ખાસ-ખબર સંવાદદાતા
મોરબી વાંકાનેર નેશનલ હાઈવે ઉપર સિરામીક પ્લાઝા-1 અને 2 માં ગઈકાલે રાત્રે તસ્કરોએ નાઈટ કોમ્બિંગ કર્યું હોય તેવા ઘાટ વચ્ચે એક સાથે 45 થી 50 દુકાનો-ઓફિસોના તસ્કરોએ તાળા તોડતા ખળભળાટ મચી જવા પામ્યો છે જોકે આ બનાવ મામલે હજુ ફરીયાદ નોંધાઈ નથી પરંતુ પોલીસને ચોરીના બનાવની જાણ થતાં પોલીસ કાફલો બનાવસ્થળે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ સિરામીક પ્લાઝા 1 તેમજ સિરામીક પ્લાઝા 2 નામના કોમર્શિયલ બિલ્ડિંગમાં ગતરાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા અને એક સાથે 45 થી 50 જેટલી દુકાનો અને ઓફિસોના શટર તેમજ એલ્યુમિનિયમ સેક્સનના દરવાજા તોડી ચોરીને અંજામ આપ્યો હતો. આ બિલ્ડિંગમાં મોટાભાગના સિરામીક ટ્રેડિંગના ધંધાર્થીઓ વ્યવસાય કરી રહ્યા છે ત્યારે ઓફિસ દુકાનમાં મોટી રોકડ રકમ ન હોય હાથમાં આવી એટલી રકમ લઈને તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ બનાવને લઈને સ્થાનિક પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા છે ત્યારે બનાવની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે દોડી જઇને વધુ તપાસ હાથ ધરી છે.