તાલાલા યાર્ડમાં વિસાવદર, ધારી, માળીયા, મેંદરડા,ઉના,ગીર ગઢડામાંથી આવતી કેરીની આવક ધીમી પડી
39 દિવસમાં 10 કિલોના 4 લાખ 33,350 બોક્સના વેચાણમાંથી કિસાનોને અંદાજે રૂ.24 કરોડની આવક
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.4
તાલાલા માર્કેટીંગ યાર્ડમાં વેચાણમાં આવતી કેસર કેરીની આવક ધીમી પડતી જાય છે.આજે મંગળવારે યાર્ડમાં 5180 બોક્સ વેચાણમાં આવ્યાં હતાં.કેસર કેરીની સીઝન ને આજે 39 દિવસ પૂર્ણ થયા..આ દરમ્યાન યાર્ડમાં દશ કિ.ગ્રામના કુલ 4 લાખ 33 હજાર 350 કેરીના બોક્સ વેચાણમાં આવ્યા..જેનું સરેરાશ એક બોક્સ ના રૂ.550 ભાવમાં વેંચાણ થતાં આજ સુધીમાં તાલાલા યાર્ડમાં કેસર કેરીના ઉત્પાદક કિસાનોએ કેરીનું કરેલ વેચાણમાંથી અંદાજે કુલ રૂ.24 કરોડની આવક થઈ છે.
તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ગત વર્ષે દશ કિ.ગ્રામના એક બોક્સ નો સરેરાશ ભાવ રૂ.700 આવ્યાં હતાં જેની સરખામણીએ આ વર્ષે માત્ર 550 ઉપજ્યા છે જે ખુબજ ઓછા છે.તાલાલા પંથકમાં કેરીની આ સિઝનમાં અવિરત કમોસમી વરસાદ ચાલુ રહ્યો હોય જેને કારણે કેસર કેરીની ગુણવત્તા ખુબ જ નબળી પડી ગઈ હતી જેની અસર વેંચાણ ભાવમાં થતાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેસર કેરીના સરેરાશ ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જેનાથી કેસર કેરીના ઉત્પાદક કિસાનો ને આર્થિક પારાવાર નુકસાન થયું છે.તાલાલા પંથકમાં આ વર્ષે કેસર કેરીનો પાક માત્ર 25 થી 30 ટકા જેટલો થયો હતો પરંતુ આજુબાજુના તાલુકા જેવા કે ઉના,ગીર ગઢડા,વિસાવદર,ધારી,મેંદરડા વિસ્તારમાંથી ઘણી કેરી વેંચાણ માટે તાલાલા આવી રહી છે.પરિણામે યાર્ડમાં સીઝન હજી ચાલી રહી છે.હવે આજુબાજુના વિસ્તારમાંથી આવતી કેરીની આવક પણ મંદ પડવા લાગી છે જેથી ગણતરીના દિવસોમાં કેસર કેરીની સીઝન પૂર્ણ થવાનો અંદાજ વ્યક્ત થઈ રહ્યો છે.
માર્કેટિંગ યાર્ડના વેપારીઓ અને પદાધિકારીઓએ સારી સવલત આપી
તાલાલા માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીની સીઝને ગતિ પકડી ત્યાંજ વરસાદ શરૂ થયો..કમોસમી વરસાદ સિઝન દરમ્યાન લાંબો સમય ચાલ્યો હતો.વરસાદ દરમ્યાન કેરી વેચવા આવતા કિસાનોને કોઈ મુશ્કેલી પડે નહીં તેની ખાસ નોંધ લઈ યાર્ડ નાં જથ્થાબંધ વેપારી ભાઈઓ તથા પદાધીકારીઓ દ્વારા પણ આગોતરૂ આયોજન ગોઠવાયું હતું.પરિણામે ઘણી વખત ચાલુ વરસાદે પણ કેસર કેરીની જાહેર હરરાજી ચાલુ રહી હતી જેથી કેરીના વેંચાણ માટે કિસાનોને મુશ્કેલીનો ઓછો સામનો કરવો પડ્યો હતો.