અગ્રણી બાબુભાઈ સોડવડીયાએ ભર્યા રૂ. 1 કરોડ, ગામમાં ખુશીની લહેર
ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા
- Advertisement -
સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ગામના અગ્રણી અને હાલ સુરત નિવાસી બાબુભાઈ ધનજીભાઈ સોડવડીયાએ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો. ઓપરેટિવ બેંકનું આશરે રૂ. 1 કરોડનું લેણું ભરી દેતા 490 ખેડૂતોને 30 વર્ષ જૂના કરજમાંથી મુક્તિ મળી છે. વર્ષોથી લેણાં બાકી હોવાથી જીરા ગામના ખેડૂતોને કોઈ સરકારી યોજના કે સહાયનો લાભ મળતો ન હતો. બાબુભાઈના આ ઉમદા કાર્યથી હવે ખેડૂતોને લેણાંના બોજમાંથી રાહત મળી છે અને ગામમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.
ગામના ખેડૂતોના ચહેરા પર રાહતનો સ્મિત જોવા મળ્યો હતો અને સમગ્ર જીરા ગામમાં ઉજવણી જેવો માહોલ સર્જાયો હતો. ગ્રામજનો દ્વારા દાતા બાબુભાઈ સોડવડીયાનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા, અમરેલી લોકસભાના સાંસદ ભરત સુતરીયા, સરપંચ ધર્મેશભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.



