રાજકોટનાં કરણસિંહજી બાલાજી મંદિરે ધો.10-12ના દીકરા-દીકરીઓએ સરસ્વતી પૂજન-મહાપૂજા કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
27 ફેબ્રુઆરીથી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે રાજકોટના કરણસિંહજી બાલાજી મંદિર ખાતે ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે સરસ્વતી પૂજન અને મહાપૂજા યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા સફળતાપૂર્વક આપી શકે અને ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે તે માટે હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી હતી. જેમાં 500 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરના રાધા રમણ સ્વામીએ જણાવ્યું હતું કે, ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા થોડા દિવસો બાદ શરૂ થઈ રહી છે ત્યારે ધોરણ-10 અને 12ની પરીક્ષામાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સરસ્વતી વંદના અને હવન તેમજ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.
- Advertisement -
બાલાજી ભગવાન સમક્ષ જે કોઈપણ ભક્તો આવે છે તેમની મનોકામના ભગવાન પૂર્ણ કરતા હોય છે ત્યારે ધોરણ-10 અને 12ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં સફળ થાય તે માટે કોઠારી સ્વામી વિવેક સાગર સ્વામી દ્વારા સરસ્વતી પૂજન અને મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે બોર્ડની પરીક્ષા આપનારા દીકરાઓ અને દીકરીઓ દ્વારા સરસ્વતી પૂજન અને મહાપૂજા પૂરા ભાવ સાથે કરવામાં આવી હતી. આજના સાંપ્રત સમયમાં જીવતા જાગતા હોય એવું હોય તો તે હનુમાનજી મહારાજ છે ત્યારે તેમને પ્રાર્થના કરીએ કે, તમારા દ્વારા જે ભક્તો આવે તેમના જીવનમાં જે કંઈપણ કષ્ટો આવે તેને દૂર કરજો. વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર હોય તો તે હનુમાનજી મહારાજ દૂર કરે. ધોરણ-10ની વિદ્યાર્થિની ક્રિશીએ જણાવ્યું હતું કે, માસૂમ સ્કૂલમાં અભ્યાસ કરું છું. ધોરણ-10ની પરીક્ષા આપવાની છું. બોર્ડની પરીક્ષા હોવાથી થોડો ડરતો છે પરંતુ, મહેનત સારી છે. જ્યારે યાજ્ઞિક સાણીએ જણાવ્યું હતું કે, ડેલ્ટા સ્કૂલમાં અભ્યાસ કરું છું અને ધોરણ-12 કોમર્સની પરીક્ષા હું આપવાનો છું. સરસ્વતી પૂજન અને મહાપૂજાથી ખુબ જ સારું બળ મળ્યું છે. મારું સ્વપ્ન ચાર્ટડ એકાઉન્ટન્ટ બનવાનું છે.