જેમ ભલામણ વિના નોકરી મળી તેમ લોકોનાં કામ પણ ભલામણ વિના કરજો : પાટીલ
અગાઉ નોકરી મેળવવામાં ખૂબ જ તકલીફ પડતી: પાટીલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આજે 29 ઓક્ટોબરને ઘનતેરસના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સના માઘ્યમથી દેશમાં 40 જગ્યાએથી 51,000 યુવાનને નિમણૂક પત્રો એનાયત કરવાના કાર્યક્રમનું ઉદ્દઘાટન કર્યુ હતુ. રાજકોટમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દેશનાં પાણી પુરવઠા અને કેબિનેટ મંત્રી સી. આર. પટીલે નિયુક્તિ પત્રો મેળવનારા 85 કર્મચારીને શુભેચ્છા પાઠવી હતી.
અહીં નવનિયુક્ત યુવાનોને ટકોર કરતા જણાવ્યું હતું કે, જેમ ભલામણ વિના નોકરી મળી છે, તેમ લોકોના કામ પણ ભલામણ વિના કરજો. સાથે કોંગ્રેસ પર નિશાન તાકતાં કહ્યું કે, અગાઉ સરકારી નોકરી ભલામણથી મળતી. જોકે, હવે સરકારી નોકરી મેળવવા યુવાનોને કોઈ ભલામણ કરવી પડતી નથી. આ તકે વડોદરામાં પ્લેન બનાવવાની તો સુરતમાં ટેન્ક બનાવવાની ફેક્ટરીથી બદલાવની વાત કરી હતી. સાથે જ કહ્યું કે, મહાત્મા ગાંધીજીને જેમ સ્વતંત્રતા માટે યાદ કરવામાં આવે છે, તે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્વચ્છતા માટે યાદ કરવામાં આવે છે.
દેશમાં 51,000 કર્મચારીને નિયુક્તિ પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ માઘ્યમથી કહ્યુ કે, ધનતેરસના દિવસે નિયુક્તિ પત્રો મેળવનારા 51,000 યુવાનોને અભિનંદન. આ વખતે દિવાળી વિશેષ છે. 500 વર્ષ બાદ પ્રભુ શ્રીરામ ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે અને આ પ્રથમ દિવાળી છે. વડોદરામાં ડિફેન્સ સેક્ટર માટે એર ક્રાફટ બનાવનારી ફેકટરીનુ ઉદઘાટન કર્યુ છે, જેનાથી નોકરીના અવસર અને એર ક્રાફટના સ્પેર પાર્ટ બનાવતા નાના ઉદ્યોગકારોને ફાયદો થશે. પહેલાની સરકારમાં નીતિ અને નિયતનો અભાવ હતો. જર્મની દર વર્ષે 90,000ને વિઝા આપશે. ભારતના લોકો 21 દેશોમાં માઈગ્રેટ થઈ શકે છે. રાજકોટના કાર્યક્રમમાં હાજર સી. આર. પટીલે જણાવ્યું હતું કે, આજે ધનતેરસના દિવસે નિમણૂક પત્રો મળ્યાં તે યુવાનોને અભિનંદન આપુ છું. અગાઉ સરકારી નોકરી મેળવવા માટે ખૂબ જ તકલીફ પડતી હતી. અનેક ગરબડ થતી હતી, જેને લીધે મેરીટમાં રહેલા ઉમેદવારો સિલેક્ટ થતા ન હતા. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં 40 જગ્યાએથી 51,000 યુવાનોને નોકરી આપવામાં આવી રહી છે, ત્યારે તેમાં કોઈ ગરબડ થતી નથી. જેમાં રાજકોટ શહેરમાં આજે પોસ્ટ વિભાગનાં નવનિયુક્ત 83 અને રેલવેના 2 કર્મચારીને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં એક્સ્ટેન્શન્સ પ્રથા બંધ થઈ છે, જેનો અમલ ગુજરાતમાં પણ થયો છે. જેને કારણે નવયુવાનો માટે નોકરીનો માર્ગ મોકળો બન્યો છે. દેશમાં 65 ટકા યુવાનો છે, ત્યારે યુવાનો જો નિરાશ થઈ જાય તો દેશ પણ નિરાશ થઈ જાય છે. આપણે મહાત્મા ગાંધીજીને જેમ સ્વતંત્રતા માટે યાદ કરીએ છીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્વચ્છતા માટે યાદ કરીએ છીએ. આ સાથે જ તેમણે કટાક્ષ કર્યો કે, જેમ યુવાનોને ભલામણ વિના નોકરી મળી છે, તેમ લોકોના કામ પણ ભલામણ વિના કરજો. તેમણે વધુમાં જણાવ્યું કે, વડોદરામાં જેમ પ્લેન બનાવવા માટેની ફેકટરીમાં પ્રોડક્શન 1 વર્ષમાં શરૂ થઈ જશે. જેમાં સ્પેન સાથે ખજ્ઞઞ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આપને ખ્યાલ હશે કે, પહેલા લશ્કરના સામાનમાં 70 ટકા આયાત થતી હતી. જોકે, આત્મનિર્ભર ભારત બનતા વડોદરામાં જે રીતે પ્લેન બનશે તે રીતે સુરતમાં ટેન્ક બનાવવાની ફેક્ટરી શરૂ થઈ. જેમાં 40 કિલોમીટરના અંતરથી હવાઈ હુમલો કરવાની ક્ષમતા છે. આ સાથે જ બરફના પ્રદેશમાં આર્મીના જવાનો જઈ શકે તે માટે ઓછા વજનવાળી ટેન્કનું નિર્માણ કરવામાં આવ્યું છે.



