ચારધામ યાત્રાએ ગયેલા આ યાત્રાળુઓ કેદારનાથથી પરત ફરતી વખતે ગૌરીકુંડ નજીક ફસાયા હતા
રાજકોટના કલેક્ટર દ્વારા તાત્કાલિક સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરવામાં આવી હતી
- Advertisement -
ગુજરાતના મોરબી, રાજકોટ અને જામનગરના 47 સિનિયર સિટીઝનનો એક સમૂહ ઉત્તરાખંડમાં ભારે વરસાદમાં ફસાયું હતું. ચારધામ યાત્રાએ ગયેલા આ યાત્રાળુઓ કેદારનાથથી પરત ફરતી વખતે ગૌરીકુંડ નજીક ફસાયા હતા. તમામ યાત્રિકો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે અને તેમને એક સ્થાનિક હોટલમાં આશ્રય આપવામાં આવ્યો છે. જોકે, રસ્તો ખૂલી જતાં તમામ શ્રદ્ધાળુઓ ગૌરીકુંડથી સોનપ્રયાગ જવા રવાના થયા છે.
મળતી માહિતી મુજબ આ યાત્રાળુઓનું ગ્રૂપ કેદારનાથ દર્શન કરીને પરત ફરી રહ્યું હતું ત્યારે ઉત્તરાખંડના ગૌરીકુંડ નજીક ભારે વરસાદ કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હતા. જેના કારણે તેઓ આગળ વધી શક્યા નહોતા. આ ઘટનાની જાણ થતાં જ રાજકોટના કલેક્ટર દ્વારા તાત્કાલિક સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરવામાં આવી હતી.
તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ફસાયેલા યાત્રાળુઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. હાલમાં તમામ 47 યાત્રાળુઓ સલામત છે અને તેમને ગૌરીકુંડ નજીકની એક હોટલમાં રોકવામાં આવ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા તેમને ભોજન અને અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. વરસાદ બંધ થતાં માર્ગ ખૂલી જતાં તમામ શ્રદ્ધાળુઓ ગૌરીકુંડથી સોનપ્રયાગ જવા રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનાથી યાત્રાળુઓના પરિવારોમાં ચિંતાનો માહોલ હતો, પરંતુ તમામ સુરક્ષિત હોવાના સમાચાર મળતાં તેમને રાહત થઈ છે.