સ્વચ્છતાના દંડમાં તોતિંગ વધારો, જાહેરમાં કચરો ફેંકનારને 1000નો ચાંદલો કરવો પડશે, ડસ્ટબીન વગરના હોટલો-રેસ્ટોરન્ટોને દંડ કરાશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં 7માં ક્રમેથી સીધું 29માં ક્રમે પટકાયા બાદ મ્યુ. કમિશ્નર દ્વારા સ્વચ્છતાને લઈને કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે માટે સ્વચ્છતા નહીં જાળવવા બદલ ફટકારવામાં આવતા દંડમાં તોતીંગ વધારો કરવામાં આવ્યો છે. જેમાં જાહેર રસ્તામાં પાનની પિચકારી મારનારને રૂ. 200નાં બદલે હવે 500 ચૂકવવા પડશે. તેમજ જાહેરમાં કચરો ફેકનારને 1000નો ચાંદલો કરવો પડશે. આ ઉપરાંત પણ મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરનાર હોસ્પિટલને રૂ. 15000નો દંડ અને કચરો ફેકનારને પણ રૂ. 500નો દંડ સહિતની દરખાસ્ત કરવામાં આવી છે. ત્યારે હવે જાહેરમાં ગંદકી
કરનારની ખેર નથી.
મનપા કમિશ્નર દ્વારા સ્વચ્છતા ન જાળવવા બદલ વસુલાતા દંડમાં મોટો વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. જેમાં ડસ્ટબીન વગરના સ્થળને રૂ.200, હોટલો અને રેસ્ટોરન્ટને રૂ. 1000નો દંડ કરાશે. તો બાયોમેડિકલ વેસ્ટ ફેંકતા દવાખાનાઓને પ્રથમ વખત 15 હજાર, બીજી વખત 20 ત્રીજી વખત 25 હજારનો દંડ કરવામાં આવશે. તેમજ જાહેરમાં કચરો ફેંકવા બદલ રૂ. 1000, ફૂડ વેસ્ટના ઘા બદલ રૂ. 2000 અને પીચકારી મારવા બદલ રૂ. 500નો ચાંદલો કરવો પડશે. ઉપરાંત જાહેરમાં કચરો સળગાવનાર પાસેથી રૂ. 500 વસુલાશે. જેમાં કામદાર સામે ખાતાકીય પગલા અને એજન્સી સામે તપાસ પણ કરવામાં આવશે.
જાહેરમાં કચરો ફેંકવા બદલ હાલ ગ્રાહક, વેપારી કે કોઇ પણ નાગરિકને હાલ રૂ. 200નો દંડ કરવામાં આવે છે. હવે પહેલીવાર આવા કોઇ વ્યકિત જાહેરમાં કચરો ફેંકતા પકડાઇ તો રૂ. 500, બીજી વાર રૂ. 800 અને ત્રીજી વાર રૂ.1000નો દંડ કરવામાં આવશે. જ્યારે જાહેરમાં થૂંકનારાને દંડવાની રકમ પણ મોટી થઇ રહી છે. જેમાં ચાલુ સ્કુટર, રિક્ષા કે ફોર વ્હીલમાંથી રોડ પર પીચકારી મારનારાને રૂ. 200નો દંડ કરવામાં આવે છે. છેલ્લા બે મહિનામાં આવા ઘણા વાહનચાલકોને દંડવા છતાં સ્થિતિ નહીં સુધરતા હવે આવા બેદરકાર નાગરિકોને રૂ. 500નો દંડ કરવામાં આવશે.
રાજકોટમાં જાહેર રસ્તા, ચોક, શેરી-ગલીઓમાં હેઠવાડના ફૂડ વેસ્ટનું ન્યુસન્સ મોટુ છે. ખાણીપીણીના ધંધાર્થી અને હોટલો વાળાઓનો વધેલો ફૂડ વેસ્ટ પણ ત્રાસરૂપ બને છે. આવો કચરો જાહેરમાં ફેંકવા બદલ રૂ. 200નો દંડ છે. જોકે હવે પ્રથમ વખત રૂ. 1000, બીજી વખત 1500 અને ત્રીજી વખત રૂ. 2000નો દંડ કરવામાં આવશે.
શહેરમાં કચરો સળગાવવાની પ્રવૃત્તિ સામે પણ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઇપણ નાગરિક જાહેરમાં કચરો સળગાવે તો રૂ. 500નો દંડ કરવામાં આવશે. કોઇ સફાઇ કામદાર કચરો સળગાવે તો દંડ ઉપરાંત ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે. કોન્ટ્રાકટરના કામદાર આવી પ્રવૃત્તિ કરશે તો કામદારને છુટા કરવા અને એજન્સી સામે પગલા લેવા પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ આરોગ્ય માટે વધુ જોખમી રહે છે. આ માટે ખાસ વ્યવસ્થા કરાઇ હોવા છતાં અમુક દવાખાના ટીપરવાનમાં કચરો ફેંકતા પકડાય તો રૂ. 10,000નો દંડ કરવામાં આવે છે. જોકે હવે કોઇ હોસ્પિટલ બેદરકારીથી મેડિકલ વેસ્ટનો નિકાલ કરતા પકડાશે તો પ્રથમ વખત રૂ. 15,000, બીજી વખત રૂ. 20,000 અને ત્રીજી વખત રૂ. 25 હજારનો દંડ કરવામાં આવશે.
- Advertisement -
અખાદ્ય પદાર્થોનું વેચણ કરતા એકમો સીલ કરાશે
આ ઉપરાંત રાજકોટમાં જાહેર આરોગ્ય સાથે ચેડાં થાય તેવા ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન અને વેંચાણ કરતા એકમોને હવે સીધા સીલ કરી દેવાની કાર્યવાહી પણ કાયમી ચાલુ રહેશે. તાજેતરમાં આજી વસાહત પાસે દાબેલા ચણા સહિતના નાસ્તાનું આ રીતે ઉત્પાદન અને વેંચાણ કરતા બે એકમ સીલ કરી દેવામાં આવ્યા હતા. આવી કામગીરી હવે કાયમ ચાલુ રહેશે. આ રીતે આવા એકમોથી માંડી દુકાનોને પણ સીલ મારવાના નિયમનો અમલ કરાવવા મનપા મક્કમ છે. નમુના અને લેબ પરીક્ષણની કાર્યવાહી પણ ચાલુ રહેશે. મ્યુ. કમિશ્નર આનંદ પટેલનાં જણાવ્યા મુજબ, જાહેરમાં ગંદકી કરવા બદલ મનપા દ્વારા લોકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. પરંતુ દંડની વર્ષો જૂની રકમ ઘણી ઓછી હોવાથી લોકોમાં ગંભીરતા જોવા મળતી નથી. જેને લઈ આ તમામ પ્રકારના દંડમાં વધારો કરવામાં આવ્યો છે. જે વધારાનો ઉદ્દેશ આર્થિક ઉપાર્જનનો નહીં, પરંતુ લોકોમાં જાગૃતિ લાવવા માટેનો છે. લોકો સ્વચ્છતા જાળવવામાં સ્વયંભૂ સહભાગી બને તે માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.