનું કહ્યુ અને અગાઉ આપેલા 28 લાખ પરત કરવા નિશીતભાઈને જણાવ્યું પરંતુ તેમાંથી ફક્ત 8 લાખ પરત આપ્યા અને 20 લાખ રૂપિયા આજ દિન સુધી પરત ન આપ્યા. આ રકમ પરત મેળવવા માટે અનેક વખત તેની અમીન માર્ગ પર આવેલી ઓફીસમાં માંગવા ગયા ત્યારે અમને ગાળો આપીને જાનથી મારી નાખવા સુધીની ધમકી પણ આપી. આમ નિશીતભાઈ અને બિલ્ડર અશોકભાઈ ગજેરા અને વિપુલભાઈ માકડીયાની મીલીભગતના લીધે એક જ ફ્લેટનું બે વખત વેચાણ કરી મારી સાથે 20 લાખ રૂપિયા પચાવી લીધા છે. જેની અરજી 3 જુલાઈ 2022ના રોજ ફરીથી પોલીસ કમિશનરને કરી છે અને આ બિલ્ડરો વિરુદ્ધ કડકમાં કડક પગલા લેવાય અને મારા પૈસા પરત મળે તેવી રજૂઆત કરી છે.
બિલ્ડર અશોકભાઈ ગજેરાએ કહ્યું, હું ઓળખતો જ નથી!
‘ખાસ-ખબર’ની ટીમે બિલ્ડર અશોકભાઈ ગજેરાનો સંપર્ક સાધતા જણાવ્યું હતું કે, હું નિલેશ માલસણાને ઓળખતો જ નથી. મારે તેમની સાથે કોઈ કોન્ટેક્ટ જ નથી. મે મારો ફ્લેટ નીશીત ટીલાળાને વેચ્યો છે. પછી તેણે કોને વેચ્યો કે, શું કર્યું તેની સાથે મારે કોઈ લેવાદેવા નથી.
આવકવેરા વિભાગથી બચવા અનોખી ડાયરી સિસ્ટમ
નીશીતભાઈએ નિલેશભાઈને એક કાચી ડાયરી સિસ્ટમ કરી આપી હતી. જેમાં લાખોમાં આપેલા પૈસાને હજારમાં બતાવ્યા હોય છે. આ ડાયરીમાં પહેલા હપ્તામાં 9 લાખ આપ્યા હતા પરંતુ રિસેલર નીશીતભાઈએ 9,000 બતાવ્યા છે. તેવું નિલેશભાઈ માલસણાએ ખાસ ખબરને જણાવ્યું હતું.
ફ્લેટ લેવા માટે ICICIમાંથી લોન લેવાની પણ પ્રક્રિયા કરી
નિલેશભાઈએ સવનનો ફ્લેટ લેવા માટે ઈંઈઈંઈઈંમાં લોન લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જેના બેન્કે 18726 પ્રોસેસિંગ ચાર્જ પણ લગાવ્યો છે. આ ફ્લેટના દસ્તાવેજ કે, સાટાખત ન હોવાથી લોનની ફાઈલ ફક્ત લોગીન કરવામાં આવી હતી.