ઘરમાં એકલા વૃદ્ધાનું મોં અને ગળું દબાવી બે શખ્સોએ લૂંટ ચલાવી

પતિ જોષીપરા વિસ્તારમાં અમૃતમ કાર્ડ માટે ગયાને લૂંટારું ત્રાટક્યાં
ભાઇ અને ભાણેજ રોકડા રૂપિયા અને દાગીનાં મૂકી ગયા હતાં
લૂંટારૂંથી બચી બાથરૂમમાં સંતાઇ ગયા અને 5.25 લાખ બચી ગયાં

ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં જોષીપરામાં આવેલા આંબાવાડી વિસ્તારમાં વૃદ્ધા સમી સાંજે ઘરે હતા,ત્યારે બે અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. વૃદ્ધાની એકલતાનો લાભ લઇને મોં અને ગળુ દબાવી છરીની અણીએ રોકડ રકમ,સોનાનાં દાગીનાં મળી રૂપિયા 5.26 લાખની મત્તાની લૂંટ કરી હતી. વૃદ્ધાનાં પતિ જોષીપરામાં અમૃતમ કાર્ડ માટે ગયા હતા ત્યારે બે શખ્સ ત્રાટકયાં હતાં. આ અંગે બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢનાં જોષીપરામાં આવેલા આંબાવાડી વિસ્તારમાં બાલસનગરમાં પ્રકાશભાઇ બાલસ અને તેનાં પત્ની જયાબેન (ઉ.વ.55) એકલા રહે છે. પ્રકાશભાઇ નિવૃત સર્વેયર છે. એક પુત્ર બરોડા અને બીજો પુત્ર જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં રહે છે. ગઇકાલે સાંજનાં સાડા છ વાગ્યાની આસપાસ પ્રકાશભાઇ અમૃતમ કાર્ડ માટે જોષીપરામાં ગયા હતાં અને જયાબેન ઘરને તાળું મારી બાજુમાં તેના જેઠાણીનાં ઘરે ગયા હતાં. ત્યારે અજાણ્યા વ્યકિત સીડી ચઢતા હોય જયાબેન ઘરે આવ્યા હતાં. ત્યારે એક વ્યક્તિ દરવાજે તેમને મળ્યો હતો. તેમને પુછતા કહ્યું હતું કે,બાલસભાઇનું કામ છે. હું ઓફીસે મળી લઇશ કરી નિકળી ગયો હતો. બાદ જયાબેને ઘરનાં તાળા ખુલ્યા હતા અને ઘરમાં એકલા હતા ત્યારે બે અજાણ્યા શખ્સ ઘરમાં આવ્યાં હતાં. જેમાં એક નીચે મળ્યો હતો તે શખ્સ હતો. જયાબેન કશુ સમજે તે પહેલા બેમાંથી એક શખ્સે છરી બતાવી મોં અને ગરદન દબાવી રાખ્યાં હતાં અને કહ્યું હતું કે, જે વસ્તુ હોય તે બતાવી દે નહી તો મારી નાખશું. એક શખ્સે કબાટ ખોલી તેમાથી રોકડા અને સોનાનાં દાગીનાં થેલામાં ભરી લીધા હતાં. વધુ રૂપિયા અંગે પુછતા ઉપરનાં રૂમનું કહ્યું હતું. એક શખ્સ ઉપરનાં રૂમમાં ગયો ત્યારે જયાબેને એક શખ્સે ધકકો મારી રૂમમાં જતા રહ્યાં હતાં. બન્ને શખ્સોએ દરવાજાને ધકકો મારી તોડી અંદર આવ્યાં અને જયાબેનને બાથરૂમમાંથી બહાર કાઢી માર માર્યો હતો અને નાની બંદુક જેવું હથિયાર બતાવી રોકડ રકમ અને સોનાનો થેલો લઇ નાસી ગયા હતાં. આ અંગે જયાબેન પ્રકાશભાઇ બાલસે બી ડીવીઝન પોલીસમાં બે અજાણ્યા શખ્સો સામે રોકડ રકમ 2 લાખ અને સોનાનાં દાગીનાં મળી કુલ રૂપિયા 5.26 લાખ લૂંટી ગયાની ફરિયાદ નોધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જાણભેદુ હોવાની શંકા
જૂનાગઢમાં થયેલી લૂંટની ઘટનમાં જાણભેદુ હોવાની શંકા સેવાઇ રહી છે. અથવા તો નજીકનાં હોવાની શકયતા છે. જોકે પોલીસે ગુનો નોંધી જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે. તેમજ જુદી જુદી ટીમની રચના કરી છે. સીસી ટીવી કેમેરા તપાસવામાં આવી રહ્યાં છે.

બાથરૂમમાં રૂપિયા સંતાડી દેતાં બચી ગયા
જયાબેન લૂંટારૂંથી બચી રૂમમાં જતા રહ્યાં હતાં. અને બાથરૂમમાં થેલામાંથી રૂપિયા કાઢી બાથરૂમમાં સંતાડી દીધા હતાં. અજાણ્યા શખ્સો લૂંટ કરીને જતા રહ્યાં ત્યારે બાથરૂમમાં રાખેલી રકમ સવા પાંચ લાખ રૂપિયા બચી ગયા હતાં.

ભાઇ અને ભાણેજ રૂપિયા અને દાગીનાં મૂકી ગયા હતાં
જયાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ચાર દિવસ પહેલા મારાભાઇ મોહનભાઇ 5.25 લાખ રૂપિયા રાખી ગયા હતાં. તેમજ ભાણેજ મહેશભાઇ સોલંકી બે લાખ રૂપિયા અને સોનાનો હાર આશરે અઢી તોલાનો અને સોનાનો ચેઇન આશરે પોણા બે તોલાનો અને સોનાની વીંટી એકાદ માસ પહેલાં રાખી ગયા હતાં.